Devil - EK Shaitan -9 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૯

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ડેવિલ એક શૈતાન-૯

ડેવિલ :એક શૈતાન

ભાગ ૯

અર્જુન ના લાખ પ્રયાસો છતાં હત્યારા નો છેલ્લો હુમલો પોલીસ સ્ટેશન પર થાય છે-પીનલ હત્યા ની પેટર્ન મુજબ આજે હુમલો થવાની વાત અર્જુન ને જણાવે છે-ભાન માં આવેલ વાઘેલા એ હત્યારા નું વર્ણન એક દૈત્ય તરીકે કરે છે-મદદ માટે ચર્ચ ગયેલા અર્જુન ને ફાધર થોમસ દિવ્ય ખંજર અને પવિત્ર પાણી આપે છે-હવે આગળ......

ચર્ચ માંથી નીકળી અર્જુન પોલીસ સ્ટેશન જાય છે..જ્યાં એના કહ્યા પ્રમાણે નાયકે બધા પોલીસ કર્મચારી ને કોનફરન્સ હોલ માં એકઠા કર્યા હોય છે.અર્જુન ને જોઈ એ બધા પોતના સ્થાને ઉભા થઇ ને અર્જુન ના મોભા પ્રત્યે નો એમનો વિવેક દર્શાવે છે.

હાથ ના ઈશારે અર્જુન બધા ને નીચે બેસવા કહે છે.બધા ના પોતાના સ્થાન પર બેઠા પછી અર્જુન બોલવાનું શરૂ કરે છે"મિત્રો,આપણા આ શહેર માં હમણાં થી જે એકપછી એક ઘટનાઓ માં લોકો ના જીવ જાય છે એ બહુ દુઃખ ની વાત છે.

એમાં પણ આ બધી ઘટના પાછળ આખરે કોણ છે એ શોધી ના શકવું આપણા સૌ માટે શરમ ની વાત છે.પોલીસ સ્ટાફ ના બે કર્મચારીઓ ની મોત નો મને અને તમને બધા ને બેહદ અફસોસ છે.પણ આ સમય અફસોસ કરવાનો નથી આ સમય છે એકજૂથ થઈ એ શૈતાન નો ખાત્મો બોલાવવાનો."

"હું વાઘેલા ને મળી ને આવ્યો,વાઘેલા એ એ હત્યારા નું જે વર્ણન કર્યું છે એના પર એક વખત તો તમે વિશ્વાસ ના પણ કરો..પણ એ એટલું જ સત્ય છે જેટલું અત્યારે તમારી સામે મારુ હાજર હોવું.આટલું કહી અર્જુન વાઘેલા નું સંપૂર્ણ બયાન અને આજે તારીખ ની પેટર્ન મુજબ થનારી હત્યા વિશે સૌને માહિતગાર કરી દે છે.

"અર્જુન ની વાત સાંભળી બધા પોલીસ કર્મચારીઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગી પડે છે.અર્જુન એ બધા ને ચૂપ કરાવી આગળ બોલવાનું ચાલુ કરે છે.

"તમારા જેમ હું પણ પહેલાં આ બધી વાત પર વિશ્વાસ નહોતો કરતો પણ અત્યારે જે બની રહ્યું છે એ ખરેખર મને આ બધી અગોચર શક્તિ ની વાતો પર વિશ્વાસ કરવા મજબૂર કરી દે છે"

"પણ સર,જો હત્યારો કોઈ શૈતાન હોય તો એની પાસે એવું તો શું કારણ છે કે એ બધી હત્યાઓ આવી પેટર્ન વાઇઝ તારીખે કરે?"સુરેશ નામ ના કોન્સ્ટેબલ એ પૂછ્યું.

"અને સર આવો કોઈ શૈતાન હશે તો એનો સામનો અમે કઈ રીતે કરીશું?..કેમકે તમારા જણાવ્યા મુજબ એ શૈતાન પર બંદૂક ની ગોળી ની પણ અસર નથી થતી.."જાવેદે પણ અર્જુન ને સવાલ કરી લીધો.

