Narad Puran - Part 31 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 31

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 31

ભરદ્વાજ બોલ્યા, “આ લોક કરતાં ઉત્તમ એક બીજો લોક અર્થાત પ્રદેશ છે, એમ સંભળાય છે, પણ તે જાણવામાં આવ્યો નથી. તો આપ કૃપા કરીને તે વિષયમાં કહો.”

        ભૃગુએ કહ્યું, “ઉત્તરમાં હિમાલય પાસે સર્વગુણસંપન્ન પુણ્યમય પ્રદેશ છે. તેને જ ઉત્તમ લોક કહેવામાં આવે છે. ત્યાંના મનુષ્યો પાપકર્મથી રહિત, પવિત્ર, અત્યંત નિર્મળ, લોભ-મોહથી શૂન્ય તથા ઉપદ્રવરહિત છે. ત્યાં સાત્વિક શુભ ગુણ હોવાનું કહેવામાં આવ્યું છે. ત્યાં યોગ્ય સમયે જ મૃત્યુ થાય છે (અકાળે મૃત્યુ થતું નથી). ત્યાંના મનુષ્યોને રોગ સ્પર્શતો નથી. ત્યાં કોઈના મનમાં પારકી સ્ત્રી માટે લોભ હોતો નથી. તે દેશમાં ધન માટે બીજાંઓનો વધ કરવામાં આવતો નથી. ત્યાં કરેલા કર્મનું ફળ પ્રત્યક્ષ મળે છે.

        જયારે આ લોકમાં તો કોઈકની પાસે જ જીવનનિર્વાહ માટે સર્વ વસ્તુઓ સુલભ છે ને બીજ ઘણાંઓ ભારે કષ્ટ અને પરિશ્રમથી જીવિકા ચલાવે છે. અહીં કેટલાક લોકો શઠ છે, તેથી શઠતા કરે છે; કોઈ ધનવાન છે, કોઈ નિર્ધન છે. અહીં આ લોકમાં પરિશ્રમ, ભય, મોહ અને તીવ્ર ક્ષુધાનું કષ્ટ પ્રાપ્ત થાય છે. મનુષ્યોના મનમાં ધન માટે લોભ લાગેલો રહે છે, જેથી અજ્ઞાની મનુષ્યો મોહિત થાય છે.  કપટ, શઠતા, ચોરી, પરનિંદા, દોષદૃષ્ટિ, બીજો પર ઘા કરવો, હિંસા, ચાડી-ચૂગલી તથા મિથ્યાભિમાન-આ દુર્ગુણોનું સેવન કરનારની તપશ્ચર્યા નષ્ટ થાય છે. આ લોકમાં ધર્મ અને અધર્મ સંબંધી કર્મ માટે નાના પ્રકારની ચિંતા કરવી પડે છે. અહીં શુભ અને અશુભ કર્મ કરીને મનુષ્ય તે પ્રકારનું ફળ પામે છે. પૂર્વકાળમાં અહીં પ્રજાપતિ બ્રહ્મા, બીજા દેવતાઓ તથા મહર્ષિઓએ યજ્ઞ અને તપશ્ચર્યા કરીને પવિત્ર બ્રહ્મલોક પ્રાપ્ત કર્યો છે. પૃથ્વીનો ઉત્તર તરફનો ભાગ સર્વથી પવિત્ર અને શુભ છે. અહીં પુણ્યકર્મ કરનારાં મનુષ્યો જો સત્કામ ઈચ્છતા હોય તો તેઓ પૃથ્વીના તે ભાગમાં જન્મ પામે છે; બીજો ક્ષીણ આયુષ્યવાળા થઈને અહીં ભૂમિતળ પર જ નષ્ટ થઇ જાય છે. લોભ અને મોહમાં ડૂબેલા મનુષ્યો અહીં જ જન્મ અને મૃત્યુ પામતા રહે છે.”

        ભરદ્વાજે પૂછ્યું, “હે તપોધન, પુરુષના શરીરમાં અધ્યાત્મ નામથી જે વસ્તુનું ચિંતન કરવામાં આવે છે. તે અધ્યાત્મ શું છે અને કેવું છે? તે મને કહો.”

