Devil - EK Shaitan -5 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૫

Featured Books
Categories
Share

ડેવિલ એક શૈતાન-૫

ડેવિલ-એક શૈતાન

ભાગ:૫

અર્જુન અને નાયક ની ડ્યૂટી રાધાનગર માં હોય છે-કોઈની જાણ બહાર થોડા દિવસ પહેલા કબ્રસ્તાન માંથી એક સંદિગ્ધ દ્વારા લાશ ની ચોરી થયેલી હોય છે-શહેર માં ફરીવાર હત્યા નો મામલો સામે આવે છે-ફાધર થોમસ રાધાનગર પર આવનારી મોટી મુસીબત ની વાત અર્જુન ને કરે છે-બીજી હત્યા વખતે એક વિચિત્ર પ્રકાર ના લોહી ના સબુત મળે છે-અર્જુન ને મળેલા લેટર નો તાગ મેળવવાની અને પોતાના મન ન સવાલો વિશે જાણવા અર્જુન ફાધર ને મળે છે-હવે આગળ.....

ચર્ચ માં થી નીકળી અર્જુન સીધો પોલીસ સ્ટેશન જવાના બદલે આખા શહેર ની ફરતે એક ચક્કર લગાવી ને એમના સ્ટાફ દ્વારા થતા કાર્ય વિશે જાણકારી મેળવવા નીકળી પડે છે. પોલીસ ની ચાર જુદી જુદી ટીમ આખા રાધાનગર શહેર માં થોડા થોડા નિયત સમયે રાઉન્ડ મારી બધું વ્યવસ્થિત છે કે નહીં એની ચકાસણી કરી રહી હોય છે.

અર્જુન પોતાના સ્ટાફ ના લોકો ના કામ થી સંતુષ્ટ થાય છે અને અત્યારે બધું ઠીક છે એમ વિચારી પોલીસ સ્ટેશન માં જાય છે. ત્યાં ગયા પછી એ જાની ને થોડો ગરમાગરમ નાસ્તો લઈ આવવા માટે કહે છે.

થોડી વાર માં જાની સમોસા અને કચોરી નો ગરમાગરમ નાસ્તો લઈને હાજર થઈ જાય છે. અત્યારે ફરજ પર બીજા ૭-૮ પોલીસકર્મી પણ હોય છે એટલે અર્જુને બધા માટે નાસ્તો મંગાવ્યો હોય છે. અર્જુન એ બધા સાથે મળીને નાસ્તા ને ન્યાય આપે છે.

રાત ના ૧૧ વાગી ગયા હોય છે એટલે અર્જુન પોતાની કેબીન માં જ સુઈ જાય છે. આખા દિવસ ની દોડધામ અને કામ ના લીધે એના નસકોરા થોડી વાર માં બહાર સુધી સંભળાવા લાગે છે. સવારે ૬ વાગે નાયક અને બીજા પોલીસ ઓફિસર ની ટીમ રાઉન્ડ પર થી પાછી ફરે છે. નાયક ના જોડે નાઈટ ડ્યૂટી ઇન્ચાર્જ વાઘેલા પણ હોય છે. વાઘેલા એક નમ્બર નો કામચોર અને આળસુ કર્મચારી હોય છે. અર્જુન ના આવ્યા પછી એને પણ પોતાની આળસ ને થોડી ઓછી કરી દીધી હતી કેમકે અર્જુન ના કામ કરવાની પદ્ધતિ અને સમય ની ચુસ્તતા વિશે એને પહેલા પણ સાંભળેલું હતું.

"નાયક હું ઘરે જાઉં છું.. ૩-૪ કલાક માં હું પાછો આવી જઈશ પછી બપોરે તું જમીને આરામ કરી શકે છે.. અને નાઈટ ડ્યૂટી વાળા બધા કર્મચારી ઓ ને ચા નાસ્તો કરાવી ને જ ઘરે મોકલજે. "અર્જુન આટલું કહી પોતાની બુલેટ પર ઘરે જવા નીકળી જાય છે.

આમ ને આમ અઠવાડીયું વીતી જાય છે પણ કોઈપણ પ્રકાર ની અઘટિત ઘટના શહેર માં ક્યાંય બનતી નથી. રાધાનગર શહેર ની શાંતિ જાણે પાછી ફરી રહી હોય એમ લાગે છે. બધું પોતાના નિયત ક્રમ પ્રમાણે ચાલુ થઈ જાય છે. અર્જુન પણ આ કારણ થી થોડો હાશકારો મેળવે છે. વધારા ની ડ્યૂટી કરતા સ્ટાફ ને હવે એ રાતે આવવાની ના કહી દે છે અને રાતે રાઉન્ડ પર નીકળતી ટીમો ની સંખ્યા પણ ૪ માંથી ૨ કરી દે છે.

અર્જુને બનેલી બંને ઘટના પાછળ કોનો હાથ છે એ શોધવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ હાથ લાગ્યું નહીં. ફોરેન્સિક રિપોર્ટ માં માનવ લોહી મળ્યું પણ મનુષ્ય ના ફિંગરપ્રિન્ટ કે બીજા કોઈ સબુત ના મળ્યા એટલે અર્જુન એ સમજી નહોતો શકતો કે આ બધા ખૂન મનુષ્ય એ કર્યા કે કોઈ પશુ એ? ઘણીવાર એનું મન ફાધર થોમસ ની શૈતાની શકિત વાળી વાત માનવા મજબૂર થઈ જતું પણ એ આવી કોઈ બાબત માં વિશ્વાસ નહોતો ધરાવતો એટલે તરત જ એ વિચાર ને જડમૂળ માંથી ખંખેરી નાંખતો.

અર્જુન અને નાયક પહેલા તો રાધાનગર માં કોઈ ગુનાકીય પ્રવૃત્તિ નથી થતી એ બાબતે ખુશ હોય છે પણ છેલ્લા ૧૫ દિવસ માં પાંચ લાશો અને હજુપણ પોલીસ એ વાત નક્કી નથી કરી શક્યું કે આ બધી ઘટના પાછળ ખરેખર કોનો હાથ હતો એ વાત એમની ચીંતા માં વધારો કરવા કાફી હતી.

સવાર ના ૧૦ વાગ્યા હોય છે અર્જુન પોતાની રોજ ની ટેવ મુજબ પોતાની કેબીન માં બેઠો બેઠો મારબલો સિગરેટ પીતાં પીતાં,જૂના ફિલ્મી ગીતો ની મોજ માણતો હોય છે ત્યારે પોલીસ સ્ટેશન ના લેન્ડલાઈન નમ્બર પર વાગેલી રિંગ ના લીધે અર્જુન નું ધ્યાન ટુટે છે.

"હેલ્લો કોણ બોલો?"ફોન નું રીસીવર હાથ માં લેતા ની સાથે અર્જુન બોલે છે.

"હેલ્લો માય ચાઈલ્ડ,હું ફાધર થોમસ વાત કરું છું. "સામે થી અવાજ સંભળાયો.

"બોલો ફાધર આજે કેમ સામે થી મને યાદ કરવો પડ્યો?"અર્જુને કહ્યું.

"અર્જુન આજે એ શૈતાન ફરી ત્રાટકશે.. આજે ફરી થી કોઈ નિર્દોષ નું લોહી રેડાશે"ફાધરે ચિંતાતુર સ્વરે કહ્યું.

૨ ઘડી તો અર્જુન ફાધર ની વાત નો અર્થ ના સમજી શક્યો પણ પછી એને ખ્યાલ આવી ગયો ફાધર કેમ આવું કહી રહ્યા છે એટલે એને કહ્યું" તો શું ફાધર ફરીથી એજ વસ્તુ બની જે પહેલા બની હતી. શું આજે પણ ફૂલો માંથી રક્ત નીકળતું જોવા મળ્યું?"

"હા મારા દીકરા આજે ફરી થી સમયે એ જ વાત નું પુનરાવર્તન કરી દીધું છે.. હવે ઈશ્વર નો ઈશારો સમજી હું તને આ વિશે જણાવી રહ્યો છું.. તું કંઈપણ કર પણ આજે કોઈ નિર્દોષ નો જીવ ના જવો જોઈએ"ફાધરે કહ્યું.

"ફાધર હું તમને પ્રોમિસ કરું છું આજે કોઈપણ ભોગે એવી કોઈ ઘટના નહીં બને જેમાં કોઈ માસુમ નું લોહી વહે. "આટલું કહી અર્જુન ફોન કટ કરી દે છે.

ફાધર ની વાત પર વિશ્વાસ મુકવામાં શું જાય છે,એમ વિચારી અર્જુન આજે રાતે પોતે પણ પોતાના ફૂલ સ્ટાફ સાથે આખા શહેર નો ચોકી પહેરો કરશે એવું નક્કી કરે છે.

સાંજે ઘરે જમવાનું પતાવી અર્જુન પોલીસ સ્ટેશન પાછો આવે છે. આજે એને ફૂલ સ્ટાફ ને હાજર રહેવા માટે સૂચન કરી દીધું હોય છે. આજે અર્જુન અલગ અલગ ૫ ટીમ બનાવે છે અને એમાં એક ટીમ ની આગેવાની ની કમાન પોતાના હાથ માં લઇ લે છે.

પોલીસ સ્ટેશન માં કોઈ ગુનેગાર ના હોવાથી પોલીસ સ્ટેશન જાની અને બીજા એક ઓફિસર ના હવાલે કરી બીજા બધા પોલીસકર્મીઓ સાથે નીકળી પડે છે અર્જુન રાધાનગર ની રક્ષા માટે.

પોલીસ ની જીપો સાયરન વગાડતી વગાડતી રાધાનગર ની ગલીઓ માં આમ થી તેમ ભટકે છે. રાતે કોઈ બહાર દેખાય તો એને બહાર નહીં નીકળવાનું સૂચન કરી પોલીસ ની જીપ માં બેસાડી એને ઘર સુધી મૂકી આવવાની કામગીરી પણ ફરજ પરના પોલીસકર્મીઓ બખુબી નિભાવી રહ્યા હોય છે.

વોકી ટોકી દ્વારા અર્જુન સ્ટાફ ના બીજા પોલીસ જોડે સતત સંપર્ક માં હોય છે. રાત ના ૨ વાગ્યા સુધી કોઈપણ પ્રકાર ની વિચિત્ર ઘટના બનતી નથી. કોઈ એવી વસ્તુ પણ કોઈ પોલીસ વાળા ને નજર માં નથી આવતી જેના પર સંદેહ કરી શકાય.

"આ બધા ને ચા આપી દે. "વાઘેલા એ રેલવેસ્ટેશન ની જોડે આખી રાત ખુલ્લી રહેતી એક ટી સ્ટોલ જોડે જીપ ઉભી રાખી ત્યાં ચા બનાવતા ભાઈ ને કીધું.

"હા સાહેબ.. બસ ૨ મિનિટ માં આપું"ચા વાળા એ કહ્યું.

થોડી વાર માં એ ભાઈએ વાઘેલા અને વાઘેલા જોડે આવેલા બીજા ૬ પોલીસવાળા ને ચા આપી. પછી એને વાઘેલા સામે જોઈ કહ્યું.

"સાહેબ આજે કંઈ ખાસ છે,આટલી બધી પોલીસ ની જીપો કેમ આમ થી તેમ આંટા મારી રહી છે?. "

"તું તારું કામ કર.. બોલ ચા ના કેટલા રૂપિયા થયા. "વાઘેલા એ પોતાના સ્વભાવ મુજબ તોછડાઈ થી કહ્યું.

"સાહેબ તમારા જોડે થી થોડા પૈસા લેવાતા હશે"ચા વાળા એ કહ્યું.

"સારું ત્યારે.. કોઇ પણ પ્રકાર ની વિચિત્ર વસ્તુ દેખાય તો આ લે સાહેબ નો નમ્બર એમને કોલ કરી ને જાણ કરી દેજે"વાઘેલા એ એક કાગળ ચા વાળા ને આપતા કહ્યું. એ કાગળ પર એસીપી અર્જુન નો નમ્બર લખેલો હતો.

વાઘેલા એ ત્યાં થી જીપ ને યુ ટર્ન લઈને બીગ-બેંગ મોલ તરફ વાળી. ચા પીધા પછી એ તાજગી મહેસુસ કરી રહ્યો હતો. જ્યારે એ સાંઈબાબા ના મંદિર જોડે થી પસાર થયા ત્યારે નાયક જે જીપ માં હતો એ જીપ સામે મળી. બંને જીપો ના ડ્રાઇવરો એ જીપ ને હેડ લાઈટ ચાલુ બંધ કરી બધું સહી સલામત છે એ સંકેત માં જણાવી દીધું.

રાત જેમ જેમ આગળ વધી રહી હતી એમ એમ એની ભયાનકતા માં વધારો જોવા મળી રહ્યો હતો. શિયાળો અત્યારે શરૂ થઈ ગયો હતો એટલે તીવ્ર ઠંડી નું મોજું આખા શહેર ને પોતાની જકડ માં લઇ રહ્યું હોય એમ લાગી રહ્યું હતું.

વાઘેલા એ પોતાની જીપ ને બીગ-બેંગ મોલ ની સામે પાર્ક કરી દીધી. અત્યારે ચારે બાજુ નીરવ શાંતી હતી. મોલ ની સામે ૨ ચોકીદાર જેવા લાગતા વ્યક્તિઓ તાપણું કરી ને હાથ શેકતાં હતા. તાપણું જોઈ ને વાઘેલા અને એની ટીમ માં સામેલ બધા પોલીસમેન એ તરફ આગળ વધ્યા. એ બધા ને આવતા જોઈ પેલા ચોકીદાર જેવા લાગતા બંને વ્યક્તિઓ ઉભા થયા અને માનભેર બધા પોલીસવાળા ને બેસવા કહ્યું.

થોડીવાર થઈ એટલે એમાંનો એક ચોકીદાર ઉભો થયો અને થોડા સૂકા લાકડા લઈને પાછો આવ્યો.. એને પોતાની જોડે લાવેલા લાકડા ને તાપણા માં નાખી ને આગ ને વધુ વેગે પ્રકટાવી.

બસ પછી તો વાઘેલા એ વાતો ની રમઝટ બોલાવી. ઘણો સમય ગપ્પાં માર્યા બાદ પેશાબ કરવા વાઘેલા ઉભો થયો અને મોલ ની ડાબી બાજુ આવેલી ગલી માં પેઠો. એ ગલી માં કોઈ લાઈટ ના હોવાથી અંધારું હતું.

ગલી માં પ્રવેશતા ની સાથે વાઘેલા ની નજર એક રિકક્ષા પર પડી જેમાં કોઈ વ્યક્તિ આરામ ફરમાવી રહી હોય એવું લાગતું હતું. વાઘેલા પેશાબ કરી ને રિકક્ષાવાળા ને હવે પછી આમ બહાર નહીં ઊંઘવાનું એમ સૂચન કરવા માટે રિકક્ષા તરફ ગયો.

"એ ભાઈ ઉભો થા અને રિકક્ષા લઈને તારા ઘરે નીકળ, હવે આ રીતે રાતે દેખાયો તો તારી રિકક્ષા અને તને બંને ને પોલીસ સ્ટેશન ભેગા કરી દઈશ" વાઘેલા જોર થી ચિલ્લાયો.

વાઘેલા નો અવાજ સાંભળી રિકક્ષા માં સુતેલા વ્યક્તિ એ કોઈ પ્રતિભાવ ના આપ્યો એટલે વાઘેલા નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એ વધુ જોર થી બોલ્યો.

"એ કુંભકર્ણ ની ઓલાદ ઉભો થાય છે કે નહીં.. હજુ તું મને ઓળખતો નથી.. હવે ૫ મિનિટ માં અહીં થી રવાના થઈ જા"

વાઘેલા ની બુમો છતાં એ એ વ્યક્તિ એ કોઈ પ્રતિભાવ ના આપ્યો એટલે વાઘેલા વધુ ગિન્નાયો અને પોતાના હાથ માં રહેલો ડંડો એ વ્યક્તિ ના પગ ઉપર મારી દીધો. પણ વાઘેલા ના આશ્ચર્ય નો પાર ન રહ્યો જ્યારે એ વ્યક્તિ એ માર છતાં એ કોઈ હલચલ ના કરી.

આખરે વાઘેલા એ એ વ્યક્તિ ઉપર ની ચાદર નું આવરણ દૂર કર્યું તો જે દ્રશ્ય એની સામે આવ્યું એ જોઈને તો વાઘેલા એ બીજા પોલીસવાળા ને બુમ મારવાનો પ્રયત્ન કર્યો પણ એનો અવાજ એના ગળા માં જ રૂંધાઇ ગયો. વાઘેલા દોડતો દોડતો એ ગલી માંથી બહાર નીકળ્યો અને તાપણું કરતા પોલીસવાળા જોડે આવી ને બોલ્યો.. "મારી જોડે ચાલો.. ત્યાં અંદર ગલી માં એક લાશ છે"

વાઘેલા સાહેબ ની વાત સાંભળી બધા પોલીસવાળા વાઘેલા ની પાછળ પાછળ ગલી માં પ્રવેશ્યા. વાઘેલા એ આંગળી નો ઈશારો કરી બધા ને લાશ ક્યાં છે એ દર્શાવ્યું. વાઘેલા એટલો ડરી ગયો હતો કે સિનિયર હોવા છતાં એ છેક સુધી ના ગયો. અત્યારે એ ડર થી થરથર ધ્રુજી રહ્યો હતો.

બીજા પોલીસ ઓફિસર રિકક્ષા ની નજીક ગયા અને એમાંથી એક પોલીસવાળા એ ચાદર ખસેડી અને બીજા એ ટોર્ચ વડે રિકક્ષા માં પ્રકાશ નાંખ્યો અને એમને જે નજારો જોવા મળ્યો એ ખરેખર ભયાવહ હતો.

રિકક્ષા માં સૂતી વ્યક્તિ ના ફક્ત પગ જ હતા.. પગ થી ઉપર નો ભાગ ઘુમ હતો. રિકક્ષા ની પાછલી સીટ પર રહેલા પગમાંથી લોહીના ટીપાં ટપકી રહ્યા હતા. આ રીત ની લાશ ખરેખર એ બધા ને ડરાવવા કાફી હતી.

તાત્કાલિક એ બધા વાઘેલા જોડે પાછા વળ્યાં અને કહ્યું"સાહેબ અર્જુન સાહેબ ને કોલ કરી જાણ કરી દો.. અત્યારે ૪ વાગવા આવ્યા છે.. સવાર પડતા પબ્લિક ની અવરજવર વધી જશે તો બધા ને સાચવવા વધુ ભારે પડશે. "

જુનિયર કોન્સ્ટેબલ ની વાત સાંભળી વાઘેલા તરત હરકત માં આવ્યો અને એને પોતાનો મોબાઈલ કાઢી અર્જુન ને કોલ કર્યો.

"હલ્લો સર વાઘેલા બોલું. "

"હા બોલ.. બોલ કેમ અત્યારે કોલ કરવો પડ્યો?બધું ઠીક તો છે ને?"અર્જુને પૂછ્યું.

"સર.. અહીં બીગ બેંગ મોલ જોડે આવેલી એક ગલી માં એક રિકક્ષા ની અંદર કોઈ વ્યક્તિ ની લાશ પડી છે.. એના ફક્ત પગ જ છે.. પગ થી ઉપર નો કોઈ ભાગ મોજુદ નથી. "વાઘેલા એ કહ્યું.

"તું ત્યાં જ હાજર રહેજે હું ૧૦ મિનિટ માં પહોંચું છું"આટલું કહી અર્જુને ફોન કટ કરી દીધો અને જીપ ને ભગાવી મૂકી બીગ બેંગ મોલ તરફ.

થોડીવાર માં સાયરન વાગતી વાગતી અર્જુન ની જીપ બીગ બેંગ મોલ આગળ આવી ને ઉભી રહી. મોલ ની સામે તાપણા આગળ વાઘેલા બીજા કોન્સ્ટેબલ જોડે ઉભો હતો.. અર્જુન ના આવ્યા ની સાથે વાઘેલા એની તરફ આગળ વધ્યો.

"ક્યાં છે લાશ?"અર્જુને જીપ માંથી ઉતરતા ની સાથે સવાલ કર્યો.

"સાહેબ ત્યાં ગલી માં એક રિકક્ષા પડી છે.. હું જ્યારે ત્યાં પેશાબ અર્થે ગયો ત્યારે મારી નજર એ લાશ પર પડી. "વાઘેલા એ ગલી તરફ ઈશારો કરતાં કહ્યું.

"ચાલ મને ત્યાં લઈ જા"અર્જુને કહ્યું.

"હા.. હા.. . સાહેબ"વાઘેલા એ ના મને કહ્યું. વાઘેલા લાશ જોઈ એટલો ડરી ગયો હતો કે ફરી થી એ લાશ ને જોવા નું દુઃસાહસ કરવા માંગતો ન્હોતો પણ અર્જુન ને એવું કહેતા શરમ અનુભવતો હતો.

વાઘેલા અને બીજા કોન્સેબલ સાથે અર્જુન એ ગલી માં આવ્યો જ્યાં થોડે દૂર એક રિકક્ષા પડી હતી. અર્જુને જઈને જોયું તો રિકક્ષા ની પાછલી સીટ પર કોઈ વ્યક્તિ સુતું હોય એવું લાગતું હતું,કેમકે રિકક્ષા ની બહાર એના પગ થોડા બહાર નીકળેલા હતા અને પછી ચાદર ઓઢેલી હતી.

અર્જુને ચાદર ખસેડી કોન્સ્ટેબલ ને એ તરફ લાઈટ મારવા કહ્યું. ટોર્ચ ના પ્રકાશ માં અર્જુને જે દ્રશ્ય નિહાળ્યું એ ખરેખર કોઈ નબળા મન ધરાવતા માણસ ને જોવું પ્રાણઘાતક નીવડી શકે એમ હતું. ફક્ત એ લાશ ના પગ જ હતા કમર થી ઉપર નો ભાગ કોઈએ ખેંચીને તોડી નાંખ્યો હોય એવું લાગતું હતું. લાશ ના બચેલા ભાગ માંથી લોહી વહી રહ્યું હતું જે રિકક્ષા ની પાછળ ની સીટ પર ઠંડી ના લીધે થીજી ગયું હતું. અર્જુને હિંમત કરી બીજી બાજુ થી જોયું તો એક ક્ષણ માટે તો એનું હૃદય ધબકારો ચુકી જ ગયું હતું.

લાશ ના બચેલા ભાગ માંથી માંસ અને હાડકાં બહાર દેખાઈ રહ્યા હતા. કોઈએ બળપૂર્વક રમકડાં ની માફક મરનાર વ્યક્તિ ના ઉપર ના શરીર ને અલગ કરી દીધું હોય એવું લાગી રહ્યું હતું. અર્જુને ચાદર ને પાછી ઢાંકી અને નાયક ને કોલ કરી સમગ્ર ઘટના ની માહિતી આપી તથા ફોટોગ્રાફર અને ફોરેન્સિક ટીમ ને તાબડતોડ ઘટના ના સ્થળે આવી જવા માટે કહ્યું.

ફોરેન્સિક ટીમ અને ફોટોગ્રાફર એ આવીને આગળ ની કાર્યવાહી પૂર્ણ કરી. સવાર ના પહોર માં તો આ વાત વાયુવેગે આખા શહેર માં પ્રસરાઈ ગઈ હતી. રાધાનગર શહેર ના લોકો માં ડર નો માહોલ ફેલાઈ ગયો. રિકક્ષા નો માલિક પણ પોલીસ સ્ટેશન માં હાજર થઈ ગયો પણ મરનાર વ્યક્તિ કોણ છે એના થી એ બિલકુલ અજાણ હતો.

પોલીસ દ્વારા તપાસ કરતા એવી માહિતી મળી કે આ ચાદર કાળુ કરીને એક ભિખારી ની છે. જે રાતે જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જતો. કાળુ ના પરિવાર વિશે કોઈને કોઈપણ પ્રકારની માહિતી ન હોવાથી પોલીસકર્મી ઓ દ્વારા જ એના અંતિમ સંસ્કાર ની વિધિ પૂર્ણ કરવામાં આવી.

ફોરેન્સિક રિપોર્ટ માં આ વખતે રિકક્ષા ની સીટ પર મરનાર વ્યક્તિ સિવાય લોહી ના ડાઘ વાળા માનવ પંજાના ચિહ્નો મળી આવ્યા હતા જે એ બાબત ની પૃષ્ટિ કરતા હતા કે આ હત્યા કોઈ મનુષ્ય દ્વારા કરવામાં આવી છે પણ હત્યા માટે કોઈ હથિયાર નો ઉપયોગ થયો હોય એવી માહિતી મળતી નહોતી.

અર્જુન માટે એ બાબત તકલીફ દાયક હતી કે ફાધર થોમસે એને પહેલા જ આ ઘટના વિશે ચેતવ્યો હોવા છતાં એ આ ખુની ખેલ ને રોકી ના શક્યો. એને ફાધર ને ફોન કરી એમની માફી માંગી અને હવે પોતે વધુ ચપળતા થી ખુની ને શોધવાનો પ્રયત્ન કરશે એનું વચન આપ્યું.

ધીરે ધીરે અર્જુન પણ એ વાત સ્વીકારવા તૈયાર થયો કે આ હત્યા પાછળ કોઈ પ્રાણી નો હાથ નથી પણ આ બધું કોઈ વિકૃત મગજ નો માણસ જ કરી રહ્યો છે.. કાળા રંગ ના લોહી વાળી વાત એને ફાધર ની શૈતાની શક્તિ ની વાત માનવા મજબૂર કરતી પણ પણ એક શિક્ષિત પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એને આ વાત ગળે ઉતરતી ન્હોતી.

આખરે ઘણું વિચાર્યા બાદ અર્જુને મનોમન આખા શહેર ને સુરક્ષિત કરવાની જવાબદારી પુરી નિષ્ઠા ની નિભાવના ની સોગંધ લીધી અને હવે આવી કોઈ ઘટના નહીં બને એવો મક્કમ નિર્ધાર કરી બધા પોલીસકર્મીઓ ને કોન્ફરન્સ રૂમ માં એકઠા થવા કહી દીધું.

TO BE CONTINUED.......

રાધાનગર શહેર ની ઘટનાઓ પાછળ કોનો હાથ છે? અર્જુન ને મળેલા લેટર નો આ બધી ઘટનાઓ સાથે શું સંબંધ?લાશ ની ચોરી કરનાર વ્યક્તિ કોણ હતી? શું ફાધર થોમસ ની શૈતાની શક્તિ વાળી વાત સાચી હશે?કાળા રંગ ના લોહી નું રહસ્ય શું છે? અર્જુન આ બધી ઘટના ઓ ને કેમ કરી રોકશે? આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન નો નવો ભાગ આવતા મંગળવારે. આ નોવેલ અંગે નો આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો.

-જતીન. આર. પટેલ