Devil - EK Shaitan -8 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૮

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ડેવિલ એક શૈતાન-૮

ડેવિલ:એક શૈતાન

ભાગ ૮

રાધાનગર માં એક પછી એક લોકો ની લાશો મળી આવવાની ઘટના બહાર આવે છે-પોલીસ કોઈ ગુનેગાર સુધી પહોંચી નથી શકતી-અર્જુન ના લાખ પ્રયાસો છતાં હત્યારા નો છેલ્લો હુમલો પોલીસ સ્ટેશન પર થાય છે-ગંભીર રીતે ઘવાયેલા વાઘેલા કોમા માં હોય છે-પીનલ હત્યા ની પેટર્ન મુજબ આજે હુમલો થવાની વાત અર્જુન ને જણાવે છે-વાઘેલા ભાન માં આવી જાય છે-હવે આગળ......

વાઘેલા ના ભાન માં આવ્યા ના સમાચાર સાંભળી અર્જુન તાત્કાલિક સિટી હોસ્પિટલ પહોંચી જાય છે.ફરજ પર ના ડોકટર સાથે નાયક અત્યારે હાજર હોય છે.ત્યાં જઈને અર્જુન ડાયરેકટ વાઘેલા ને જે રૂમ માં રાખ્યો હોય ત્યાં પહોંચે છે.વાઘેલા અત્યારે ભાન માં હોય છે ,વાઘેલા ની પત્ની પણ અત્યારે ત્યાં હાજર હોય છે.

"ભાભી તમે થોડો સમય બહાર બેસી શકો છો.?મારે થોડી પૂછપરછ કરવી છે"અર્જુને આવતા ની સાથે શ્રીમતી વાઘેલા ને કહ્યું.

અર્જુન ની વાત સાંભળી વાઘેલા ના પત્ની બહાર નીકળી જાય છે.અર્જુન ડૉક્ટર નાણાવટી સામે જોઇને કહે છે."સાહેબ હું પાંચ મિનિટ વાઘેલા જોડે વાતચીત કરી શકું?"

"હા કેમ નહીં, ઇન્સ્પેક્ટર વાઘેલા ખૂબ જ મક્કમ મનોબળ વાળા માણસ છે જે લગભગ મોત ને હાથતાળી આપી આપણી વચ્ચે અત્યારે સહી સલામત આવી ગયા"નાણાવટી એ વાઘેલા ની આટલી ઝડપી રિકવરી ને લીધે કહ્યું.

"ભારત દેશ નો દરેક પોલીસ કર્મચારી બહાદુર જ છે,મને ગર્વ છે મારા સ્ટાફ ના દરેક સભ્ય પર.જો સાહેબ તમને વાંધો ના હોય તો અમને એકાંત મળી શકશે?"અર્જુને કહ્યું.

અર્જુન ની વાત નો અર્થ સમજી ડો.નાણાવટી બહાર નીકળી ગયા,એમના જતાં ની સાથે નાયકે એ રૂમ નો દરવાજો બંધ કરી દીધો.

"વાઘેલા કેવું છે હવે.?"અર્જુને વાઘેલા ના માથા જોડે બેડ ની પાસે ખુરશી રાખી કહ્યું.

"બસ સાહેબ આમતો સારું જ છે,પણ હજુ ડ્યૂટી જોઈન કરતા થોડી વાર લાગશે..હરામ નું જેટલું ખાધું હતું એટલું બધું લોહી નીકળી ગયું"વાઘેલા એ હસતા હસતા કહ્યું.એની વાત સાંભળી અર્જુન અને નાયક ના ચેહરા પર પણ સ્મિત ફરકી ઉઠ્યું.

"વાઘેલા એ રાતે શું બન્યું એ જણાવી શકીશ?"અર્જુને હવે મુખ્ય વાત પર આવતા કહ્યું.

અર્જુન ની વાત સાંભળી વાઘેલા ના હસતા ચહેરા પર જાણે ભય નો માહોલ ફરી વળ્યો.એની આંખો માં અત્યારે જાણે મોત દેખાઈ રહ્યું હોય એવા ભાવ ઉપસી આવ્યા.વાઘેલા એ ઘટના અત્યારે નિહાળી રહ્યો હોય એમ બોલવા માંડ્યો.

"એ રાતે ૩ વાગવા આવ્યા હતા,હું અને ૨ જુનિયર કોન્સ્ટેબલ કન્ટ્રોલ રૂમ માં બેઠા બેઠા ગપ્પા મારી રહ્યા હતા ત્યારે કંઇક ખળભળાટ થતા અમારું ધ્યાન એ તરફ ગયું.અમે ઉભા થઇ ને કન્ટ્રોલ રૂમ ની બહાર આવ્યા પેહલા તો કોઈ દેખાયું નહીં પણ જેવી અમારી નજર ઉપર ની તરફ ગઈ એવું જ અમે જે દ્રશ્ય જોયું એનું વર્ણન કરવું જ શક્ય નથી...!!! આટલું બોલી વાઘેલા અટકી ગયા..એનું ગળું અત્યારે સુકાઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું એટલે અર્જુને બાજુમાં રાખેલા જગ માંથી એક પાણી નો ગ્લાસ ભરી વાઘેલા ને આપ્યો.

પાણી પીધા બાદ વાઘેલા એ આગળ બોલવાનું ચાલુ કર્યું"ઉપર એક દૈત્ય હતો..જીવતો જાગતો દૈત્ય..એ ત્યારે એક બિલાડી ને આરોગી રહ્યો હતો..એ હતો તો એક માનવ પણ એનો દેહ અને મુખાકૃતિ રાક્ષસ જેવી માલુમ પડતી હતી..જેવી એની નજર અમારા પર પડી ત્યારે મેં એની આંખો જોઈ..એ આંખો કોઈ શૈતાન ની આંખો માલુમ પડતી હતી..!ડર ના લીધે અમે અંદર કન્ટ્રોલ રૂમ ની તરફ ભાગ્યા.

એ દૈત્ય કુદકો મારી નીચે આવ્યો અને અમારી પાછળ પડ્યો.અમે જઈને કન્ટ્રોલ રૂમનો દરવાજો બંધ કરીએ એ પહેલાં એને જોર થી દરવાજા ને ધક્કો માર્યો એટલે હું અને બંને કોન્સ્ટેબલ ઉછળીને દૂર ફેંકાઈ ગયા.!એ દૈત્ય ધીરે ધીરે મારી તરફ આગળ વધ્યો, મનોમન મેં માની જ લીધું હતું કે મારો છેલ્લો સમય આવી ગયો..એ કોઈ પ્રાણી ચાલતું હોય એમ હાથ-પગ વડે ચાલી ને મારા જોડે આવી ગયો.પહેલા તો એને મારી આંખો માં જોયું અને પછી પોતાનું મુખ પહોળું કરી ને ચિલ્લાયો...એના દાંત માં અત્યારે બિલાડીનું તાજું લોહી લાગેલું હતું..બસ પછી તો મેં આંખો મીંચી દીધી અને ભગવાન નું સ્મરણ કરવા લાગ્યો.!

એ રાક્ષસે પોતાના દાંત વડે મારા ગળા પર બચકું ભર્યું મને તીવ્ર પીડા થઈ એના નહોર પણ મારા શરીર ને નોંચી રહ્યા હતા ત્યારે હું મારી ફેમિલી ને યાદ કરી રહ્યો હતો.હું બે ઘડી નો જ મહેમાન હતો.મેં એ દૈત્ય સામે શરણાગતિ સ્વીકારી જ લીધી હતી પણ હું બચી ગયો.

મારા બે જુનિયર કોન્સ્ટેબલો એ ગજબ ની હિંમત બતાવી,જ્યારે મારા પર હુમલો થઈ રહ્યો હતો ત્યારે એ બંને ધારત તો મને ભગવાન ભરોસે મૂકી ભાગી શક્યા હોત પણ એમને એવું ના કર્યું.જ્યારે એ દૈત્ય મારા પર સવાર હતો ત્યારે એમને લાકડી ઓ એ દૈત્ય ના માથા પર ફટકારવાની ચાલુ કરી.અચાનક થયેલા હુમલા થી એને મને પડતો મુક્યો અને કૂદીને એ કોન્સ્ટેબલો પર હુમલો કરી દીધો.

