Jail-Officeni Baari - 15 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | જેલ-ઑફિસની બારી - 15

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

જેલ-ઑફિસની બારી - 15

જેલ-ઑફિસની બારી

ઝવેરચંદ મેઘાણી

નવો ઉપયોગ

કોક કોક દિવસ અહીં જેલરના ટેબલ ઉપર ચોપડીઓનો ઢગલો જાય છે. એમાં બીજા અનેક દેશોની વાતો લખેલી હોય છે. લખ્યું હોય છે કે ફલાણા દેશમાં તો બાળક એટલે પાપ નહિ, પછી છો એ ગણિકાનું હોય. બાળક દીઠું એટલે તરત જ રાજના રખેવાળો ઉપાડી લે, રક્ષા આપે, આયાઓને સુપરત કરે, ઉછેરી ઉછેરીને જુવાન બનાવે, ભણાવેગણાવે કસબકારીગરી શિખાવે, ઇજ્જતદાર શહેરી બનાવે.

ખબરદાર! રાજ કહેશે, એનાં માબાપનું નામ કોઈ પૂછશો મા. એનાં માવતર છો ને દુનિયામાંથી ઉપરનાંય ઉતાર હો; બચ્ચું તો નિષ્પાપ છે, બિનગુનેગાર છે. ખરેખર તો એ રાજનું સંતાન છે. એનાં માવતરનું નામ સંભારી આપવં એ પણ એના અપમાન બરોબર છે. એ માંસનો લોચો હતો ત્યાં સુધી હતો માતાપિતાનો. માંસરક્તનાં તો તમામ રોગદુર્બળતા એને માતાપિતાના વારસારૂપે મળી ગયાં. એટલા અપરાધની સજા એણે મેળવી લીધી. પણ એમાં આત્મા પ્રવેશ્યો તે તો અનંતનો પ્રવાસી છે, યુગયુગાન્તરનો એકલવિહારી છે. એ તો છે દિવ્યનો વારસદાર. પ્રજાનો એ પુનિત હાથપગ બનશે. ખબરદાર, એને કોઈએ ભ્રષ્ટાનું સંતાન કહી અળગો ધકેલ્યો છે તો! રાજ એનાં માતતાત છે, ને પ્રજા એની જાતિ છે.

આવું આવું લખ્યં'તું એ ચોપડીમાં. બીજી ચોપડીમાં બોલતી હતી કે બીજાય કેટલાય દેશો છે. ત્યાં તો અહીંની જ માફક `હરામના હમેલ'ની ગંધ લેતા શ્વાન-શા પોલીસો વિધવાનો પીછો લ્યે છે અને જીવતાં જણેલાં બાળકોને કબજે લઈ, સમાજથી છેટાં રાખી ઉછેરી મોટાં કરે છેઃ ને ભરજોબનમાં લોહી ભરાતાં એ સમાજબાતલોને ખંભે રાઈફલો ઝલાવે છે – હુકમ દેવાની સાથે જ હરકોઈને ફૂંકી દેવા સારઃં ગામડાં બાળવા સારઃં શત્રુઓના સીમાડા લૂંટવા સારઃં ને મોકો મળે તો દુશ્મનોની વહુદીકરીઓના કલેવરો પણ ચૂંથવા સારું.

પલટનોની પલટનો ભરેલી હોય છે આવી `હરામના હમેલ'ની દૂધમલ ઓલાદથી, આભડછેટિયા સંસારે એને તારવી કાઢીને નોખાં કતલખાનાં સર્જ્યાં છે ને એનાં શરીરોની જીવતી દીવાલો ચણાવી છે પોતાના સફેદ પાપાચરણોની રક્ષાને સારું.

