સંબંધ નામે અજવાળું
(5)
હર ઘર કે કોને મેં એક પોસ્ટબોક્સ હોતા હૈ !
રામ મોરી
બંગાળી મહાન ફિલ્મ નિર્દેશક, લેખક અને અભિનેતા એવા રીતુપર્ણો ઘોષની સુંદર ફિલ્મ ‘મેમરીસ ઈન માર્ચ’ નું એક ગીત છે.
‘’હર ઘર કે કોને મેં એક પોસ્ટબોક્સ હોતા હૈ.....’’ વાત તો સાચી. પોસ્ટબોક્સ તો હોય જ છે. માણસના મનની અંદર પણ પોસ્ટબોકસ હોય છે. રોજ કંઈકેટલીય ચીઠ્ઠીઓ મનોમન એ લખતો હોય છે, ઘુંટતો હોય છે, લખી લખીને ચેકચાક કરતો હોય છે. આખી ચીઠ્ઠી ફાડીને ફરી ફરી લખતો હોય છે અને પછી એ ચીઠ્ઠી મનનાં કોઈ ખૂણામાં મૂકાયેલા પોસ્ટબોક્સમાં નાખી દેતો હોય છે. જરા વિચારો તમારા મનમાં કંઈકેટલાય એવા સંદેશાઓ પડ્યા છે જે તમે ક્યારેય ક્યાંય મોકલી શક્યા નથી. મેસેજના જમાનામાં પણ ટાઈપ થઈને ડ્રાફ્ટ બનીને કંઈ કેટલાય સંદેશાઓ પડ્યા છે, કેટલાક કાગળ મનોમન લખાયા છે પણ સરનામું ખબર નથી એટલે નથી મોકલાયા. કેટલાય કાગળો લખાતા પહેલા જ અટકી ગયા છે કેમકે સંબોધનમાં લખનાર કન્ફ્યુઝ છે કે સંબોધન શું કરવું અને કયા હકથી કરવું, કેટલાક સંદેશાઓ લખવામાંથી પૂરા નથી થતા...લખાતા જ જાય છે, લખાતા જ જાય છે, કેટલાક કાગળો એટલા માટે જ લખાઈ રહ્યા છે કેમકે એને ખરેખર વાંચનાર કોઈ નહીં હોય, કેટલાક કાગળો એટલા માટે નથી લખાયા કેમકે એને વાંચનારાઓની લાઈન લાગેલી છે. માણસના મનને સ્હેજ સ્પર્શ કરશો તો કાગળની ગડીઓ ઉકેલાતી અનુભવાશે. દરેક કાગળો તેના યોગ્ય સરનામે પહોંચી શકે એવું સદભાગ્ય દરેક લખનારનું નથી હોતું.
સંસ્કૃતના મહાકવિ કાલિદાસનું મહાકાવ્ય મેઘદૂતની કલ્પના બહુ જ સુંદર છે. સ્વર્ગમાંથી શ્રાપિત થઈ પૃથ્વી પર આવેલા યક્ષને પોતાની પત્નીની યાદ આવે છે તો એ પોતાનો વિલાપ અને સંદેશ આકાશમાં ઘેરાયેલા વાદળોને સંભળાવે છે. યક્ષને આકાશમાં ઘેરાયેલા વાદળાઓ જોઈને પોતાની પત્નીના શ્યામ કેશની યાદ આવે છે અને એ મેઘને દૂત બનાવી અલકાપૂરી સ્વર્ગમાં વિલાપ કરતી પત્નીને પોતાના સંદેશાઓ પહોંચાડે છે. કેટલું સુંદર કલ્પન છે. આવું સદભાગ્ય આપણને નથી મળ્યું. કોઈને કશું કહેવું છે તો એ વાત સૌથી પહેલાં તો મનમાં જ સો વાર ઘુંટાઈ જાય છે. એ સમયે આપણે પોતે જગતા સૌથી મોટા મહાન એડીટર હોઈએ છીએ. આ લાઈન બરાબન નથી..ના આ સંબોધન યોગ્ય નથી, ના વાત સૌથી પહેલાં ન કરવી જોઈએ, મૂળ મુદ્દો છેલ્લે રાખું, ના કદાચ મૂળ મુદ્દા સુધી પહોંચતા પહેલા જ એ કાગળ અધુરો મુકી દેશે તો, લાંબો કાગળ લખીશ તો એને લાગશે કે વાત ગોળ ગોળ ફેરવું છું, ના..પણ સાવ ટુંકમાં અને મુદ્દાસર કાગળ લખીશ તો વધુ પડતા પ્રેક્ટિકલ પ્રુવ થઈશું...આ બધા સવાલોના જવાબો આપણને ક્યારેય મળતા નથી અને આપણા કાગળ આપણા મનના પોસ્ટબોક્સમાં જ પડ્યા રહે છે કાયમને માટે !
આપણા મનમાં રહેલા પોસ્ટબોક્સને સમયાંતરે કોઈકને કોઈક ઢંઢોળતું રહે છે કે અંદર કશું છે કે નહીં...અંદર કોઈના માટે કોઈ કાગળ છે કે નહીં....કાગળ કોરો છે કે આખો ભરેલો છે....કાગળમાં કોઈ ચોક્કસ સરનામું લખાયેલું છે કે પછી સરનામા વગરનો કાગળ છે ! ક્યાંક તો આપણને આ બધા જ પ્રશ્નોનો એટલો ડર લાગતો હોય છે કે પોસ્ટબોક્સ પર તાળું લગાવી દઈએ છીએ અને ચાવી સાચવીને મુકી દઈએ છીએ. આ ચાવી એટલી સંભાળીને સાચવીને આપણે સંતાડી હોય છે કે ક્યારેક આપણે પોતે જ ભૂલી જઈએ છીએ કે આપણે ચાવી ક્યાં મુકી કે સંતાડી હતી. અને પછી એવો વખત આવે કે પેલું સરનામું આપણી સામે આવીને ઉભું રહે ત્યારે ચાવી જ ન મળે અને એક લખાયેલો કાગળ ચાવીના અભાવે પડ્યો રહે છે.
માણસને માણસ ઓળખતો નથી એ વાતનો સૌથી મોટો અફસોસ હોય છે, ફરિયાદ હોય છે. પણ એકવાત એ પણ સાચી છે કે માણસને બીજો માણસ ઓળખી જાય એ પાછું મંજૂર પણ નથી હોતું. આપણને સૌને આપણી જાત, આપણી વાત, આપણું મન અને આપણું કવન સંતાડવાની ટેવ પડી ગઈ છે. ડર છે આપણને કે કોઈ આપણી વાતને, આપણી ભાવનાઓને, મનમાં લખાયેલા કાગળને, એ કાગળ પર લખાયેલા સરનામાને નહીં સમજી શકે તો ? એ ડરના માર્યા આખી જીંદગી આપણને આપણા મનમાં લખાયેલા પેલા કાગળને સાચવી રાખીએ છીએ, એની ગડીઓ એટલી ચીવટથી વાળીએ છીએ કે સમય જતા એ કાગળો એ ગડીથી જ ભાંગવા તુટવાનું શરું કરે છે.
માણસના મનમાં હંમેશા ન કહેવાયેલી વાતોનો ભાર વધારે છે. આવી સંગ્રહાયેલી લાગણીઓમાં સમય જતાં નિરાશા અને નકારાત્મકતાનો સડો લાગે છે. સરવાળે આખું મન અને સંબંધ ગંધાવવા લાગે છે. કશું નહીં કહી શક્યાની લાગણી માણસને બેચેન બનાવી દે છે. એ બેચેની જીંદગીભર છાતીમાં અજંપો બાંધી દે છે. મનમાં રહેલા પેલા કોરા કાગળો ફડફડાટ કરે છે. એમાં કશુંક લખો..જેના માટે લખવું છે એ લખો...સામાવાળાને કેવું લાગશે એની ચિંતા કર્યા વિના લખો...જેટલું લખવું છે એટલું લખો નહીંતર મનની દિવાલો પર ઉદાસીનતાની પીળાશના આવરણો ચડી જશે અને પછી કશું પણ લખવા બેસશો તો કાગળ ભાંગી જશે...લખવાનો સમય હતો ત્યારે મેં મારા મનની વાત કેમ ન લખી એ અફસોસ આવાનારા વર્ષોના વર્ષો સુધી કરચો બની મનમાં ચૂભ્યા કરશે.