        ભૃગુ બોલ્યા, “બ્રહ્મર્ષિ, જે અધ્યાત્મના વિષયમાં તમે પૂછી રહ્યા છો, તે કહું છું. તે અતિ કલ્યાણકારી સુખ સ્વરૂપ છે. સર્વ પ્રાણીઓનું હિત એ જ અધ્યાત્મજ્ઞાનનું ફળ છે. પૃથ્વી, વાયુ, આકાશ, જળ અને તેજ-આ પાંચ મહાભૂત છે. તે સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ અને લયનાં સ્થાન છે. જે ભૂત જેમાંથી ઉત્પન્ન થાય છે, તે તેમાં જ ફરીથી લીન થઇ જાય છે. જેવી રીતે કાચબો પોતાના અંગોનો વિસ્તાર કરીને પછી તેમણે સંકોચી લે છે, તેવી જ રીતે ભૂતાત્મા પરમેશ્વર પોતાનાં રચેલાં ભૂતોને પોતામાં લીન કરે છે. મહાભૂત પાંચ જ છે. પરમેશ્વરે સર્વ પ્રાણીઓમાં તે જ પાંચ ભૂતોને સારી પેઠે નિયુક્ત કર્યાં છે; પરંતુ જીવ પરમાત્માને જોતો નથી.

        શબ્દ, કાન અને શરીરનાં છિદ્ર-આ ત્રણેય આકાશથી પ્રગટ થયેલાં છે. સ્પર્શ, ચેષ્ટા અને ત્વચા- આ ત્રણ વાયુનાં કાર્ય છે. રૂપ, નેત્ર અને પાક-આ ત્રણ તેજનાં કાર્ય છે. રસ, ક્લેદ (ભીનાશ) અને જીવ્હા- આ ત્રણ જળના ગુણ કહ્યા છે. ગંધ, નાસિકા અને શરીર-આ ત્રણ ભૂમિનાં કાર્ય છે. ઇન્દ્રિયરૂપે પાંચ જ મહાભૂત છે અને છઠ્ઠું મન છે. બુદ્ધિને સાતમું તત્ત્વ કહ્યું છે. ક્ષેત્રજ્ઞ આઠમો છે. કાન સાંભળવા માટે અને ત્વચા સ્પર્શનો અનુભવ કરવા માટે છે. રસનું આસ્વાદન કરવા માટે રસના (જીવ્હા) અમે ગંધ ગ્રહણ કરવા માટે નાસિકા છે. નેત્રનું કામ જોવાનું છે. મન સંદેહ કરે છે. બુદ્ધિ નિશ્ચય કરવા માટે છે અને ક્ષેત્રજ્ઞ સાક્ષીની જેમ સ્થિત છે. બંને પગ અને માથા સુધી-નીચે ઉપર જે કંઈ પણ છે, તે સર્વને ક્ષેત્રજ્ઞ જ જુએ છે. ક્ષેત્રજ્ઞ (આત્મા) વ્યાપક છે. એણે આ સમસ્ત શરીરને અંદર અને બહારથી વ્યાપ્ત કરી રાખ્યું છે. પુરુષ જ્ઞાતા અને સર્વ ઇન્દ્રિયો તેને માટે જ્ઞેય છે. તમ, રાજ અને સત્વ-આ સર્વ ભાવ પુરુષને આશ્રિત છે. જે મનુષ્ય અધ્યાત્મજ્ઞાનને જાણી લે છે, તે ભૂતોના આવાગમનનો વિચાર કરીને ધીરે ધીરે ઉત્તમ શાંતિ પ્રાપ્ત કરે છે.

પુરુષ જેનાથી જુએ છે, તે નેત્ર છે; જેના દ્વારા સાંભળે છે તે શ્રોત્ર (કાન) છે; જેના વડે સૂંઘે છે તે ઘ્રાણ (નાસિકા) છે, તે જિવ્હાથી રસનો અનુભવ કરે છે, ત્વચાથી સ્પર્શને જાણે છે, બુદ્ધિ સદા જ્ઞાન ઉત્પન્ન કરાવે છે અથવા નિશ્ચય કરાવે છે. પુરુષ જેનાથી કામના કરે છે, તે મન છે. બુદ્ધિ આ સર્વનું અધિષ્ઠાન છે. પાંચ વિષય અને પાંચ ઇન્દ્રિયો તેનાથી પૃથક હોવાનું કહેવામાં આવ્યું છે. આ સર્વનો અધિષ્ઠાતા ચેતન ક્ષેત્રજ્ઞ એમને દેખાતો નથી.