"એ શૈતાન કેમ આમ પેટર્ન વાઇઝ હત્યા કરે એની તો નથી ખબર સુરેશ પણ તમારા બધા ના રક્ષણ માટે મારા જોડે એક વસ્તુ છે જાવેદ"એમ કહી અર્જુન પોતાના જોડે રહેલા પવિત્ર પાણી ને બતાવે છે.

"પાણી?..અમારી રક્ષા કઈ રીતે કરી શકે છે સર?"નાયકે પૂછ્યું.

"નાયક આ જેવું તેવું પાણી નથી પણ આ ફાધર થોમસે આપેલું પવિત્ર પાણી છે..એમના કહ્યા મુજબ જો આ પાણી ને એ શૈતાન પર નાંખવામાં આવે તો થોડી ક્ષણો માટે એનું આખું શરીર પીડા માં આવી જશે"અર્જુને આ પવિત્ર પાણી વિશે બતાવતા કહ્યું.

અર્જુન ના સમજાવ્યા બાદ બધા પોલીસ કર્મીઓ એ એક નાની કાચની શીશી માં એ પવિત્ર જળ થોડી માત્રામાં લઈને પોતાના ખિસ્સા માં રાખી દીધું.અર્જુને પણ વધેલું પાણી એક શીશી માં ભરી પોતાની જોડે રાખ્યું.

"આજે રાતે કોઈપણ રીતે એ દૈત્ય નો ખાત્મો બોલાવી દેવાનો છે.મારા જોડે એક પ્લાન છે..એ મુજબ આ હત્યારો શૈતાન શહેર માં તો મોજુદ નથી હોતો એ જરૂર શહેર ની બહાર કોઈ જગ્યા એ થી આવે છે..આપના શહેર માં આવવાના ત્રણ રસ્તા છે..જાવેદ તું,અશોક અને જાની ચાર ચાર માણસો ની ટીમ બનાવી એ ત્રણેય રસ્તા પર નજર રાખશો..તમારે કોઈ હરકત કરવાની નથી..બસ નજર રાખવાની છે",અર્જુને કહ્યું.

"ઓકે સર."જાની, જાવેદ અને અશોકે એક સુર માં કહ્યું.

"બીજા ઓફિસર શહેર માં પહેલા ની જેમ ટીમ બનાવી જીપ માં ફરશે..રાતે ૯ વાગ્યા પછી બહાર નીકળવાની મનાઈ હોવાથી કોઈ વ્યક્તિ ઘર ની બહાર નહીં નીકળે અને ઘરે પણ બારી બારણાં બંધ કરી સુઈ જશે એ વાત નક્કી છે."અર્જુને વાત આગળ વધારતા કીધું.

"જ્યાં ઘરવિહોણા લોકો ને આશ્રય અપાયો છે ત્યાં બહાર ફૂલ લાઈટ અને દરેક જગ્યા એ હથિયાર થી સજ્જ ૪ હોમગાર્ડ રાખેલા છે..નગરપાલિકા જોડે વધારે માં વધારે જગ્યા એ ટ્યુબલાઈટ ની વ્યવસ્થા પણ કરવાઈ છે..આટલી બધી તકેદારી થી એતો નક્કી જ છે આ વખતે એ શૈતાન ને કોઈની હત્યા માટે વધુ મહેનત કરવી પડશે." અર્જુને પોતાના દ્વારા કરવામાં આવેલી નાનામાં નાની સઘન વ્યવસ્થા વિશે જણાવ્યું.

"જો કોઈ શૈતાન જેવી વ્યક્તિ શહેર ની અંદર પ્રવેશતી દેખાય તો અમારે શું પગલાં લેવાના"કોન્સ્ટેબલ અશોકે કહ્યું.અશોક હતો તો એક કોન્સ્ટેબલ પણ એની બુદ્ધિ ગજબ ની તેઝ હતી.

"અશોક જેવો કોઈની પણ નજરે એ શૈતાન પડે તમારે કોઈએ સામે ચાલીને મોત ને નિમંત્રીત નહીં કરવાનું..તમારે એક સુરક્ષિત અંતર રાખી એનો પીછો કરવાનો અને મને જાણ કરવાની..જો એ તમારા પર હુમલો કરે તો તમારી જોડે રાખેલું પાણી એની પર છાંટી ત્યાંથી નીકળી જવાનું."અર્જુને અશોક ના સવાલ નો જવાબ આપતા કીધું.