એ બંને કોન્સ્ટેબલ પૂરી તાકાત થી લડી રહ્યા હતા એમાંથી એકે મને ભાગી જવા કહ્યું..પણ હું એમને આમ મોત ના હવાલે કરી ભાગવા તૈયાર નહોતો.હું ઉભો થઇ શકવાની સ્થિતિ માં નહોતો તો પણ હું પરાણે ઉભો થઇ ને ટેબલ સુધી ગયો ટેબલ ના ખાના ને ખોલી રિવોલ્વર બહાર કાઢી અને એ દૈત્ય પર ગોળી ચલાવી દીધી પણ એ શૈતાન ને કંઈપણ અસર ના થઇ.એ પોતાની તાકાત વડે બંને કોન્સ્ટેબલ ને માત કરવાની કોશિશ માં લાગી રહ્યો.

ગોળી નો ઘા તો પડ્યો એમાંથી લોહી પણ નીકળ્યું પણ તરત જ એ ઘા પાછો ભરાઈ ગયો.એ લોહી કાળા રંગ નું હતું એવું જ લોહી જે મુનલાઈટ સોસાયટી ની ઘટના વખતે મળ્યું હતું.આ જોઈ મારી રહી સહી હિંમત પણ મરી પરવડી અને હું દોડીને બહાર નીકળી ગયો..મેં બહાર જતા ની સાથે કોન્સ્ટેબલ ની ચીસો સાંભળી..લગભગ છેલ્લી ચીસો...!!

"હું એ બંને ને બચાવી ના શક્યો સાહેબ..એ રાક્ષસે એ બંને ને મારી નાખ્યા.સાહેબ એને જીવતો ના છોડતા.."આટલું બોલી વાઘેલા રડવા લાગ્યો.

"વાઘેલા તું રડીશ નહીં..તે ખૂબ હિંમત બતાવી છે..આ ઘટના વિશે બીજા કોઈને કંઈ ના જણાવતો.હું એસીપી અર્જુન તને વચન આપું છું કે આજે રાતે એ દૈત્ય નો ખાત્મો બોલાવીને જ રહીશ..તું અત્યારે આરામ કર"આટલું કહી અર્જુન રૂમ ની બહાર બેસેલા શ્રીમતી વાઘેલા ને મળી એમને સાંત્વના આપી હોસ્પિટલ ની બહાર જવા પ્રસ્થાન કરે છે.નાયક પણ અર્જુન ની જોડે જોડે ચાલતો હોય છે.

"સાહેબ,તમને શું લાગે છે વાઘેલા સાચું બોલી રહ્યો છે?નાયકે કહ્યું.

"હા નાયક વાઘેલા સાચું બોલી રહ્યો છે.કોઈ વ્યક્તિ ની આંખો ક્યારેય ખોટું ના બોલે અને વાઘેલા ની આંખો પર થી એ વાત પુરવાર થાય છે કે એ જે કંઈપણ બોલ્યો એ અક્ષરશઃ સત્ય છે"અર્જુને કહ્યું.આંખો જોઈ કોઈપણ વિશે જાણવાની અર્જુન ની આ કળા થી નાયક માહિતગાર હતો.

"તો એનો મતલબ વાઘેલા એ વર્ણન કર્યું એ મુજબ નો કોઈ દૈત્ય મોજુદ છે આ રાધાનગર માં? અને તમે કીધું આજે રાતે તમે એ શૈતાન ને ખત્મ કરશો એનો મતલબ આજે રાતે એ ફરી થી કોઈ હુમલા ને અંજામ આપશે?"નાયકે પોતાના મન માં ચાલી રહેલા સવાલો અર્જુન ને પૂછી લીધા.

"નાયક હા હકીકત માં વાઘેલા એ કહ્યા મુજબ નો દૈત્ય આ શહેર માં અસ્તિત્વ ધરાવે છે...ખબર નથી કેવી રીતે પણ આજે એ શૈતાન નો ખાત્મો કરીને જ રહીશ..હું કલાક માં પોલીસ સ્ટેશન પહોંચું છું.. તું ત્યાં સુધી પોલીસ સ્ટેશન જઇ આપણા ફૂલ સ્ટાફ ને કોનફરન્સ હોલ માં ભેગો કર."આટલું કહી અર્જુન પોતાની બુલેટ લઈને નીકળી પડ્યો.

અર્જુન ની વાત સાંભળી નાયક પણ પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગયો.અર્જુન પોતાની બુલેટ પર અત્યારે ફાધર થોમસ ને મળવા ચર્ચ પહોંચ્યો. હવે જો કોઈ એને આ મુસીબત માંથી બહાર લાવી શકે તો એ ફાધર થોમસ જ હતા.અર્જુને પોતાનું બુલેટ ચર્ચ જોડે ઉભું રાખ્યું અને નીચે ઉતરી ચર્ચ ની અંદર આવેલા ફાધર ના રૂમ તરફ ગયો.

રૂમ ના બારણાં પર નોક કરી ને અર્જુને કહ્યું"હું અંદર આવી શકું છું?"

"અર્જુન...માય ચાઈલ્ડ...પ્લીઝ કમ ઇન..."ફાધર એનો અવાજ ઓળખી ગયા હોય એમ બોલ્યા.

અર્જુને રૂમ માં પ્રવેશતા જ જોયું તો ફાધર ની તબિયત ઠીક નહોતી લાગી રહી.એ અત્યારે બપોરે પણ રજાઈ ઓઢીને સુતા હતા.બાજુ માં રાખેલી ત્રિપાઈ પર ની દવાઓ પર થી એ સ્પષ્ટ હતું કે એમની તબિયત માં કોઈ સુધારો આવ્યો નહોતો.આર્જુન ને જોઈ એ બેઠા થવાની કોશિશ કરી રહ્યા હતા એ જોઈ અર્જુને કહ્યું.

"ફાધર તમે તકલીફ ન લેશો..તમે આરામ થી સુતા રહો..હું આ બાજુ માં બેઠો" આટલું કહી અર્જુન સ્ટૂલ લઈને એમના બેડ જોડે બેસી ગયો.

"દીકરા તારા ચહેરા પર થી એવું લાગે છે કે તું કોઈ મોટી મુસીબત માં છે..મેં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા ની વાત સાંભળી..હું બીમાર હોવાથી એ વિશે પહેલાં થી જાણી શક્યો નહીં.. તું જણાવીશ તું અહીં કેમ આવ્યો છે?ફાધરે અર્જુન સામે જોતા કહ્યું.

અર્જુને ફાધર ને પીનલે જણાવેલી તારીખો મુજબ ખુન થવાની પેટર્ન અને વાઘેલા દ્વારા કરેલ દૈત્ય ના વર્ણન વિશે ડિટેઇલ માં વાત કરી.આ ઉપરાંત ફોરેન્સિક રિપોર્ટ વિશે પણ વિગતવાર જણાવ્યું.

અર્જુન ની વાત સાંભળી ફાધર થોમસ ના ચહેરા પર વ્યગ્રતા ફરી વળી એ પોતાની પથારી માંથી બેઠા થયા અને અર્જુન નો હાથ પોતાના હાથ માં લઈને બોલ્યા" હું કહેતો હતો ને કે આ બધી ઘટનાઓ પાછળ કોઈ શૈતાની શક્તિ નો હાથ છે.અત્યારે એની તાકાત ખૂબ વધી ગઈ છે..એને વશ માં કરવો બહુ જ મુશ્કેલ છે..કોઈ સામાન્ય માણસ કે કોઈ એવું હથિયાર નથી જે એને રોકી શકે"

"ફાધર કોઈ તો રસ્તો હશે એ રાક્ષસ નો નાશ કરવાનો..એક તમે જ છો જે આ વિકટ પરિસ્થિતિમાં મારી મદદ કરવા સમર્થ છો"અર્જુને આશભરી નજરે ફાધર સામે જોઇને કહ્યું.

ફાધરે થોડું વિચાર્યું પછી પોતાની પથારી માં થી ઉભા થઇ ને રૂમ ના ખૂણા માં આવેલી અલમારી તરફ ગયા.અર્જુન પણ એમને ટેકો આપતો આપતો એમના જોડે ગયો.

ફાધર થોમસે અલમારી ખોલી અને એમાંથી એક પેટી કાઢી અને અર્જુન ને અલમારી બંધ કરવાનું કહી પોતાની પથારી પર આવીને બેઠા.અર્જુન પણ અલમારી બંધ કરી એમની પથારી બાજુ માં રાખેલી ખુરશી પર આવીને બેઠો.

ફાધર થોમસે એ લાકડાની બનેલી પેટી ને ખોલી અને એમાંથી કાપડ માં વીંટળાયેલી એક વસ્તુ કાઢી ને અર્જુન ને આપી અને કહ્યું "અર્જુન આ કાપડ માં એક ખંજર છે..આ કોઈ સામાન્ય ખંજર નથી પણ પંચધાતુ માંથી તૈયાર કરેલું દિવ્ય ખંજર છે..આ ખંજર વડે તું એ દૈત્ય ને મોત ના ઘાટ જરૂર ઉતારી શકીશ"

"દિવ્ય ખંજર..?"અર્જુને પ્રશ્નસુચક નજરે કાપડ નું આવરણ દૂર કરી ખંજર હાથ માં લેતા કહ્યું.અર્જુન ની નજર અત્યારે એ ખંજર ને નિહાળી રહી હતી.ખરેખર ખંજર કોઈ અલગ ધાતુ માંથી બનાવાયું હતું.એનો હાથો હાથીદાંત માંથી બનાવાયો હતો જેના પર અગ્નિ અને સૂર્ય ના નિશાન હતા.

"હા અર્જુન દિવ્ય ખંજર..આ ખંજર મારા પિતાજી અને આ ચર્ચ ના જુના પાદરી ફાધર વિલિયમે મને આપ્યું હતું..એમને મને આ ખંજર દિવ્ય શક્તિઓ થી સિદ્ધ કરેલું હોવાની વાત કરી હતી.તું આ ખંજર થી એ રાક્ષસ ને ચોક્કસ મોત ના ઘાટ ઉતારવામાં સફળ થઈશ."ફાધરે કહ્યું.

અર્જુને એ ખંજર માથે લગાડ્યું અને પાછું કપડામાં વીંટી પોતાના ખિસ્સા માં મૂકી દીધું અને કહ્યું"શું આ ખંજર જે પંચધાતુ માંથી બનાવાયું છે એનો થોડો જથ્થો મને મળી શકશે?"

"અર્જુન અત્યારે તો એ અશક્ય છે પણ ગોવા માં આવેલ સેન્ટ મરિયમ ચર્ચ ના મુખ્ય પાદરી બેંજામીન જોડે આ પંચધાતુ પડી હોવી જોઈએ, કેમકે બેંજામીન દેશ વિદેશ માં આવી શૈતાની આત્માઓ ની કોઈ ઘટના બને ત્યારે એના નિવારણ માટે અવારનવાર જતા હોય છે.હું આજે જ એમને કોલ કરી આ સિદ્ધ કરેલ પંચધાતુ તારા માટે મંગાવી આપું છું."ફાધરે કહ્યું.

"આપનો ખુબ ખુબ આભાર ફાધર થોમસ"અર્જુને ફાધર નો હાથ ચુમતા કહ્યુ.

"આભાર માનવો હોય તો પરમકૃપાળુ પરમાત્મા નો માન.. હું તો એક નિમિત્ત માત્ર છું.. અને ચાલ હું એક બીજી વસ્તુ તને આપવા માંગુ છું જે તારા ઓફિસરો ને એ દૈત્ય ના હુમલા થી બચવામાં મદદ કરશે" ફાધરે પથારી માંથી બેઠા થતા કહ્યું.

પથારી માંથી ઉભા થઈ ફાધર ચર્ચ ના પ્રાથના હોલ માં આવ્યા અર્જુન પણ એમની પાછળ પાછળ ત્યાં આવ્યો.ફાધર લોર્ડ જીસસ ની પ્રતિમા પાસે જઈ ઉભા રહ્યા અને પ્રતિમા ની જોડે આવેલા એક પાણી ભરેલા પાત્ર ને જોઈને બોલ્યા

"માય સન આ પાત્ર માં જે જળ છે એ કોઈ સામાન્ય જળ નથી આ હોલી વોટર એટલે કે પવિત્ર પાણી છે...તું આ પાત્ર માંથી પાણી કોઈ બોટલ માં ભરી જા..આ હોલી વોટર તું તારા સ્ટાફ ના દરેક કર્મચારી ને થોડી થોડી માત્રા માં આપી દેજે."

ફાધર ની વાત સાંભળી અર્જુન દોડીને બહાર ગયો અને પોતાની બુલેટ માંથી એક ખાલી બોટલ લઈને પાછો આવ્યો.પાત્ર માંથી હોલી વોટર ભર્યા બાદ એને ફાધર સામે જોઈ પૂછ્યું "પણ આ પવિત્ર જળ કઈ રીતે કામ કરશે?"

"બેટા ભગવાન જીસસ ના ચરણ ધોવા વપરાયેલું આ પાણી બહુ પવિત્ર અને શક્તિશાળી છે.જ્યારે આ પાણી નો એ શૈતાન પર ઉપયોગ કરવામાં આવશે ત્યારે આની સીધી અસર એની શૈતાની આત્મા પર થશે અને થોડો સમય સુધી એ નિર્બળ બની જશે" અર્જુન સામે જોઈ પ્રેમપૂર્વક ફાધરે કહ્યું.

અર્જુને હાથ માં રહેલી બોટલ સામે જોતા કહ્યું"ફાધર હવે તો ભગવાન પણ મારી સાથે છે હવે તો એ શૈતાન નો અંત નજીક છે"

"હા દીકરા આ શહેર ને બચાવવું તારા હાથ માં છે..હું તને આનાથી વધુ મદદ કરી શકવા અસમર્થ છું"ફાધર થોમસે અર્જુન ના માથે હાથ રાખી કહ્યું.

"ફાધર મને રજા આપો,હવે વધારે મોડું કરવામાં મજા નથી"અર્જુને ફાધર ને પગે લાગીને કહ્યું.

"વિજયી ભવ,માય સન..ગોડ ઇસ ઓલ્વેઝ વિથ યુ"ફાધરે આશીર્વાદ આપતાં કહ્યું.

ફાધર ની રજા લઈ અર્જુન ચર્ચ ની બહાર નીકળ્યો.ચર્ચ ના પગથિયાં ઉતરતા ઉતરતા અર્જુન ની નજર બગીચા ના ફૂલો પર પડી એટલે અર્જુન ફૂલો ના છોડ ની દિશા માં આગળ વધ્યો..!

ફાધરે કહ્યા મુજબ જો આજે હુમલો થવાનો હોય તો ફુલોમાંથી રક્ત વહેવું જોઈએ.માટે અર્જુને નજીક જઈને જોયું તો એના પારાવાર આશ્ચર્ય વચ્ચે ફૂલો માંથી રક્ત ધીરે ધીરે ટપકી રહ્યું હતું પણ અચાનક એક પતંગિયું એ ફૂલ પર આવીને બેઠું અને ફુલોમાંથી વહેતુ રક્ત અટકી ગયું.આ ઘટના ને અર્જુન કુદરત નો એક ઈશ્વરીય સંકેત સમજી ફટાફટ પોતાની બાઇક ને સ્ટાર્ટ કરી વાયુવેગે પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યો.અત્યારે એના માં જોડે રહેલ ખંજર અને પવિત્ર પાણી ના લીધે નવી ઉર્જા નો સંચાર થયેલો હતો.!!

To be continued.......

પીનલ ની ધારણા પ્રમાણે હુમલો એ શૈતાન આજે ફરી થી આવશે? અર્જુન એ શૈતાન ને મોત ને ઘાટ ઉતારી શકશે? ફાધર થોમસે આપેલી દિવ્ય વસ્તુઓ કઈ રીતે અર્જુન ની મદદ કરશે? અર્જુન નો શૈતાન ની હત્યા નો આગળ નો પ્લાન શું હતો? જાણવા માટે વાંચતા રહો ડેવિલ:એક શૈતાન નો નવો ભાગ આવતા અઠવાડિયે. આ નોવેલ અંગે આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપવા વિનંતી.

ઓથર:- જતીન. આર.પટેલ