હું આંહીં પથ્થરોની ભીંસમાં જકડાયેલી છું, ને હસી હસીને મારી પાંસળીઓ ભેદી રહી છું. ને તેમાં કોઈ કોઈ વાર આ સામેની સડક થરથરી ઊઠે છે, દૂરદૂરથી ચાલ્યાં આવતાં રામઢોલ અને રામશરણાઈઓ આ હવાના તંતુઓને કમ્પાયમાન કરી મૂકે છેઃ અને થોડી વારે હું જોઈ રહું છું એ રણવાદ્યના તાલે તાલે કદમ ભરતા જુવાનોનાં લંગર પછી લંગર.

શા ગોરા ગોરા એ બધા ગાલઃ શા પ્રભાતની સુરખીથી રંગેલા એના હોઠઃ આંખોની કીકીઓમાં આકાશનું અંજનઃ છાતીમાં અક્કેકું સરોવર ભરેલઃં અરેરે, આવા અક્કેક બેટાને મારી કૂખે ધારણ કરવા કહો તો હું સાત-સાત અવતાર સેવું. મારા અંતરમાં કશુંક ઊભરાય છે. કશીક ધારાઓ છૂટવા મથે છે. જાણે હું એ તમામનાં મોંને ધોળાં ધોળાં ધાવણની ધારે ભરી દઉં!

પણ હાય હાય! મારે છાતી જ ન મળે! મારે થાનેલાની જગ્યાએ લોહીમાંસ વગરના સોંસરવા ખાડા જ છે, મારે તો રહી છે નર્યાં લોખંડી સળિયાની જ કાળી કાળી પાંસળીઓ.

`આમ જોઈ લે, ડોકરી!' રામઢોલ અને રણશિંગાં મને કરડે અવાજે કહી રહ્યાં છેઃ `જોઈ લે, અમે અમારા સમાજના એઠવાડમાંથી કીડાઓને વીણી લઈને કેવા વાઘદીપડા સરજાવ્યા છે! જ્યાં છૂટાં મૂકીએ ત્યાં વિનાશની જ્વાલાઓ બનીને ફરી વળે. પૃથ્વીના પોણા ભાગમાં, ડોશી, આવી અમારી ક્રિયા ચાલી રહી છે. નધણિયાતા છોકરાઓને અમે નાખીયે નથી દેતાં, અમારા સમાજની ફૂલવાડીમાં એને જવા દઈ આભડછેટ પણ ઊભી નથી કરતા; અમે તો એનાં લશ્કરો ઊભાં કરીએ છીએ. અમે તારા દેશના આર્યો જેવા કમઅક્કલ નથી, તેમ પેલા રશિયનો જેવા ઊતરેલા પણ નથી. અમારું તો છે દુનિયાદારીનું સર્વશ્રેષ્ઠ હડાપણઃ તારા દેશના વાણિયાઓની વ્યવહારબુદ્ધિના અમે પૂજારીઓ છીએ.'

રામઢોલ અને રણશિંગડાએ આ બધું જ કહ્યું તે હું સાંભળી રહી. આ પથ્થરો જો મને થોડીક વાર છૂટી મૂકે ને, તો હું દોડી જઈને એ રામઢોલનાં પેટ ફોડી નાખું ને એ શરણાઈઓનાં ગળાં મરડી નાખું. પણ મારે તો આંહીં બેસીને જોવું જ માંડેલું છે.

આવા ગોરા ગોરા હજારો હાથમાં બંદૂકડી પકડાવી, એને માણસોના ચારા ચરવા મોકલનારને કોણ દેખાડશે એ પ્રત્યેકની જનેતાની હૈયાવરાળો! કોઈ કુમારિકાએ કે વિધવાએ એ અક્કેકનો ભાર ઝીલતાં ને જન્મ દેતાં, અને પછી પોતાના અત્યાચારી કો કુટુંબી કે કુળવાન પુરુષની આબરૂ સારું રઝળતું મેલતાં, શી શી વેદના ઉઠાવી હશે?

અત્યારે એ જનેતાઓ જોતી હશે કે જે નાના હાથમાં પોતે બંસી, પ્રભુપોથી કે નિર્દોષ હથોડો-પાવડો ઝલાવવાનાં સ્વપ્નાં સેવ્યાં હશે, તે હાથમાં બંદૂકો ફૂંફાડે છે. કોઈ ગર્ભિણીને ગર્ભને ઉઝેરતાં ઉઝેરતાં ઈશુની માતા મૅરીની યાદ રહેલી હશે; કોઈને પોતાના દેશનો પ્રેમગાયક કો કવિ કે શાંતિના શબ્દો પાડનાર કો ગ્રંથકાર એ નવેય માસ સાંભર્યા કર્યો હશે; કોઈએ ધ્યાન ધર્યું હશે પોતાની હતભાગિની સ્ત્રીજાતિના કોઈક ઉદ્ધારકનું, ખાણમાં મજૂર બચ્ચાંના કોઈક તારણહારનું, મંગળના તારાને અડકવા ઊડનાર કોઈ વિમાનીનું, ઉત્તર ધ્રુવને કિનારે પહોંચનાર કોઈ સાગર-વીરનું. એમાંની કોઈ ગર્ભધારિણી નાટકની નટી હસે. નૃત્યસુંદરી હશે, સાધ્વી હશે, કિન્નરીકંઠી ગાયિકા હશે, વિદ્યાલયે ભણતી વિદુષી હશે, દેવળના ધર્મપાલની પુત્રી હશે, વહાણવટીની વિજોગણ હશે, દવાખાનાની નર્સ હશે, કોણ જાણે કેવાય સુંદર સંસ્કારોએ સોહાગણી એ મા કોઈ ઈજ્જતવાનને ફાંસલે ફસાઈ ગઈ હશે!

એ તમામનાં ફરજંદોની આ એક સરખી દશા! તમામના હાથમાં બંદૂકડી! એ પ્રત્યેક સુંદર દેહ તોપોના મોંમાં ફેંકવા ઘાસનો પૂળો બન્યો. એને હુકમ અપાતાંની વારે જ એ ગોળીઓ છોડશે – કોઈ બેકારોનાં ટોળા પર, કે જેમાં કદાચ એની જનેતા પણ ઊભી હશેઃ કોઈ કારખાનાના હડતાલિયા પર, કે જેની અંદર એ જ જનેતાના ગર્ભે સેવાયેલ પોતાનો સગો ભાઈ પણ શામિલ હશેઃ કોઈ પરદેશી સૈન્ય ઉપર, કે જેમાં પોતાના સરખા જ માતાના ત્યજેલાઓ પેટને ખાતર પટ્ટા બાંધીને ઊભા હશે.

પણ હું તો વિનાકારણ આટલી ઊકળી ગઈ. પારકા દેશમાં પાપનાં છોકરાંનું આમ થાય છે ને તેમ થાય છે તેની શી તથ્યા પડી છે મારે? હું તો કહું છું કે ઘણી ખમ્મા મારા દેશની ધર્મનીતિને! નારી જાતને તો જગતકર્તાએ નીચ સર્જી છે ત્યારે જ એની કાયામાં આવાં પાપ ઊગી નીકળી છે ને! પ્રભુએ જ પુરુષને ઊંચેરો સ્થાપેલો છે એટલે એના પાપનાં પરિણામ ધારણ કરવાનું જોખમ નથી ને! માટે આ ભ્રષ્ટાઓ અને કુલટાઓ છો એમનાં પાપનાં ફળો ભોગવતી. એમના દુરાચારનાં પેદા થયેલા બાળકો જેમતેમ ટૂંકાં પતી જાય તો જ સમાજનો ઉગાર છે. આંહીં જો એ બાળકોને રાજપાલિત પ્રજાજનો બનાવવાની નીતિ પેઠી તો અમારા પવિત્ર કુળાચારના બાર વાગી જશે. પછી તો વંઠેલનાં જણ્યાં ખાનદાનનાં ફરજંદો જોડે એક નિશાળે ભણશે. ઊંચાં બુદ્ધિતેજ બતાવશે, વરશે, પરણશે ને મોટી પાયરીઓ પર ચડી બેસશે તો અમારી ન્યાતજાતનું, વર્ણાવર્ણીનું, વંશપરંપરાની અમીરાતનું ને આર્યરક્તની વિશુદ્ધિનું શું થશે? કોઈ કોઈનાં માબાપનું નામ ન પૂછી શકે તો તો પછી કુળવાન-કુળહીનનો ભેદ શી રીતે સમજાશે?