"ઓકે સર.."અશોકે કહ્યું.

"આ સિવાય એ વાત નું ધ્યાન રાખજો કે તમે તમારી ટીમ થી અલગ ના પડતા.પેશાબ કરવા જવું પડે તો પણ જોડે જ જવાનું.હું તમને કોઈ ને ખોવા નથી માંગતો"અર્જુને બધા ની સામે જોઈ ચીંતા મીશ્રીત સ્વરે કહ્યું.

"અત્યારે ૬:૩૦ થયા છે ફટાફટ જમવાનું પતાવી ને એ દૈત્ય ના મોત ની તૈયારી માં લાગી જઈએ..કોઈને પોતાની જીંદગી પોતાની ફરજ કરતા વધુ વ્હાલી હોય તો એને ઘરે રહેવાની છૂટ છે..તમારા મન માં બીજો કોઈ સવાલ હોય તો બેફિકર થઈ ને પૂછી શકો છો." અર્જુને કહ્યું.અત્યારે એના અવાજ માં મક્કમતા અને કામ પ્રત્યે ની એની નિષ્ઠા છલકાઈ રહી હતી.

"નો સર, અમે તૈયાર છીએ આજે એ દાનવ ને ખત્મ કરવામાં તમારો સાથ આપવા માટે" બધા પોલીસ કર્મચારીઓ એક અવાજે બોલી ઉઠ્યા જે જોઈ અર્જુન ની છાતી ગદગદ ફુલી ગઈ.

સાંજે પોલીસ સ્ટાફ જમવાનું પતાવી ને પોતપોતાને સોંપાયેલા કામ માં લાગી ગયા.જાવેદ,અશોક અને જાની એ રાધાનગર માં આવતા મુખ્ય રસ્તા પર ચાંપતી નજર રાખવાની વ્યવસ્થા કરી રાખી.એ મુજબ જાવેદ એના જોડે કોન્સ્ટેબલ સાથે શહેર ની ઉત્તર દિશા માં આવેલ સડક ના જોડે વિશાળ વડ વૃક્ષ પર પોતાનો અડ્ડો જમાવે છે.

જાની દક્ષિણ દિશા માં આવેલ રસ્તાની બાજુ માં આવેલા પોસ્ટ ઓફીસ ના જુના મકાન ની અગાશી પર પોતાની ટીમ જોડે સ્થાન લે છે જ્યારે અશોક પૂર્વ દિશા માંથી આવતા મુખ્ય સડક ની બાજુ માં આવેલ હનુમાન દાદા ના મંદિર માં આવેલ પૂજારી ને રહેવાના મકાન ના ધાબા પર પોતાનો પડાવ નાખે છે.

શહેર માં ફરતી પોલીસ ટીમ ની આગેવાની અર્જુન નાયક અને સુરેશ ને આપે છે અને પોતે બુલેટ લઈને શહેર ની વચ્ચે આવેલા સપ્તપદી પાર્ટી પ્લોટ જોડે ઉભો રહે છે.આજે રાધાનગર ના લોકો માટે કાળ બની ગયેલા દૈત્ય નો કાળ બનવા અર્જુન અને એની ટીમ પૂર્વતૈયારી કરી ને બેસી હતી.

રાત ના ૧૨ વાગવા આવ્યા હતા તો પણ કોઈ પ્રકાર ની હિલચાલ થવા પામી નહોતી.અશોક,જાવેદ અને જાની વોકિટોકી વડે સતત અર્જુન ના સંપર્ક માં હતા.નાયક અને સુરેશ દ્વારા પણ રાધાનગર ના દરેક ભાગ માં પોલીસ જીપ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.પોતાની ટેવ મુજબ અર્જુન અત્યાર સુધી માં મારબોલો સિગરેટ નું અડધું પેકેટ ખાલી કરી દીધું હતું.

થોડીવાર થઈ એટલે અર્જુન ના વોકિટોકી માં કંઈક સળવળાટ થયો અર્જુને વોકિટોકી હાથ માં લીધું તો જાની નો ધીમો અવાજ એના કાને પડ્યો" સાહેબ એ દાનવ શહેરમાં આવી ગયો છે.શહેર ની દક્ષિણ દિશામાંથી અત્યારે એ ભયાનક દૈત્ય આગળ વધી રહ્યો છે."

"જાની તને પાકો ભરોસો છે જે તું બોલી રહ્યો છે એ એકદમ સત્ય છે? કેમકે હવે કોઈપણ પ્રકારની નાનકડી ભૂલ પોસાય એમ નથી"અર્જુને પૂછ્યું.

"હા સર, હમણાં જ વાઘેલા એ વર્ણન કર્યું એ મુજબ નો વિશાલ દેહ ધરાવતો જીવ અહીંથી પસાર થયો..હું સ્પષ્ટ તો જોઈ નથી શક્યો પણ એની ચાલ અને ભીમકાય દેહ વાઘેલા ના બયાન ને પરફેક્ટ મેચ થતા હતા." જાની એ પુરા વિશ્વાસ સાથે કહ્યું.

"સારું ત્યારે જો સાચે માં એ દૈત્ય જ હશે તો હવે એનો સામનો એસીપી અર્જુન જોડે થશે...તું તારી જગ્યા ના છોડતો જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી"અર્જુને આટલું કહી વોકિટોકી પોતાના જેકેટ ના ખિસ્સા માં સેરવી દીધું.અર્જુને પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો અને નાયક ને કોલ કરી થોડા સૂચનો આપી ડિસ્કનેક્ટ કરી દીધો.

અર્જુને પોતાના બુલેટ ને સ્ટાર્ટ કર્યું અને જાની ના કહ્યા મુજબ દક્ષિણ દિશા માંથી આવતા રસ્તા તરફ હંકારી મૂક્યું.અર્જુન ના મગજ માં એ દૈત્ય નો ખાત્મો કરવાનો પ્લાન આકાર લઈ ચુક્યો હતો પણ એ પ્લાન એના નક્કી કરેલા અંજામ સુધી કઈ રીતે પહોંચાડવો એ હવે જો કોઇના હાથ માં હતું તો એ હતો એ પોતે.

અર્જુન ચારેતરફ નજર કરતો બાઇક ને ભગાવી ર દિશા માં જઇ રહ્યો હતો..થોડું આગળ વધ્યા બાદ અર્જુને બાઇક ને થોભાવી દીધું અને એક લીમડા ના વૃક્ષ પાછળ છુપાઈને પોતાનું સંપૂર્ણ ધ્યાન મુખ્ય રસ્તા પર કેન્દ્રિત કર્યું.

૫-૧૦ મિનિટ જેટલો સમય વીતી ગયો પણ કોઈ પ્રકાર ની હિલચાલ જોવા ન મળતાં અર્જુન ને એકવાર તો એવું લાગ્યું કે જાની એ કહેલી વાત જાની ના મન નો વહેમ પણ હોઈ શકે.તો પણ અર્જુને થોડો સમય ત્યાંજ રોકવાનો નિર્ણય લીધો.

અચાનક વાતાવરણ માં ફેલાયેલો સન્નાટો અને વ્યાપ્ત શાંતિ માં કોઈએ અટકચાળો કર્યો હોય એવું ભાસ થયું.કુતરાઓ ના ભસવા અને નિશાચર પક્ષી ઓ ના અવાજ થી જાણે શાંત પાણી માં કોઈએ કાંકરી નાંખી હોય એવું દ્રશ્ય સર્જાયું.

એકાએક થયેલા આ બદલાવ થી અર્જુન સતેજ થઈ ગયો અને એને પોતાની રિવોલ્વર ને હાથ માં કસી લીધી.અર્જુને જોયું તો એક વિશાળ કાળો ઓછાયો સડક પરથી આગળ વધી રહ્યો હતો.પડછાયો એ વાત ની સાબિતી હતી એ દૈત્ય સાચેમાં વિશાળકાય કાયા નો મલિક હશે.અર્જુન ના ચહેરા પર ડર ભાવો ઉપસી આવ્યા, છતાંપણ અર્જુને પુરી હિંમત થી એ દાનવ નો સામનો કરવાનો મક્કમ નિર્ધાર કરી લીધો.

