Narad Puran - Part 32 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 32

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 32

સૂત બોલ્યા, “હે બ્રાહ્મણો, સનંદનનું મોક્ષધર્મ સંબંધી વચન સાંભળીને તત્વજ્ઞ નારદે ફરીથી અધ્યાત્મવિષયને લગતી ઉત્તમ વાત પૂછી.”

        નારદ બોલ્યા, “હે મહાભાગ, મેં આપે જણાવેલું અધ્યાત્મ અને ધ્યાનવિષયક મોક્ષશાસ્ત્ર સાંભળ્યું. એ વારંવાર સાંભળવા છતાં મને તૃપ્તિ થતી નથી. હે મુને, અવિદ્યાબંધનથી જીવ જે રીતે મુક્ત થાય છે, તે ઉપાય મને બતાવો. સાધુપુરુષોએ જેનો આશ્રય લીધેલો છે, તે મોક્ષધર્મનું ફરીથી વર્ણન કરો.”

        સનંદન બોલ્યા, “હે નારદ, આ વિષયમાં વિદ્વાન પુરુષો પ્રાચીન ઈતિહાસનું ઉદાહરણ આપતા હોય છે. મિથિલામાં જનકવંશના રાજા જનદેવનું રાજ્ય હતું તે સમયને આ વાત છે. તેઓ સદા બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું જ ચિંતન કરતાં હતા. તેમના દરબારમાં એકસો આચાર્ય રહેતા હતા. તેઓ તેમને જુદા જુદા આશ્રમોના ધર્મોનો ઉપદેશ આપતા. આ શરીરનો ત્યાગ કરી દીધા પછી જીવનું અસ્તિત્વ રહે છે કે નહીં? અથવા દેહ છોડી દીધા પછી તેનો પુનર્જન્મ થાય છે કે નહિ? આ વિષયમાં તે આચાર્યોનો જે નિશ્ચિત સિદ્ધાંત હતો; તેમ જ તે આચાર્યો આત્મતત્વના વિષયમાં જે વિચાર જણાવતા, તેનાથી રાજા જનદેવને પૂરતો સંતોષ થતો નહિ. એક વાર કપિલાના પુત્ર મહામુનિ પંચશિખ સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરતાં કરતાં મિથિલામાં આવી પહોંચ્યા.

        તેઓ સંપૂર્ણ સંન્યાસ ધર્મોના જ્ઞાતા અને તત્ત્વજ્ઞાનના નિર્ણયમાં એક નિશ્ચિત સિદ્ધાંતના પોષક હતા. તેમના મનમાં કોઈ સંદેહ ન હતો. ઋષિઓમાં તેમને અદ્વિતીય કહેવામાં આવે છે. સાંખ્યના વિદ્વાન તો તેમને સાક્ષાત પ્રજાપતિ મહર્ષિ કપિલનું જ સ્વરૂપ માનતા હતા. તેમને આસુરિ મુનિના પ્રથમ શિષ્ય અને ચિરંજીવ હોવાનું જણાવવામાં આવે છે. એક સમયે તેમણે મહર્ષિ કપિલના મતને અનુસરનારા મુનિઓની વિશાળ સભામાં જઈને સર્વમાં અંતર્યામીરૂપે રહેલા પરમાર્થસ્વરૂપ વ્યક્ત બ્રહ્મના વિષયમાં નિવેદન કર્યું હતું અને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનો ભેદ સ્પષ્ટ રીતે જાણી લીધો હતો. એટલું જ નહીં, જે એકમાત્ર અક્ષર તેમ જ અવિનાશી બ્રહ્મ નાના રૂપોમાં જોવામાં આવે, તેનું જ્ઞાન પણ આસુરિએ મુનિઓની તે સભામાં પ્રાપ્ત કર્યું. તેમના જ શિષ્ય પંચશિખ હતા કે જેઓ દેવ કોટિના પુરુષ હોવા છતાં પણ માનવીના દૂધથી ઊછર્યા હતા. તેમણે બ્રહ્મમાં નિષ્ઠા ધરાવનારી નૈષ્ઠિકી બુદ્ધિ પ્રાપ્ત કરી હતી. રાજા જનક આચાર્યો પર સમાનભાવથી અનુરક્ત છે એમ જાણીને તેઓ દરબારમાં ગયા. ત્યાં જઈને પોતાનાં યુક્તિયુક્ત વચનોથી સર્વ આચાર્યોને મુગ્ધ કરી દીધા. તે સમયે રાજા જનક પંચશીખનું જ્ઞાન જોઇને તેમના પ્રત્યે આકર્ષાયા અને પોતાના સો આચાર્યોને છોડીને તેમની પાછળ ચાલવા લાગ્યા. આથી પંચશિખ મુનિએ તેમને યોગ્ય અધિકારી માની પરમમોક્ષનો ઉપદેશ આપ્યો; જેનું સાંખ્યશાસ્ત્રમાં વર્ણન છે. તેમણે ‘જાતિનિર્વેદ’ (જન્મ સમયે ગર્ભવાસ આદિને લીધે કષ્ટ થાય છે, તેના પર વિચારવાથી ઉત્પન્ન થતો વૈરાગ) નું વર્ણન કરીને ‘કર્મનિર્વેદ’ (કર્મજનિત કલેશ જુદી જુદી યોનિઓની પ્રાપ્તિ તેમ જ નરકાદિ યાતનાઓનો વિચાર કરીને પાપ તેમ જ કામ્ય કર્મોથી વિરક્ત થવું તે)નો ઉપદેશ કર્યો. પછી ‘સર્વનિર્વેદ’ (આ જગતની નાનામાં નાની વસ્તુ લઈને બ્રહ્મલોક સુધીના ભોગોની ક્ષણભંગુરતા તથા દુઃખનો વિચાર કરીને બધી બાજુએથી વિરક્ત થવું તે) ની વાત કરી.