મને તો આ `હરામના હમેલ'નાં છોકરાં માટે એક ઉપાય સૂઝે છે. રાજની સત્તાવાળાઓએ તો કોઈ બાઈને `હરામના હમેલ' રહે એનો ચોક્કસ જાપતો રાખવો. બની શકે તો એને સારુ છૂપી પોલીસનું જૂથ વધારવું. પૂરે મહિને પ્રસવ કરાવવો. પછી પ્રસવનાર માતાને સજા કરવી કે જેથી ધર્માચાર્યો વગેરે રાજી રહેશે. પેલા છોકરાંને મા ધવરાવે ત્યાં સુધી ધાવણ પર ઉછેરવાં એટલે કંઈ વધારાનું ખર્ચ નહિ કરવું પડે, અને માનું ધાવણ મૂકી દીધા બાદ એના આટલા આટલા ઉપયોગ થઈ શકેઃ

એકઃ કોઈ પણ દાક્તરને નવી રસીનો પ્રયોગ કરવો હોય તો એ બાળકો ઉપર કરાવવો.

બીજુઃ જીવતાં માણસની વાઢકાપ કરવાનું, કોઈ નવીન શોધને સારું જરૂરનું જણાય ત્યારે આ છોકરાંમાંથી વેચાતું દેવું.

ત્રીજઃં કોઈ ધર્મગુરુને ચેલો જોઈતો હોય તો એમાંથી વેચાતો આપવો.

ચોથઃં ઇંગ્લંડની અથવા અમેરિકાની ચોપડીઓ લખનારી કે ભાષણ કરનારી કોઈ પણ બાઈને હિંદુસ્તાન દેશની નાલાયકી પુરવાર કરવાનાં ભાષણો આપવાનાં હોય તો એના નમૂના બતાવવા સારુ પીંજરામાં પૂરીને અક્કેક જીવતું છોકરું આપવું. તેની સાથે એ છોકરાનું ખર્ચ ન આપી શકાય તેવું હોય તો એ છોકરાને મારી નાખી એના શરીરમાં મસાલો ભરીને કાચની પેટીમાં ગોઠવી આપવું.

આથી કરીને હિંદના અનેક લોકો તમને ધન્યવાદ આપશે, જાતિ અને ધર્મ નિર્મળ રહેશે, ભ્રષ્ટાચાર પેસવા નહિ પામે અને નવ માસ ભાર વેઠનારી માતાઓને પણ સંતોષ મળશે કે સંતાન ઠેકાણે પડી ગયું ગર્ભ મૂકનાર પિતાઓને પણ બીક મટી જશે કે રખે પકડાઈ જઈશું! કારણ, પછી તો પિતા કોણ છે તેની તપાસ જ કરવાની જરૂર નહિ રહે.

વળી કેટલાક અનાથાશ્રમો ફૂટી નીકળ્યા છે તેની પણ જરૂર નહિ રહે, ને એવી ધર્મવિરોધી હિલચાલો પણ બંધ કરી શકાશે.