અર્જુન પોતાની બુલેટ પર સવાર થયો અને મુખ્ય સડક ની વચ્ચોવચ આવીને ઉભો રહી ગયો.બુલેટ ના અવાજ અને હેડલાઈટ ના પ્રકાશ ના લીધે એ દૈત્ય નું ધ્યાન અર્જુન પર પડ્યું.

એ શૈતાન ની આંખો અત્યારે અર્જુન પર મંડાયેલી હતી બંને વચ્ચે અત્યારે લગભગ ૪૦-૫૦ મીટર જેટલું અંતર હતું છતાં પણ અર્જુન ને એ દૈત્ય નો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.એ શૈતાન નો ચહેરો હકીકત માં તો એક માનવ નો જ ચહેરો હતો પણ એની આંખો ની ભયાનકતા,ચહેરા ની વિકૃત દશા અને લાંબા દાંત એને ભયાવહ બનાવી રહ્યા હતા.વાઘેલા એ એના માટે પ્રયોજેલો દૈત્ય શબ્દ ખરેખર યોગ્ય હતો એવું અર્જુન ને અત્યારે લાગી રહ્યું હતું.

જેવી અર્જુન અને એ દાનવ ની આંખો મળી એટલે અર્જુને પોતાની બુલેટ સ્ટાર્ટ કરી અને પોતાની રિવોલ્વર માંથી ઉપરાઉપરી ત્રણ ગોળીઓ એ દાનવ પર ચલાવી દીધી.અર્જુન જાણતો હતો કે ગોળીઓની કોઈ અસર એ દૈત્ય પર નહીં થાય પણ આવું કરી અર્જુન એ દૈત્ય ને ઉશ્કેરવા માંગતો હતો અને થયું પણ એવું જ.

અર્જુન ની ત્રણેય ગોળીઓ એ શૈતાન ના છાતી ના ભાગ માં વાગી એમાંથી કાળા રંગ નું લોહી પણ નીકળ્યું પણ થોડી જ વાર માં એ ગોળીઓથી થયેલા ઘા આપમેળે ભરાઈ ગયા.અર્જુન એ બુલેટ ને ટર્ન કરી અને ભગાવી મૂકી શહેર ની અંદર ની દિશા માં.અર્જુને જાણે હાથે કરી ગરમ તેલ માં હાથ નાંખ્યો હતો,અર્જુન ની આ ચેષ્ઠા થી ગીન્નાયેલા દૈત્ય એ દોડીને અર્જુન નો પીછો કરવાનું ચાલુ કરી દીધું.

આ સાથે જ ચાલુ થઈ ગઈ જીંદગી અને મોત ની રમત..અર્જૂન પોતાના બુલેટ પર સવાર થઈ રાધાનગર ની સડકો પર આમ થી તેમ ભગાવી રહ્યો હતો.અર્જુને એ દૈત્યનો ખાત્મો કરવા પોતાની જાત ને આજે જોખમ માં મૂકી એ વાત તો સાબિત કરી દીધી હતી કે એના માટે જીંદગી કરતા પોતાનું કામ અને પોલીસ તરીકે પોતાની ફરજ વધુ મહત્વ ની છે.

અર્જુને સાઈડ ગ્લાસ માં જોયું તો એ દૈત્ય પણ પુરા વેગે એની પાછળ દોડી રહ્યો હતો.એ દૈત્ય ક્યારેક બે પગ પર દોડતો તો ક્યારેક હાથ અને પગ નો ઉપયોગ એકસાથે કરી કોઈ પ્રાણી ના જેમ.ક્યારેક એ સડકો પર દોડતો તો ક્યારેક આજુબાજુ આવેલ મકાનો ની દીવાલ પર થઇ ને.

અચાનક અર્જુને બુલેટ ને સાંઈબાબા મંદિર જોડે થી જમણી બાજુ વાળવા એની સ્પીડ થોડી ઘટાડી ત્યારે તો એ દૈત્ય અર્જુન ના એકદમ નજીક આવી ગયો હતો.એ દાનવે કુદકો મારી ને અર્જુન ને પકડવા માટે પોતાના હાથ નો પંજો લંબાવ્યો ત્યારે અર્જુન એના હાથવેંતમાં જ હતો પણ અર્જુને ચાલુ બાઈકે થોડા નીચા નમીને પોતાની જાત ને એના હાથ ની પકડ થી સુરક્ષિત કરી લીધી,આ કરતી વખતે અર્જુને સર્કસ ના કલાકાર ની જેમ ગજબ ની સ્ફૂર્તિ બતાવી હતી.!

પોતાના હાથ માં આવેલો શિકાર આમ છટકી જતાં એ દૈત્ય નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એ જોર થી ચિલ્લાયો અને વધુ વેગે અર્જુન ની પાછળ દોડવા લાગ્યો.એ દૈત્ય ની ગતિ અને સ્ફૂર્તિ ખરેખર ગજબ ની હતી..અર્જુન ની બુલેટ અત્યારે ૧૦૦ કિમિ પ્રતિ કલાક ની ઝડપે દોડી રહી હતી છતાં પણ એ દૈત્ય થી અર્જુન વધુ આગળ નહોતો વધી શક્યો.!!!!

એકાએક અર્જુને બુલેટ ને એક સાંકડી ગલી માં વાળી દીધી એને પાછા વળી જોયું તો એ દૈત્ય એના પાછળ જ હતો.અર્જુને આગળ જઈને જોયું તો એ ગલી આગળ ની બાજુ થી બંધ હતી.અર્જુને પોતાનું બુલેટ યુટર્ન કર્યું પણ હેડલાઈટ ના પ્રકાશ માં ગલી ના બીજા છેડે એ દૈત્ય ને જોઈ અર્જુને બુલેટ ને ત્યાંજ અટકાવી દીધું અને બુલેટ પર થી નીચે ઉતરી ગયો.!

ગલીની બંને બાજુ એકબીજા ને અડકીને આવેલા મકાનો ની હારમાળા હતી એટલે હવે એ દૈત્ય નો સામનો કર્યા વગર ત્યાંથી નીકળવું અશક્ય હતું.મોત અર્જુન ની નજર સામે ધીરે ધીરે આગળ વધી રહ્યું હતું.અર્જુને એના ઇષ્ટદેવ ને યાદ કર્યા અને મન ને તૈયાર કરી લીધું એની જીંદગી ના અત્યાર સુધી ના સૌથી મોટા શત્રુ નો સામનો કરવા માટે.એવો શત્રુ જેની તાકાત અર્જુન કરતા સેંકડો ઘણી વધુ હતી..!

વિશાળકાય દૈત્ય જ્યારે ગલી માં અંદર પ્રવેશ્યો ત્યારે એને જોયું કે પોતાના શિકાર માટે હવે આગળ વધવું શક્ય નહોતું.પ્રથમવાર એ દાનવ ને કોઈકનો શિકાર કરવા આટલી મહેનત કરવી પડી હતી જે અત્યારે એનો ખુનન્સ ભરેલા ચહેરા પર થી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.પોતાના વિકૃત મુખ પર ખૂંખાર ભાવ સાથે એ અર્જુન તરફ આગળ વધી રહ્યો હતો.

To be continued......

અર્જુન એ દૈત્ય ને મારી શકશે કે પોતે જ એ દૈત્ય નો શિકાર થશે? શું આ દૈત્ય જ આગળ ની બધી ઘટનાઓ માટે જવાબદાર હતો? ફાધર થોમસ દ્વારા અપાયેલા ખંજર અને પવિત્ર પાણી અર્જુન ને મદદ કરશે કે નહીં? આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન નો નવો ભાગ.આ નોવેલ અંગે આપના અભિપ્રાય મારા WHATSUP નમ્બર 8733097096 પર જણાવી શકો છો.

ઓથર:- જતીન. આર.પટેલ