સત્વ, રાજ અને તમ-આ ત્રણે ગુણ સદા પ્રાણીઓમાં રહેલા હોય છે, તેથી સર્વ પ્રાણીઓમાં તે ત્રણેયની અનુભૂતી જોવામાં આવે છે. તમારા શરીર અથવા મનમાં જે કંઈ પ્રસન્નતાથી સંયુક્ત છે, તે સર્વ સાત્વિક ભાવ છે. જે કંઈ પણ દુઃખથી સંયુક્ત અને મનને અપ્રસન્ન કરનારું છે, તેને રજોગુણનો પ્રકાશ સમજવો. આ સિવાય જે કંઈ મોહથી સંયુક્ત હોય ને તેનો આધાર વ્યક્ત ન હોય તેમ જ જે જ્ઞાનમાં ન આવતું હોય, તે તમોગુણ છે એમ જાણવું. હર્ષ, પ્રીતિ, આનંદ, સુખ અને ચિત્તની શાંતિ-આ ભાવો સત્વગુણ છે. અસંતોષ, પરિતાપ, શોક, લોભ, અસહિષ્ણુતા આ રજોગુણનાં ચિન્હો છે. અપમાન, મોહ, પ્રમાદ, સ્વપ્ન, તંદ્રા આદિભાવ તમોગુણનાં ભિન્ન ભિન્ન કાર્ય છે.

બુદ્ધિ અને ક્ષેત્રજ્ઞ બંને સૂક્ષ્મ છે. જેને આ બંનેનું અંતર સમજાઈ જાય છે, તે પણ આ લોકમાં સુખનો ભોક્તા થાય છે. સત્વ આદિ ગુણો આત્માને જાણતા નથી. પરંતુ આત્મા સર્વ ગુણોને જાણે છે. જો કે ક્ષેત્રજ્ઞ કેવલ ગુણોનો દ્રષ્ટા છે, તોપણ બુદ્ધિના સંસર્ગથી તે પોતાને તેમનો સ્રષ્ટા માને છે. આ પ્રમાણે બુદ્ધિ અને આત્માનો સંયોગ થયો છે; પરંતુ તેમનો વિયોગ નિશ્ચિત છે.

જયારે બુદ્ધિ મન દ્વારા ઇન્દ્રિયરૂપી ઘોડાની લગામ ખેંચે છે અને તેને સારી પેઠે કાબૂમાં રાખે છે, તે સમયે આત્મા પ્રકાશિત થવા માંડે છે. જેમ જળચર પક્ષી જળથી લેપાતું નથી, તેવી જ રીતે શુદ્ધબુદ્ધિ પુરુષ લેપાતો નથી. તે સર્વ પ્રાણીઓ વિષે અનાસક્ત ભાવથી રહે છે. તેણે હર્ષ શોકથી રહિત થઈને સર્વ અવસ્થાઓમાં સમ રહેવું. ઈર્ષ્યા અને શોક તેમ જ દ્વેષનો તેણે ત્યાગ કરવો. બુદ્ધિ અને ચેતનની એકતા જ હૃદયની સુદૃઢ ગ્રંથી છે. એને ઉકેલીને બુદ્ધિમાન પુરુષે સુખી થવું અને સંશયનો ઉચ્છેદન કરીને શોકનો ત્યાગ કરવો.

આ પ્રમાણે જે મનુષ્યો આ ઉત્તમ અધ્યાત્મજ્ઞાનને જાણે છે, તેઓ કેવલ્યને પ્રાપ્ત થાય છે. જેમનું અંત:કરણ પવિત્ર નથી, તેવાં માણસો ભિન્ન ભિન્ન વિષયો ભણી પ્રવૃત્ત થયેલી ઇન્દ્રિયોમાં જો જુદા જુદા આત્માની ખોજ કરવા ચાહે, તો તેમને આ પ્રમાણે આત્માનો સાક્ષાત્કાર થતો નથી. ફળની ઈચ્છા અને આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરનારો પુરુષ પોતાના પૂર્વકૃત કર્મબંધનને બાળી નાખે છે.  આવા પુરુષ વડે કરાયેલું કર્મ પ્રિય અથવા અપ્રિય ફળ ઉત્પન્ન કરી શકતું નથી. લોકોને પીડવાના કર્મમાં લાગેલા પુરુષનું તે અશુભ કર્મ તેના માટે અશુભ ફળ જ ઉત્પન્ન કરે છે.”

