Jail-Officeni Baari - 9 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | જેલ-ઑફિસની બારી - 9

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

જેલ-ઑફિસની બારી - 9

જેલ-ઑફિસની બારી

ઝવેરચંદ મેઘાણી

ફટકાની લજ્જત

સાંભળો છો, રાજકેદી ભાઈ? ફડાકા સાંભળો છો? પણ એ તો પોલા ફડાકા બોલે છે હાં કે! માનવ ખોળિયાની કેડય નીચેનાં ભરચક લોહીમાંસવાળાં ઢીંઢાં ઉપર ચરડ ચરડ ખોભળાં ઉતરડી લેનાર એ સાચા, સંગીતમય, કર્ણપ્રિય સોટાના સબોડાટ નથી. એ તો હજુ અમારો મરાઠો મુકાદમ `પ્રેક્ટિસ' કરે છે. એને હજુ તાજેતર જ પીળી પઘડી અને પટ્ટો-ધોકલા મળેલાં છે. એને હજુ ઊંચે ચડવાનો ઉમંગ છે. એટલે એ તો શીખી રહેલ નવી વિદ્યા. એ તો `પ્રેક્ટિસ' કરે છે લૂગડાના ગાભાના બનાવેલા મોટા ઢીંગલા ઉપર સોટા મારવાની.

જરા અંદર જઈને જુઓ ને! જોવાની ટેવ તો પાડો, મારા ભાઈ! ટેવાશો તો આંખે તમ્મર આવતા અટકશે, હૈયાના થડકારા ઓછા થશે, હિસ્ટોરિયા-બિસ્ટોરિયા જેવું કંઈ નબળું તત્ત્વ હશે તો શરીરમાંથી નાબૂદ થશે. જોઈ આવો ને જરા!

મેદાનમાં ખડી કરેલી એ ત્રણ પગવાળી લાકડાની ઘોડી મારા કરતાં, અરે, પેલા સાઈબીરિયાની સરહદ પરના ખાંભા કરતાંય, વધુ ભાગ્યવંતી છે. જુઓ, અત્યારે તો એની સાથે બાંધેલ છે એક માણસઘાટનું અને માણસ જેટલા જ કદનું હૃષ્ટપુષ્ટ અને કદાવર નિર્જીવ ઢીંગલઃં લૂગડાની ખોળમાં ભર્યા છે ગાભા. એ તોતિંગ ધૂંધળીમલના બે હાથનાં કાંડાં ઊંચે બાંધ્યાં છે. ને બે પગ પહોળા રાખીને ઘોડીના બે પાયા સાથે જકડેલ છે. એનો બરડો બાહ્યલી બાજુએ રખાવેલ છે. એનો દેખાવ નગ્ન છે. ભરચક, ટટાર અને હમણાં જાણે ચીસ પાડી ઊઠશે એવું એ ઢીંગલું.

ને હવે નજર કરોઃ પચાસ કદમ પરથી પોતાના પંજામાં નેતરની લાંબી સોટીને પૂરા તોરથી હવામાં વીંઝતો, કોઈ અણદીઠ કમાન ઉપર જાણે કે ઊછળતો, છલંગે છલંગે છાતીમાં કાંડામાં, પોંચામાં, આંગળીઓમાં અને છેવટે એ નેતરની સોટીમાં આવેગની વીજળી એકઠી કરતો એ જુવાનજોધ મરાઠો મુકાદમ ઊપડતો આવે છેઃ અને પછી કેવું અચૂક નિશાન લઈને, કેવા ગર્વથી, જોશથી, ઉમંગથી, દાઝથી, ઈનામરૂપે સજાની કપાત થવાની આશાથી એ પેલા ઢીંગલાના કેડય હેઠેના ભરપૂર દેહભાગ ઉપર સોટી ઝીંકે છે!

વળી પાછો એ છલંગ મારતો પચાસ કદમ પાછળ જાય છે ને ત્યાંથી બેવડા આવેગ સાથે ઊછળતો, નેતર વીંઝતો, હવામાં થરથરાટ બોલાવતો, ચમકતે નેત્રે ચાલ્યો આવે છે, ઢીંગલાને એ જ નિશાન પર ફટકારે છે, ફટકે ફટકે ઢીંગલાનું કાપડ ઉતરડાઈને અંદરથી ગાભા નીકળી પડે છે.