જેલરસાહેબ! તમે હોકલીના ધુમાડાનાં ગૂંચળાં ચડાવતા ચડાવતા મારી આ યોજના સાંભળી રહેલ છો કે? કુલટાપુત્રોની લશ્કરી પલટનો બનાવવાની બીજા દેશોની પ્રથા કરતાં તમને શું આ યોજના ચડિયાતી નથી લાગતી? તમે આ યોજના પેલા બે ઉપદેશક સાહેબને કહી સંભળાવશો? અમેરિકાનાં છાપાં તો આવી યોજના છાપીને લખનારને ઊલટા સામા પૈસા પણ આપશે. ઉપદેશક સાહેબો બાપડા હમણાં ભીડમાં હશે. એમને એટલી રાહત જડશે. ને હું એક ડૉલર પણ મારા ભાગનો નહિ માગું.

હું તો ફક્ત એટલું માગું છું કે આ વિધવા બામણીને દર રવિવારે આંહીં ઑફિસમાં બોલાવો, અને આપણા ફાંકડા ઉપદેશક સાહેબો અને સુંદર ફરફરતી સાડીઓમાં લપેટાયેલાં રૂપાળાં ઉપદેશિકા બાઈસાહેબોના ફૂલ ફૂલ જેવા મંડળની સામે એને હાથ જોડાવી ઊભી રાખી, નીચું મોં ઢળાવી, `વૈધવ્યનું મહાતમ' તેમ જ `વ્યભિચારનાં માઠાં પરિણામ' ઉપર સદ્બોધ અપાવો. બની શકે તો નરકપુરીમાં વ્યભિચારીઓને મળતી સજાઓ વિશેનાં ચિત્રોના નકશા પણ ઉપદેશક સાહેબો લેતા આવે ને આ પાપણી યુવતીને દિલે ત્રાસ છૂટે તેવો અસરકારક ઉપદેશ સંભળાવે. પશ્ચાત્તાપના અગ્નિમાં એનાં પાપ બળી ભસ્મ બની જાય તે સારું અનાથગૃહમાંથી એના બાળકને પણ તે ટાણે તેડાવી મંગાવીને મારી પેલી બાજુ હાજર રખાવજો. ઉપદેશમાં અમૃત પીતી પીતી એ ભ્રષ્ટા પોતાના પેટના એ `પાપ' સામે તાકશે. અને `એક વાર! એકવાર મને મારા બાળના ગાલો ચૂમવાની રજા આપો!' એવા પોકાર કરતી એ બ્રાહ્મણી જ્યારે મારી જાળીનાં ઝીણાં કાણામાં પોતાની આંગળીઓ ભરાવશે ત્યારે મને કેવો હર્ષ-રોમાંચ થશે, હેં જેલર દાદા!

ઉપદેશક સાહેબ તે વેળા કરડું હાસ્ય કરીને હાકલી ઊઠશે કે `હજુ – હજુ તારું પાપ તને આકર્ષી રહ્યું છે, બાઈ! એને ધિક્કાર દેતાં તું ક્યારે શીખીશ? આ લે, આ એક ભગવદ્ગીતા અને એક રામાયણની ચોપડી. એનું વાચન કર. તારો ઉદ્ધાર થશે.'

બાળકને ચૂમી ભરવાને બદલે ગીતાનું વાચન કરવાનો માર્ગ સુઝાડાયો છે, પરંતુ આ કુલટાની અવળચંડાઈ કંઈ ઓછી છે? `મારું બાળ! એક ઘડી મારા હાથમાં આપો! હું બે મહિનાની વધુ કેદ વેઠીશ. મારા હાથમાં આપો! અહીં સળિયા પાસે લઈ આવો. એનું મોં મને દેખાડો!' આવી ચીસો પાડતી આ વિધવા બામણીને ઉપદેશક મહાત્માઓ જ્યારે `હોપલેસ' કહીને પાછી બરાકમાં મોકલી દેશે, ત્યારે મારી ખાલી પાંસળીઓમાં આનંદના કેવાં ગલગલિયાં થશે! પવનના સુસવાટા મારા કલેજા સોંસરા સૂસવતા સૂસવતા સુંદર વાદ્ય વગાડશે.

***