મનમાં રહેલા પોસ્ટબોક્સમાં કાગળ લખીને નાખી જ દો. શું ફેર પડશે એનાથી ? ગમતું પાત્ર તમારા પોસ્ટબોક્સ સુધી પહોંચશે. હાથ નાખશે અને તમારા મનમાં રહેલી વાતનો કાગળ એના હાથમાં આવશે, એ સરનામું ચકાસીને કાગળ વાંચશે. જો એ કાગળમાં લખાયેલી ભીની વાતો અને વરસાદી રાતો એની પોતીકી હશે, એના ભાગ્યની હશે તો એ કાગળ છાતીએ ચાંપશે....અને જો એ કાગળમાં લખાયેલી વાત એને મંજૂર નહીં હોય તો સમજી લો કે કાગળ ખોટા સરનામે પોસ્ટ થયો છે. એનાથી કાગળનું લખાઈ જવું વ્યર્થ નથી થતું....કોઈ તમારા મનના લખાયેલો અને પોસ્ટ થયેલો કાગળ સ્વીકારે નહીં તો માની લો કે એ કાગળને એનાથી પણ સારા સરનામાનું નસીબ મળેલું છે. પણ એકવાતના ભારમાંથી તમે છૂટી જશો કે કશું કહી ન શકાયું.
સામાવાળો તમારા મનમાં રહેલા કાગળની ગડીઓ ઉકેલે, એની પોતાની આંગળીઓના ટેરવાનો સ્પર્શ એ કાગળને મળે, કોઈ ભીની આંખો એ કાગળમાં લખાયેલી લીલી લાગણીઓ પર વરસે, કાગળને ગમતી વ્યક્તિની છાતીના ધબકારા સંભળાય...આ બધી ઈચ્છાઓ મનમાં રહેલા પોસ્ટબોક્સને હોય જ, સ્વાભાવિક છે. પણ આ ઈચ્છાઓ પૂરી થાય તો જ કાગળ લખીને પોસ્ટબોક્સમાં નાખીશું એ તો શરત થઈ. લાગણીઓને વ્યક્ત કરવામાં શરતો નહીં મનની પર્તો ખોલવાની જરૂર હોય છે.
તમને ખબર પણ નહીં હોય અને કોઈ એક સરનામું જીંદગીભર તમારા કાગળની રાહ જોઈને બેઠું હોય એવું પણ બને. તમને ખબર પણ ન હોય અને તમારા મનમાં રહેલા પેલા લાલ પોસ્ટબોક્સ પાસે આવીને એ પોતાના માટે, પોતાના સરનામા માટે કોઈ કાગળ છે કે નહીં એ ચકાસી જાય છે. પોતાના માટે કોઈ કાગળ નથી તો નિરાશ થવાના બદલે એ તમારા મનના પોસ્ટબોક્સને વહાલ કરીને આશાઓ જીવતી રાખે છે કે આજે નહીં તો કાલે એના સરનામે તમારો કાગળ આવશે જ. ખોટા સરનામે પર કાગળ લઈને પહોંચી જાઓ, ખોટા પોસ્ટબોક્સમાં તમારો કાગળ નાખીને આવી જાઓ તો પછી એ કાગળ જે જે સરનામે પોસ્ટ થાય એ સરનામા ખોટા જ હોવાના..
બંધ આંખે ઉંડા શ્વાસ લો. મનમાં વીખરાયેલા કોરા પાનાઓને એકઠા કરો, ગમતી વ્યક્તિની ગમતી વાતો, યાદોને મહેસુસ કરીને, જે લખવું છે, જેટલું લખવું છે, જે સંબોધનથી લખવું છે, જે પેનથી લખવું છે એ બધું લખી લો...કોઈ શું કહેશે, કોઈને આ વાંચવાથી શું ફીલ થશે, આ કાગળ વંચાશે કે પડ્યો રહેશે, જેટલું લખું છું એમાં ક્યાંક વધું પડતું તો નથી આવી જતુંને...આ બધી વાતોને કોરાણે મુકીને વરસી પડો, ધબકી લો, એ કાગળમાં પૂરેપૂરા જીવી લો. તમારા પોતાના અંગત શ્વાસોને એમાં કેદ કરી લો. તમારું પોસ્ટબોક્સ તમારા મનની વાતોને મનગનતા સરનામે પહોંચાડવા ગુલાબી બની રહ્યું છે !
***