પણ આ તો હજુ પ્રેક્ટિસનો હૈયાઉછાળ છે. કાપડના ગાભા બનેલા ઢીંગલા ઉપર એ બાપડો ગમે તેટલું સજીવારોપણ કરે, છતાં પેલી જીવતા માનવી ઉપર સોટીઓ ખેંચવાની મજા ક્યાંય થાવી છે? પ્રેક્ટિસમાં પાવરધો થયા પછી કેટલો અધીર બનીને એ જીવતા માનવને માટે રાહ જુએ છે, તે તમે ન સમજી શકો, ભાઈ, અમારા જેવાં એના એકલોહિયાં સહધર્મી જેલભાંડુંઓની જ સમજમાં ઊતરે તેવી એ ગુપ્ત બાબત છે. દેવીની પાસે પાડા-બોકડાને જબ્બે કરવામાં જે આનંદ ભક્તને છે તેની શી ગણતરી હોઈ શકે આ ફટકા મારવા તલપી રહેલ અમારા મુકાદમની હૈયાહોંશ આગળ! એના કલેજાની હરિયાળી ઉપર કંઈક હરણાં કૂદંકૂદા કરી રહેલ છે. રોજ સંધ્યાટાણે એ પેલા ફટકાની સજાવાળા કેદી ખુશરુને, લાલિયાને અને દુલ્લારામને બહારપાટીનું રેંટકામ વગેરે કરીને આવતા ભાળે છે, અને એ ત્રણેયને ઉઘાડા કરી, લંગોટીઓ પણ છોડાવી વૉર્ડર જ્યારે એની જડતી લેતો હોય છે, ત્યારે એ ત્રણેયના કાળા, છલકતા, પાટિયા સરખા સપાટ ઢીંઢાં ઉપર કેવી માયાભરી મીટ માંડીને અમારો આ ફટકા-નવેશ મુકાદમ ભાઈ તાકી રહે છે! બિલાડીએ કોઈ ઉંદર તરફ, કૂતરાએ કોઈ મરઘી તરફ, કોહલાંએ કોઈ ખિસકોલી તરફ કે સાપે કોઈ દેડકા તરફ આવી રસભરી નજર નહિ ચોડી હોય.

કેમ કે એ બધાં તો ભૂખનાં વડકાં કરે છે. હોજરી ખાલી થાય ત્યારે જ તેઓની આ તલપાપડ વૃત્તિ બહેકે છે. જઠરનો ખાડો પુરાયા પછી તેઓને પોતાના ભક્ષમાં કશી જ લજ્જત નથી હોતી, વળી, એ બાપડાંની લોલુપતા તો પોતાની જાત બહારનાં જીવો પૂરતી.

આંહીં તો માનવીની મહત્ત્વાકાંક્ષાના અપાર લસલસાટ છે. એની લાલચની-નિસરણીને પગથિયાંનો પાર નથી. એમાં પણ જાતભાઈ ઉપર આ હૈયાનો ઉલ્લાસ ઠાલવવાની મજા તો એક ઈન્સાનને જ કુદરતે બક્ષેલ છે.

લાગણીનો દંભ કરીશ મા હો, ભાઈ રાજકેદી! તને શું કદી કદી તારી બૈરી ઉપર રોષ કરતાં કરતાં ઝનૂનનાં મોજાં પર મોજાં ચડયાં નથી? તારાં બાળકોને ઠોઠથાપલી કરતાં તારા હાથની હથેળી શું વધુ ને વધુ હિલોળે ચડી નથી? નિશાળના માસ્તરો જ્યારે વિદ્યાર્થીઓનાં સુંવાળા શરીરો પર મારપીટે ચડે છે ત્યારે શું એના હાથપગમાં ઓછી ચળ ઉપડે છે, ભાઈ? એ આનંદ, એ ગલીપચી, એ ઉમળકો તો વાણીમાં ન ઊતરે તેવાં છે, ભાઈ! તો પછી અમારો મરાઠો મુકાદમ પેલા ત્રણેયના છલકતા દેહ ઉપર ટાંપી રહે તેમાં શી નવાઈ?

કાલે સવારે આ લાકડાની ત્રણપગી ઘોડી ઉપરથી લૂગડાંનું ઢીંગલું ખસેડી નાખશે, તેની જગ્યાએ ખુશરુ, લાલિયો ને દુલ્લારામ, ત્રણેયને નગ્ન કરીને એક પછી એક ઝકડી લેશે. સહેજ ઢળતા બાંધશે. ઉપર બે હાથનાં ને નીચે બે પગનાં કાંડાં એના પગ પૂરેપૂરા પહોળાવીને બાંધી લેશે એટલે પછી અમારા મરાઠા મુકાદમને નિશાન લેવામાં એ બંધાયેલ શરીરનો લગરીક થરેરાટ સુધ્ધાં નડતરરૂપ નહિ બને.

કલ્પના તો કરો, ભાઈ! મરાઠા મુકાદમની ઓ સોટીમાં કેટલું કૌવત અને કેટલી હોંશ પુરાશે એ ટાણે? ગાભાના ઢીંગલા ઉપર પણ જેણે ઠેકી ઠેકીને સોટીઓ ઝીંકી છે, તેની નેતરમાં આ જીવતા, લોહીછલકતા, લાગણીદાર ભક્ષને દેખી શી શી વીરતા નહિ નાચી ઊઠે!

એક ફટકો – બીજો ફટકો – ત્રીજો, ચોથો અને પાંચમોઃ રાક્ષસ જેવો લાલિયો `ઓય'કારો પણ કરે નહિ એ હું જાણું છું તેની પતરાજી કંઈ કમ નથી. એ જડ જેવો એમ ને એમ અભંગ સમાધિ ચડાવીને ફટકા ઝીલશે.

ભલે ને ઝીલે! એની જીભ નહિ બોલે, પણ એના ઢીંઢાં કંઈ થોડાં અબોલ રહી શકવાના હતાં! ચરડડડ, ખોભળાં ઉતરડાશે. અંદરથી લોહીની શેડો બહાર આવશે એટલે તો લાલિયો છે તે કરતાં પણ કેવો ભયાનક, કેવો કદરૂપો દેખાશે! કાળા કલેવર ઉપર લાલ ટશિયાની અને ભરોળોની ભાત પડશે. જોવાની મજા આવશે.

પછી પાંચ નહિ તો દસ ફટકે. ને દસ નહિ તો પંદર ફટકે લાલિયો બેહોશ બની જવાનો. હું તો ઈચ્છું છું કે એ જલદી જલદી શુદ્ધિ ન ગુમાવી નાખે તો સારું, કેમ કે બેહોશ બની ગયા પછી એને અને ફટકાને શું નિસબત! જે પીડા ભોગવવાની શુદ્ધિ જ ગુનેગારમાંથી વહી જાય, તે પીડા ઉપજાવવાનું શું ફળ! પછી પેલા બાપડા મરાઠા મુકાદમના હાથમાં ફટકો લાગવાનો ઉમંગ પણ શાનો રહેશે? એની મહેનત પોતાની તાત્કાલિક મજા પૂરતી તો નકામી જશે ના? કુદરતે મનુષ્યના પિંજરમાં આ બેભાન બની જવાની ગુપ્ત શક્તિ આપીને અમ જેવાંઓને ભારે મુશ્કેલીમાં મૂક્યા છે, ભાઈ! પછી તો પેલા ગાભાના ઢીંગલામાં ને બેભાન બનેલ લાલિયામાં શો તફાવત! પછી તો પથ્થરની છીપર પર ઘા કરવા અને લાલિયાનાં ઢીંઢાં ઉપર માર મારવો બન્ને સરખું જ ઠર્યું ને? ફરક તો ફક્ત ચામડીના ચરડાટ બોલવાનો, માંસના લોચા બહાર નીકળી પડવાનો, બહુ બહુ તો અરધો રતલ લોહી ઝરવા પૂરતો જ ને? મને ખરેખર આ મરાઠા મુકાદમની મોજ મારી જવા વિષે બહુ લાગી આવે છે.

પછી તો લાલિયાને બેભાન હાલતમાં ઉપાડીને ઈસ્પિતાલે લઈ જવામાં આવશે, એનાં ઢીંઢાં ઉપર દવાઓ લગાવાશે, ને આઠ દિવસમાં તો એ હરતો ફરતો પણ થઈ જશે.

પણ એની તો બેભાનીય નામોશીમાં ખપશે. જેલનાં પ્રજાજનો કંઈ ઓછા વટદાર અને સ્વમાની નથી.