ભરદ્વાજ બોલ્યા, “બ્રહ્મન, મને અભયપદની સિદ્ધિ માટે ધ્યાનયોગ જણાવો; જે તત્વને જાણ્યા પછી મનુષ્ય આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક ત્રણે તાપોથી મુક્ત થઇ જાય છે; તેનો મને ઉપદેશ આપો.”

ભૃગુ બોલ્યા, “મુને, હું તમને ધ્યાનયોગ જણાવું છું, જેને જાણ્યા પછી મહર્ષિઓ આ જગતમાં શાશ્વત સિદ્ધિને પામે છે. અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલા મનને ધ્યાન દ્વારા એકાગ્ર કરીને ધ્યેયવસ્તુમાં સ્થિર અને સ્થિત કરવું. ઇન્દ્રિય સમુદાયને બધી બાજુએથી ખેંચી લઈને ધ્યાનયોગી મુનિએ કાષ્ઠની જેમ સ્થિત થવું. પાંચે વિષયો પાંચે ઇન્દ્રિયોને મથી નાખનારા છે. તત્ત્વવેત્તા પુરુષે પાંચ ઇન્દ્રિયોને મનમાં લીન કરીને પાંચે ઇન્દ્રિયો સહિત આમતેમ ભટકનારા મનને ધ્યેયવસ્તુમાં એકાગ્ર કરવું. મન ચારેબાજુ ફરનારું છે. તેનો કોઈ દૃઢ આધાર નથી. પાંચે ઇન્દ્રિયોનાં દ્વાર તેને નીકળવાનો માર્ગ છે. ધીર પુરુષે પૂર્વોક્ત ધ્યાનના સાધનમાં ઝડપથી મનને એકાગ્ર કરવું, જયારે તે ઇન્દ્રિય અને મનને પોતાના વશમાં કરી લે છે, ત્યારે તેનું પૂર્વોક્ત ધ્યાન સિદ્ધ થઇ જાય છે.

એ પછી વશમાં આણેલું મન સહિત ઇન્દ્રિય વર્ગ વાદળમાં વીજળી ઝબૂકે તેમ ફરીથી મોકો મળતાં સ્ફુરિત થઇ છે. પાંદડાં પર પડેલું જળનું ટીપું ચંચળ અને અસ્થિર હોય છે, તેવી જ રીતે પ્રથમ ધ્યાનમાર્ગમાં સાધકનું ચિત્ત પણ ચંચળ હોય છે. સાધકે તેથી કંટાળી જવું નથી. તેણે કલેશ, ચિંતા, ઈર્ષ્યા અને આળસનો ત્યાગ કરીને ફરીથી ચિત્તને એકાગ્ર કરવું. શરૂઆતમાં વિચાર, વિતર્ક તેમ જ વિવેકનું ઉત્પત્તિ થાય છે. મન ઉદ્વિગ્ન થતાં તેનું સમાધાન કરવું. ધ્યાનયોગીએ કયારેય તેનાથી ખિન્ન અને ઉદાસીન ન થવું. ઇન્દ્રિયોને ધીરે ધીરે શાંત કરવાનો પ્રયત્ન કરવો. આમ કરવાથી એમની પૂર્ણરૂપે તેમની શાંતિ થઇ જશે. હે મુનીશ્વર પ્રથમ ધ્યાનમાર્ગમાં પાંચે ઇન્દ્રિયો અને મનને સ્થાપિત કરીને નિત્ય અભ્યાસ કરવાથી એ આપમેળે જ શાંત થઇ જાય છે. આ પ્રમાણે ધ્યાનનો અભ્યાસ કરનારા યોગીજન નિરામય મોક્ષને પ્રાપ્ત થાય છે.”

સનંદન બોલ્યા, “બ્રહ્મન, મહર્ષિ ભૃગુએ આ પ્રમાણે કહેવાથી પરમ ધર્માત્મા તેમ જ પ્રતાપી ભરદ્વાજ મુનિ આનંદિત થયા અને તેમણે ભૃગુની ભારે પ્રશંસા કરી. આ પ્રમાણે જગતના સર્જન વિષે સર્વ કંઈ કહ્યું. બીજું તમે શું સાંભળવા ઈચ્છો છો?”

ક્રમશ: