Jail-Officeni Baari - 19 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | જેલ-ઑફિસની બારી - 19

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

જેલ-ઑફિસની બારી - 19

જેલ-ઑફિસની બારી

ઝવેરચંદ મેઘાણી

મૃત્યુની અદબ

તમને લાગી આવતું હશે કે આ ડાકણને તો મૃત્યુની પણ અદબ નથી. નિરાધાર મરનારની ઠેકડી કરનાર આ જેલ-ઑફિસની બારી તમને જમ કરતાં પણ અધિક ઘાતકી લાગતી હશે. પણ મને મારી એવી હલકી આબરૂ જ ગમે છે. હું જેવી છું તેવી મને ઓળખી લો, તો તો મારી છાતી પરનો ઘણો બોજો હળવો થઈ જાય. પણ તમે બધા એટલા બધા ભોળા છો કે પેલા હંમેશાં ફાંસી દેવાનો ધંધો કરનાર અમારા કસાઈ કેદી અભરામના ખભા પર એક પાળેલું બિલ્લીનું બચ્ચું રમે છે તે દેખી તમે એ અભરામના હૈયામાં વહાલપ સંઘરાયેલી કલ્પો છો! બીજી તરફ અમારા જેલર અને સુપરિન્ટેન્ડેન્ટ હરેક ફાંસી પતાવી લીધા પછી ઘેર જઈને નિરાંતે ભોજન કરે છે એથી તમે એને રાક્ષસો કહીને છેડાઈ પડો છો.

ત્યારે તમે જ કહો ને, કે તે બાપડાઓએ શું કરવું જોઈએ? તમારા અનેક લોકસેવાના વ્રતધારીઓ, દૂધપાકપૂરી જમતા જમતા પ્રજા ઉપર ગુજરેલા કોઈ ગજબને સારુ નિશ્વાસો મેલતા જાય છે અને અરેરાટી ઉચ્ચારતા જાય છે, એ બેશક આદર્શ આચાર છે. ગરીબ દેશબાંધવોને માટે હાહાકાર ઉચ્ચારતા ઉચ્ચારતા મિષ્ટાન્ન આરોગવાથી એ મિષ્ટ ભોજન બેશક સ્વાદહીન બની જાય છે. એથી કરીને એનું પાતક નથી લાગતું. જુઓને, રાણા પ્રતાપના વંશજો સોનાના ભોજનથાળની નીચે પાંદડું મૂકીને અને બત્રીસાં પકવાનોની બાજુએ ચપટી ધૂળની ઢગલી કરીને જમતા, તે ડહાપણના તમે પૂજનારાઓ છો ને? મને પણ એમ જ લાગે છે કે એ એક સરસ તોડ છે. રસનાનો રસ સંતોષાય ને સાથોસાથ ઊંચા સંસ્કારો પણ જાગતો રહે.

જુઓ ને, હું તમને એક ખાનગી વાત કરું. અનવરખાં પઠાણને ફાંસી અપાઈ તે દિવસે અમારી ઑફિસમાં એક-બે રાજકેદીઓ આવેલા, તેમનાં મોં ઉપર લખાયેલી એક વાત મેં ધારી ધારીને વાંચી કાઢી હતી. વાત આમ હતીઃ

ફાંસીની તુરંગની પાસોપાસ થોડાએક ઊંચી કક્ષાના રાજકેદીઓ રહેતા હતા. તમારી ઊંચી વાણીમાં તમે જેને `આત્મસમર્પણ' જેવા કોઈક – મને બુઢ્ઢીને તો બોલતાંય ન ફાવે તેવા – અઘરા શબ્દથી ઓળખાવો છો ને, એવું કશુંક કરી નાખનારા આ મહાપુરુષો હતા. પાષાણ-શાં હૃદયોને પણ પિગાળી નાખે તેવી તો તેમાંના કેટલાકોની વાચાસિદ્ધિ હતી. ગરીબોની હાય પોકારવામાં તોપના ગોળા થકી પણ ડરે તેવી તો તેમાંના કેટલાકની દેશદાઝ હતી. જેલના કયા ખૂણામાં કેવાં કેવાં પીડનો ચાલે છે તેની તપાસ કરાવીને કેટલાકો તો ગદ્ગદિત બની જનારા હતા. પોતાની તુરંગનું ઝાડુ વાળનારા કેદીઓને જો વૉર્ડર ગાળો દેતો, તો તેટલાથી પણ ખળભળી ઊઠીને એ વૉર્ડરોને નસિયત કરાવનારા તેઓ દયાળુ ને માનવપ્રેમી હતા. તેઓ ત્યાં રહેતા, લખતા, વાંચતા, કવિતાઓ ગાતા, પ્રભુની પ્રાર્થનાઓ પણ કરતા.