દુલ્લારામ પોતાની સજાના ત્રીસે ત્રીસ ફટકા સભાન રહીને ઝીલશે એટલું જ નહિ પણ પ્રત્યેક ફટકે એ `રામ! રામ! રામ!' એવા ઉચ્ચાર કરશે. પછી બાપડા લાલિયાનો તો વકર જ નીકળી જશે ને? પણ ભાઈ લાલિયા ફિકર નહિ. `ઓય બાપ!' અને `ઓય મા!'ની નામર્દ ચીસો પાડનારા ઘણાય આંહીં પડયા છે. આ ઘોડી અને નેતરવાળા મરાઠા મુકાદમના દીદાર માત્ર થતાં જ ભેંકડો મકી જેલ-સુપરિન્ટેન્ડેન્ટ સાહેબનાં ચરણોમાં ખોબો ખોબો આંસુ ઠલવનારા, માફી માગનારા, મોંમાં જોડો લેનારા પણ ઘણા પડયા છે. એ તમામનાં કરતાં તારી પાયરી ચડિયાતી રહેશે. તું રંજ કરીશ ના, વીર લાલિયા! અને તમે ત્રણેય જણા ફરી કદી ગંધારી ભાજી ન ખાવાની હઠ પકડીને સહુને ઉશ્કેરી બેસતા નહિ.

પણ હું તો ભારી ઉતાવળી બની ગઈ. ફટકાની સજાનું પ્રભાત ફૂટવાને હજુ વીસ કલાકની વાર છે, ત્યાં તો મને એ વાતનો કોઈ ગજબ ચરસ લાગી ગયો. મારી કલ્પનાની દુનિયામાં તો મેં ધરાઈ ધરાઈને આ લોહીની તેમ જ માંસના લોચાની મહેફિલ માણી લીધી.

શું કરું? હું તો કાંઈ ફટકા મારવાની ત્રિપગી ઘોડી કે નેતરની સોટી નથી થઈ શકવાની હું તો રહી જેલ-ઑફિસની બારી. મારે મૂઈને પરાયાંનાં આવા સૌભાગ્ય ભાળી ભાળી છાનાં છાનાં જલવાનું જ રહ્યું. પછી હું કલ્પનામાં એ મજા ન ઉડાવું તો કરુ શું?

પણ આવે અવસરે હું જેમ જેમ વિચાર કરું છું તેમ તેમ મને આ જેલરો અને સુપરિન્ટેન્ડેન્ટો ભારી દુત્તા, પક્કા, પાજી ને ખંધા લાગે છે. શા માટે તેઓ પોતે કદી પણ સોટી પકડીને ફટકાની સજા સ્વહસ્તે નથી કરતાં? પેલા મરાઠા મુકાદમને થોડીક માફીની લાલચ આપીને તમે આ કામગીરી કરાવો છો, સાહેબ. પણ ચાલોને હું તમને `આઈ. જી. પી.' બનાવવાનું વચન આપું – એક વાર તો આ લાલિયાને આપ જાતે ઊઠીને ત્રીસ ફટકા લગાવો!

નહિ થઈ શકે તમારાથી. તમે તમારા ચહેરા પર ચાહે તેટલી કરડાકી ધારણ કરો, કાગળ પર ફટકાની સજા છો લખો, પણ તમારા જિગરમાં એ તાકાત નથી. તમને આ સજાનો ઊંડો ત્રાસ છે. એ લોહીમાં તમે પોતાના હાથ બોળવા તૈયાર નથી. એટલે જ તમે ખડિયામાં ફક્ત કલમ બોળીને બાકીનું યશસ્વી કામ આ મરાઠા મુકાદમ જેવા વીર માટે જ રાખો છો.

હું તો પૂછું છું કે પેલા મેજિસ્ટ્રેટ સાહેબ ક્યાં છે? શહેરની કોર્ટમાં બેઠા બેઠા ઠંડે કલેજે ફટકાની સજા ચીતરનાર એ ન્યાયમૂર્તિને આંહીં બોલાવો ને એના હાથમાં નેતર આપો! એને પચાસ કદમ પરથી છલંગો મારીને નેતર વીંઝતા વીંઝતા આવવાનું કહો અને એક જ ફટકો મારવા દો, પછી જુઓ – એ પોતે જ મૂર્છા ખાઈને ભોંય પર પટકાઈ પડે છે કે નહિ? નરવીર મરાઠા મુકાદમ! આ બધા કરતાં તું કેટલો બધો બહાદુર છે, હું તારાં વારણાં લેવા તલખું છું, પણ આ સળિયારૂપી મારા લોખંડી હાથને દીવાલે જકડી રાખ્યા છે. પણ ધન્ય છે તારી `પ્રેક્ટિસ'ને.

***