        તેમણે કહ્યું, “જેને માટે ધર્મનું આચરણ કરવામાં આવે છે, જે કર્મનાં ફળોનો ઉદય થવાથી મળે છે, તે આ લોક કે પરલોકનો ભોગ નશ્વર છે. તેના પર આસ્થા રાખવી ઉચિત નથી. તે મોહરૂપ ચંચલ અને અસ્થિર છે.

        કેટલાક નાસ્તિકો કહેતા હોય છે કે દેહરૂપી આત્માનો વિનાશ પ્રત્યક્ષ જોવામાં આવી રહ્યો છે, સમગ્ર લોક તેનો સાક્ષી છે, છતાં પણ જો કોઈ શાસ્ત્રના પ્રમાણની ઓથ લઈને દેહથી ભિન્ન આત્માના અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે તે હારેલો છે; કારણ કે તેનું કથન લોકના અનુભવથી વિરુદ્ધ છે. જે લોકો આત્માને દેહથી ભિન્ન માને છે, તેમની તે માન્યતા અસત્ય છે. શાસ્ત્રોનો આધાર લઈને એમ માની લેવામાં આવે કે શરીરથી ભિન્ન કોઈ અજર-અમર આત્મા છે કે જે સ્વર્ગ આદિ લોકમાં દિવ્ય સુખ ભોગવે છે; ત્યારે તો રાજાને અજરઅમર કહેનારા બંદીજનોની વાત પણ બરાબર છે એમ માનવી પડશે. તેઓ પણ આશીર્વાદના ભાવમાં રાજાને એવું કહે છે, જે ઔપચારિકતા માત્ર છે. શાસ્ત્રોનું આ વચન પણ એવું જ છે.

        નીરોગી શરીરને જ અજર-અમર અને અહીંના પ્રત્યક્ષ સુખભોગને જ સ્વર્ગીય સુખ કહેવામાં આવેલ છે. નાસ્તિકોના માટે શરીરથી ભિન્ન જીવનું અસ્તિત્વ નથી. જેવી રીતે વડના બીજમાં પત્ર, પુષ્પ, ફળ, મૂળ અને ત્યાચા આદિ રહેલાં હોય છે; જેવી રીતે ગાયે ખાધેલા ઘાસમાંથી ઘી, દૂધ વેગેરે પ્રકટ થાય છે, તેવી જ રીતે વીર્યથી જ શરીર આદિની સાથે ચેતના પણ પ્રકટ થાય છે.