એક દિવસ તેઓને જાણ થઈ કે આવતી કાલે અહીં એક ફાંસદેવાની છે. સાંભળીને સહુ કળકળી ઊઠયા. જીવને સાટે જીવ લેવાના એ જંગલી કાયદાઓ તેમ જ એ કાયદાનો અમલ કરનાર ન્યાયાધીશો તરફ તેઓ સર્વેએ ઘણી બધી ધૃણા દેખાડી.

પણ આગલી રાતે એવું ઠર્યું કે જે પ્રભાતે આપણાથી પચીસ-ત્રીસ જ કદમને અંતરે આ ઘાતકી કૃત્ય થશે તે પ્રભાતના ઘેરા વાતાવરણમાં આપણાથી ખવાશે નહિ, ધાનનો કોળિયો આપણા મોંમાં જશે નહિ, માટે આપણે આખો દિવસ ઉપવાસી રહીશું. પછી વળી ઘણા વિચારને અંતે એમ ઠર્યું કે કંઈ નહિ, સાંજે તો ભોજન લઈશું.

પ્રભાત પડયું. ફાંસીની એ વહેલી પરોઢથી ચાલતો સમારંભઃ એ અમલદારોની આવ-જા; એ રસી ઈત્યાદિ સામગ્રીઓની લે-લાવ; હથિયારબંધ પોલીસ-ટુકડીનું `હડેટ હોમ' કરતા કરતા આવી પહોંચવું; મોટા અધિકારીઓનું પૂર્ણ ગૌરવભર્યું આગમન; ફાંસી ખાનાર કેદીનું મૂગું સરઘસ; બેડીઓના ખણખણાટ; દરવાજાના બુરજ પર ગમગીન અવાજે બજતા મૃત્યુડંકા – એ તમામ ગોઝારી ક્રિયાઓમાં અંતરને થિજાવી નાખે એવું એક મૂંગુ ગાંભીર્ય ને એવી ઘોરતા હતી, છતાં એમાં એવી એક રસભરી નવીનતા પણ હતી કે જેથી આ રાજકેદીઓનો આગલી રાતનો અરેરાટ અને હાહાકાર પ્રભાતના અર્ધા જ કલાક પછી કૌતકરુપે પલટાઈ ગયો.

આ બધી ક્રિયાવિધિ શી શી છે તે જાણવાની તેઓને લગની લાગી. પોતાની તુરંગના દરવાજા બીડી દેવાયા એટલું જ નહિ પણ આડા કાળી કામળોના પડદા લટકી ગયા એ તેઓને રુચ્યું નહિ. જેઓ કદાવર હતા તેઓએ પરસાળ પર ઊભા થઈને દીવાલ બહાર દૃષ્ટિ કરી જોયું. મધ્યમ કદના હતા તેઓ પગ અંગૂઠા પર ઊભા રહી નીરખી રહ્યા, ઠીંગણાઓ હતા તેઓ ખુરશી પર ચડીને થાંભલીઓ આડે લપાઈ જોવા લાગ્યા. આ કેદી આવ્યોઃ આ એને ટોપી પહેરાવીઃ એ જોજો હો, કાન માંડીને સાંભળજો હો! એ... એ પાટિયાં પડયાઃ ખલાસ! ઓહ! ઓ પ્રભુ! ઓ ઈશ્વર!

એમ એક જ ફાંસી અપાતાં તો તેઓ સહુ એ બનાવથી એટલી તો સરસ રીતે ટેવાઈ ગયા, કે તેઓએ તે દિવસ સવારનું ભોજન કશી સૂગ અથવા ગમગીની વગર જમી લીધું. રોજની માફક હાસ્ય, ટીખળ, વાર્તાલાપ અને જ્ઞાનો ચાલુ રહ્યાં.

એમ આઠ મહિનામાં તો આઠ જણાને લટકાવવામાં આવ્યા. તેટલામાં તો એ સંસ્કારી પુરુષઓો કેટલી બધી સમતા કેળવી લીધી! દેહાંતદંડના ઘાતકી કાયદા સામેનું કે વહીવટ સામેનું ઝનૂન નીતરી ગયું. શોચ, દિલગીરી, જીવન-મૃત્યુની ફિલસૂફી, કરુણતા વગેરે બધાં જ હિંસક તત્ત્વો ચાલ્યાં ગયાં. પછી તો આવતી કાલે ફાંસી આપવાની છે એવા સમાચારથી જાણે કશોક રસભર્યો કાર્યક્રમ થવાનો હોય તે જાતની સુંવાળી લાગણી ઉદ્ભવતી થઈ. પછી તો પોતાનો પાડોશી દોસ્ત ક્યાંક મુસાફરીએ ચાલ્યો જવાનો છે માટે એને આપણી પાસેની મિષ્ટ ખાદ્ય-સામગ્રીમાંથી એકાદ રકાબી ભરીને મોકલીએ ને એકાદ-બે વાર આપણો સવાર-બપોરનો ચાનાસ્તો પણ પહોંચાડીએ, એવા કોડ થવા લાગ્યા; ને `સાલો' `રાક્ષસ જેવો' જેલર જો આમ કરવાની પરવાનગી ન આપે તો તેના ઉપર `અહિંસક' ગુસ્સો પણ ચડવા લાગ્યો.

એમ કરતાં કરતાં તો ભાઈ અનવરનો ફાંસી દિન આવી પહોંચ્યો. અનવરનાં ઈશ્વરભજનોએ આ બધા ભાઈઓ ઉપર ઊંડી છાપ પાડી હતી. એટલે આગલી રાતે વાટાઘાટ થઈ: કે જાણે જુઓ ભાઈ, અનવરને ફાંસી અપાશે સવારના સાડા સાતે; આપણે રોજ ચા-નાસ્તો પણ લઈએ છીએ સાત બજ્યાની આસપાસમાં. એ તો ઠીક ન કહેવાય. અનવરની ફાંસીને અને આપણી ચાને બેક કલાકનો ગાળો રહી શકે તે રીતે જ આપણે પતાવી લેવું જોઈએ. વારુ! તો પછી વહેલી પરોઢે જ ચા પી લઈએ. કેમ કે ફાંસી અપાયા બાદ તરત જ તો ચા-નાસ્તો આપણને થોડાં ભાવવાનાં છે! ઠીક, ત્યારે તો પરોઢિયે જ ઉકેલવું છે. ભાઈ, સહુ ભાઈઓ વેળાસર ઊઠજો.

- ને પછી તો પરોઢિયાની એ ગુલાબી ઠંડીમાં રાજકેદીઓ હૂંફાળી ઓરડીમાં કૂંડાળું વળી બેઠા. વચ્ચે શગડીના અંગારા પણ સહુની સામે હસતા હતા. ચાની કીટલીઓ ફળફળતા પાણીથી ભરાઈ ભરાઈને આવતી હતી. અંદરથી `ચંપાવરણી' ચા રેડાતી હતી. પ્યાલા પછી પ્યાલા ભરાતા હતા. ટોસ્ટ પછી ટોસ્ટ, માખણનો લેપ ચોપડીને આરોગાતા હતા. અને એ બધાની પછવાડેની જ કોટડીમાં અનવર પઠાણ પોતાના બાકી રહેલા બે-ત્રણ કલાકોને બંદગીમાં વિતાવી રહ્યો હતો.

સૂર્યોદય થયો અને ચા-નાસ્તો ઉકલી ગયાં. શગડીના અંગારા કોણ જાણે શો યે મર્મ કરતા કરતા મલકાતા હતા. મીઠા મીઠા ઓડકાર ગાજતા હતા. તે વખતે એ સહુમાંથી સૂતેલા રહેલા એક જ સાથીએ આંખો ઉઘાડી અને સર્વેને મુબારકી દીધી કે `ભાઈ, અનવરની ફાંસી તો તમે બધાએ ઠીક ઊજવી કાઢી, હો!'

પછી તો દરવાજે કાળાડંકા બજવા લાગ્યા અને એકાદ કલાક બાદ તો અનવરની સફેદ કપડે ઢાંકેલી લાશ પણ દરવાજે આવીને પડી.

પણ હું તો તને પૂછું છું, ભાઈ રાજકેદી! કે તારા મોં ઉપર અંકાયેલી એ પરોઢિયાની કથાને હું બરાબર ઉકેલી શકું છું ને? બીજું મારે એ પૂછવાનું છે, કે તને અત્યારે જે અફસોસ થઈ રહેલ છે, એ તે શું અનવરની કાળઘડીએ તેં ચા-ટોસ્ટની મોજ ઉડાવી તે બદલનો અફસોસ છે? કે પેલા ભાઈએ ટોણો મારી લીધો તેનો, એટલે કે ઉઘાડા પડી ગયાનો તને અફસોસ છે? ઓ મારા બચ્ચા! હવે દિલ બાળવું છોડી દે અને કબૂલ કરી લે કે તમે સહુ દયા, કોમળતા અને લાગણીનો વેશ કરનારાઓ અંદરખાનેથી તો અમારા જેવા જ કઠોર કાળજાંના છો; તમારા નિસાસા, હાહાકારો અને આંસુની ધારો એક જાતના પોપલાવેડા જ છે. હું જીવતી રહું કે કોઈક કાળાન્તરે તમ માયલા કોઈ અહીંનો કારભાર કરવા આવે, તો મારે ડોકરીને જરી જોઈ લેવાના કોડ છે કેતમે અમને સર્વને દૈત્ય કહેનારાઓ અહીં આવીને કેવીક દેવસૃષ્ટિ સરજી શકો છો! ને તને શું નથી લાગતું, ભાઈ રાજકેદી, કે કેટલીક વાર તમારી આ વેવલી દયાળુતા કરતાં અમારો ઘાતકી વિનોદ વધારે ભીનો હોય છે?

***