        નાસ્તિકોની આ વિચારધારાનું હું ખંડન કરું છું. મરેલા શરીરમાં ચેતનાનું જે અતિક્રમણ જોવામાં આવે છે, તે ન દેહથી અતિરિક્ત આત્માના અસ્તિત્વનું પ્રમાણ છે. જો ચેતનતા દેહનો જ ધર્મ હોત તો મૃત શરીરમાં પણ તેની ઉપલબ્ધી હોત. મૃત્યુ થઇ ગયા પછી થોડા સમય સુધી શરીર તો રહે છે, પણ તેનામાં ચૈતન્ય હોતું નથી, તેથી ચેતન આત્મા શરીરથી ભિન્ન છે-એવું સિદ્ધ થાય છે. શરીરના મૃત્યુ સાથે આત્માનું પણ મૃત્યુ માની લેવામાં આવે, તો પછી તેણે કરેલાં કર્મોનો પણ નાશ માનવો પડશે; ને એમ થાય તો તેનાં શુભાશુભ કર્મોનું ફળ ભોગવનારું કોઈ નહીં રહે ને દેહની ઉત્પત્તિમાં અકૃતાભ્યાગમ માનવાનો પ્રસંગ ઊભો થશે. આ બધાં પ્રમાણોથી એવું સિદ્ધ થાય છે કે દેહથી અતિરિક્ત ચેતન આત્માનું અસ્તિત્વ અવશ્ય છે.

        આત્માનું અસ્તિત્વ માનવામાં ન આવે તો જીવનનિર્વાહ થઇ શકશેનહીં. દાન, ધર્મના ફલની પ્રાપ્તિ માટે કોઈ આસ્થા રહેશે નહીં; કારણ કે વૈદિક શબ્દ તથા લૌકિક વ્યવહાર વગેરે સર્વ કંઈ આત્માને જ સુખ આપવા માટે છે. કેટલાંક શુષ્ક હૃદયવાળાં મનુષ્યો અત્યંત સુખ આપનારા વિષયોની લિપ્સા રાખે છે; પરંતુ તે લિપ્સામાં તેમને દારુણ દુઃખોનો જ સામનો કરવો પડે છે ને અંતે તેઓ ભોગોનો ત્યાગ કરી મૃત્યુના ભોગ બને છે.

        જે એક દિવસ નાશ પામનારું છે, જેના જીવનનો કોઈ ભરોસો નથી એવા અનિત્ય શરીરને પ્રાપ્ત કરીને સગાં-વહાલાં, ભાઈ-ભાંડુઓ, સ્ત્રી-પુત્રાદિથી શો લાભ છે? આવો વિચાર કરીને જે મનુષ્ય આ બધાંને પળવારમાં વૈરાગ્યપૂર્વક છોડી દઈને ચાલવા માંડે છે, તેને મૃત્યુ પછી ફરી જન્મ લેવો પડતો નથી. જે એક દિવસ મૃત્યુના મુખમાં જી પડવાનું છે, એવા શરીરથી સુખ કેવું?”

        પંચસુખ ફરી બોલ્યા, “રાજન, હવે હું તે પરમ ઉત્તમ સાંખ્યશાસ્ત્રનું વર્ણન કરું છું, તેમાં ત્યાગની પ્રધાનતા છે. તેનો ઉપદેશ તમારા મોક્ષમાં સહાયક થશે. જે મનુષ્યો મુક્તિ માટે પ્રયત્નશીલ હોય તેમણે સકામ કર્મ અને ધન આદિનો ત્યાગ કરવો. જેઓ ત્યાગ કર્યા વિના વ્યર્થ જ વિનીત (શમ-દમાદિ સાધનોમાં તત્પર) હોવાનો દાવો કરે છે, તેમને દુઃખ આપનારા અવિદ્યારૂપ કલેશ પ્રાપ્ત થતા રહે છે. શાસ્ત્રોમાં દ્રવ્યનો ત્યાગ કરવા માટે યજ્ઞ આદિ કર્મ, ભોગનો ત્યાગ કરવા માટે વ્રત, દૈહિક સુખોનો ત્યાગ કરવા માટે તપ અને સર્વ કંઈ ત્યાગ માટે યોગના અનુષ્ઠાનની આજ્ઞા આપવામાં આવી છે. આ જ ત્યાગની સીમા છે.

        છઠ્ઠા મન સહિત પાંચ જ્ઞાનેન્દ્રિયો જણાવવામાં આવી છે. એમની સ્થિતિ બુદ્ધિમાં છે. એમનું વર્ણન કરીને પાંચ કર્મેન્દ્રિયોનું નિરૂપણ કરું છે. બંને હાથ કામ કરનારી ઇન્દ્રિય છે. બંને પગ ચાલવા ફરવાનું કામ કરનારી ઇન્દ્રિયો છે. લિંગ મૈથુનજન્ય સુખ આપવા માટે તથા સંતાનોત્પત્તી હેતુ માટે છે. ગુદ નામક ઇન્દ્રિયનું કાર્ય મળત્યાગ કરવાનું છે. વાકેન્દ્રીય શબ્દવિશેષનું ઉચ્ચારણ કરવા માટે છે. મનને આ પાંચેથી સંયુક્ત માનવામાં આવેલ છે. આ પ્રમાણે પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય તથા મન મળીને અગિયાર ઇન્દ્રિયો છે. આ સર્વને મનરૂપ જાણીને બુદ્ધિ દ્વારા શીઘ્ર એમનો ત્યાગ કરી દેવો. શ્રવણકાળમાં શ્રોત્રરૂપી ઇન્દ્રિય, શબ્દરૂપી વિષય અને ચિત્તરૂપી કર્તા-આ ત્રણનો સંયોગ થાય છે. આ જ પ્રમાણે સ્પર્શ, રૂપ, રસ તથા ગંધના અનુભવકાળમાં પણ ઇન્દ્રિય, વિષય અને મનનો સંયોગ અપેક્ષિત છે. આ પ્રમાણે ત્રણ ત્રણના પાંચ સમુદાય છે. આ સર્વને ગુણ કહેવામાં આવે છે. એમના વડે શબ્દાદિ વિષયોનું ગ્રહણ થાય છે અને તેથી જ કર્તા, કર્મ અને કરણરૂપ ત્રિવિધ ભાવ એક પછી એક ઉપસ્થિત થાય છે. એમટી દરેકના સાત્વિક, રાજસ અને તામસ-એમ ત્રણ પ્રકારના ભેદ હોય છે.

        જે મનુષ્ય મોક્ષવિદ્યાને જાણ્યા પછી સાવધાનતાથી આત્મતત્વનું અનુસંધાન કરે છે, તે કર્મનાં અનિષ્ટ ફળથી ક્યારેય લેપાતો નથી. સંતાનો પ્રત્યેની આસક્તિ અને ભિન્ન ભિન્ન દેવતાઓ માટે સકામ યજ્ઞોનું અનુષ્ઠાન-મનુષ્ય માટે દૃઢ બંધન છે. જયારે તે આ બંધનોથી છુટીને સુખદુઃખની ચિંતા છોડી દે છે, તે સમયે તે સર્વશ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરી લે છે

        શ્રુતિનાં મહાવાક્યોનો વિચાર અને શાસ્ત્રમાં કહેલાં મંગલમય સાધનોનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય જરા તથા મૃત્યુના ભયથી રહિત થઈને સુખપૂર્વક રહે છે, જયારે પુણ્ય અને પાપનો ક્ષય તથા તેમનાથી પ્રાપ્ત થનારાં સુખદુઃખાદિ ફળોનો નાશ થઇ જાય છે, તે સમયે સર્વ વસ્તુઓની આસક્તિથી રહિત પુરુષ આકાશના જેવા નિર્લેપ તેમ જ નિર્ગુણ આત્માનો સાક્ષાત્કાર કરી લે છે.”

        “આચાર્ય પંચશીખે ઉપદેશેલા આ અમૃતમય જ્ઞાનને સાંભળીને રાજા જનકે તેના ઉપર પૂર્ણ વિચાર કર્યો અને એક ચોક્કસ સિદ્ધાંત પર પહોંચી ગયા અને શોકરહિત થઈને સુખપૂર્વક રહેવા લાગ્યા. મહામુનિ નારદ આ અધ્યાયમાં મોક્ષતત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે સદા એનો સ્વાધ્યાય અને ચિંતન કરતો રહે છે, તે દુઃખથી તથા શોકથી રહિત થઈને ક્યારેય કોઈ પણ જાતના ઉપદ્રવનો અનુભવ કરતો નથી.”

ક્રમશ: