Garuda Purana - 17 in Gujarati Spiritual Stories by MB (Official) books and stories PDF | ગરુડ પુરાણ - ભાગ 17

Featured Books
Categories
Share

ગરુડ પુરાણ - ભાગ 17

સત્તરમો અધ્યાય

વિષ્ણુ માહાત્મ્ય અને સ્તોત્ર પછી હવે હું તમને ભક્તિ કીર્તનના મહત્ત્વના વિષયમાં બતાવું છું કેમ કે ભક્તિ દ્વારા બદું જ પ્રાપ્ત કરી શકાય છે. ભક્તિથી ભગવાન જેટલા પ્રસન્ન થાય છે એટલા અન્ય કોઈ ભાવથી નથી. મનુષ્યને જોઈએ કે તે નિયમિત રૃપથી હરિનું સ્મરણ કરે અને ભક્તિના સાધનોથી ભક્તિ કરે. મનુષ્યને જોઈએ તે પોતાના ભાવના આવેશમાં મગ્ન થઈને ભગવાનનું કીર્તન કરે.

આ સંસારમાં ભગવાનના બંને ચરણ જ્ઞાન પ્રદાન કરવાવાળા છે. અને ભગવાનના ભક્ત જે પરમ શ્રદ્ધાથી વિષ્ણુનું નામ લે છે તે વૈષ્ણવ છે. કીર્તન અને ગુણ શ્રવણ કરવાથી ભક્તિનો ભાવ પૂરો થાય છે.

એનો અર્થ એ છે કે ફક્ત ભગવાનની કથા સાંભળવાથી ફળ નથી મળતું. ભગવાન પ્રત્યે પ્રેમ અને ભક્તિનું હોવું પણ જરૃરી છે. જે સર્વાત્મ સ્વરૃપ ભક્તિ ભાવથી પોતાના ભાવનું નિવેદન ભગવાનના પ્રત્યે કરે છે તે શુદ્ધ ભાગવત હોય છે અને એર્ચના કરીને પરમ પદને પ્રાપ્ત કરે છે.

ભગવાનની ભક્તિ આઠ પ્રકારની હોય છે. જો કોઈ મ્લેચ્છ વ્યક્તિ પણ ભગવાનની ભક્તિ કરે છે તો તે પણ બ્રાહ્મણની જેમ મુક્તિને પ્રાપ્ત થાય છે. ભક્તિ કરવાવાળા વ્યક્તિ ચાહે ચાંડાલ જ કેમ ન હોય, એના પર પણ ભગવાન ખુશ થઈ જાય છે. કેમ કે જ્યારે તે કહી દે છે કે હું તારો છું તો એના પર ભગવાનની કૃપા આપમેળે થઈ જાય છે.

વિષ્ણુની ભક્તિથી એટલું જ ફળ મળે છે જેટલું સહસ્ત્રો મંત્રો દ્વારા યજ્ઞ કરવાથી અને વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી. સતત એકાંતમાં ભજન સ્મરણ અને કીર્તન કરવાવાળઆ વ્યક્તિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોય છે.

સાચ્ચો ભક્ત આપત્તિના સમયમાં પણ ભગવાનની ભક્તિને નથી છોડતા. એની વૃત્તિ ભગવાનને છોડીને કોઈ બીજામાં નથી રમતી. એની દૃઢતા અખંડ રહે છે. મનુષ્યોમાં તે વ્યક્તિ અધર્મી થાય છે, જે સર્વેશ્વરમાં ભક્તિ નથી રાખતો.

વેદ-શાસ્ત્રોનું પઠન કરવાવાળો વ્યક્તિ પણ જ્યાં સુધી ભગવાન વિષ્ણુની ભક્ત નિથી કરતા ત્યાં સુધી એને પરમ પદ પ્રાપ્ત નથી થતું. ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભક્તિ મુખ્ય આધાર છે. વિષ્ણુના ભક્ત પ્રત્યેક લોકમાં પોતાના અશુદ્ધ આચરણથી મુક્તિ મેળવીને પરમ પદને પ્રાપ્ત થાય છે.

જ્યારે મનુષ્ય ભગવાનની કૃપાથી જ એની ભક્તિ કરે છે તો એનો સંસારથી ઉદ્ધાર થઈ જાય છે. ભગવાનનું નામ લેવાથી જે સહજ જ રોમાંચિત થઈ ઉઠે છે તે પરમ પદને પ્રાપ્ત કરે છે.

યમરાજને જાણ છે કે જે વૈષ્ણવ ભક્ત છે એમને એમના અનેક દૂત ક્યારેય નથી છંછેડતા. ભક્તિના પહેલાં જો કોઈ મનુષ્યએ કોઈ દુરાચરણ પણ કર્યું હોય તો તે ભક્તિના પ્રતાપથી પાપમુક્ત થઈ જાય છે. ભગવાનની અનન્ય ભાવથી ભક્તિ કરવાવાળા વ્યક્તિ ધર્માત્મા હોય છે. અને પોતાના સત્કર્મોના ફળને પ્રાપ્ત કરે છે. સાર એ છે કે વિષ્ણુ ભક્તનો ક્યારેય નાશ નથી થતો.

ભગવાનની ભક્તિથી ધર્મ, અર્થ અને કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાનની ભક્તિને પોતાના મનમાં ધારણ કરવાવાળા મનુષ્ય મોક્ષના અધિકારી થઈ જાય છે. ભગવાન હરિની માયા ત્રિગુણાત્મિકા છે, એને જાણી લેવી અને ત્યાગવી બંને જ ખૂબ જ મુશ્કેલ છે. જે મનુષ્ય આ ત્રણ ગુણવાળી માયાને જાણી લે છે તેઓ હરિની શરણથી માયાથી પાર થઈ જાય છે. આ સંસારમાં એ જ ભક્તોનું કલ્યાણ થાય છે જે ભગવાનની પૂજા કરે છે અને ભક્તિભાવથી એમનું સ્મરણ કરે છે.

અનેક દાનો દ્વારા ભગવાનને એટલો સંતોષ નથી થતો જેટલો કે શુદ્ધ આત્માથી કરવામાં આવેલી ભક્તિથી ખુશ થાય છે. ભક્તોની સાથે સમાગમ અને સત્સંગ ભગવાનની ભક્તિનો એક આધાર છે. આ આખો સંસાર ઝેરથી ભરેલા ઘડાની સમાન છે. એમાં ભગવાનના ભક્તોની સંગતિ જ રક્ષા કરે છે. સત્પુરુષ અને સત્પુરુષોની સંગતિ ભક્તિભાવને વ્યાપક કરે છે.

જે પરિવારમાં કોઈ વૈષ્ણવ ભક્ત પેદા નથી થતો એ પરિવારના પિતૃગણ ઉપેક્ષિત રહે છે અને જ્યાં વિષ્ણુ ભક્ત હોય છે ત્યાંના પિતૃગણ ખૂબ જ પ્રસન્ન રહે છે.

અજ્ઞાની પુરુષ ભગવાન વિષ્ણુની ભક્તિથી દેવલોકમાં પહોંચી જાય છે. અનેક મહાપાપી પોતાના અંત સમયમાં ભગવાનના સ્મરણથી પરમ ગતિને પ્રાપ્ત થયા. ભગવાનનું ચિંતન કરતા-કરતા મનુષ્યને જોઈએ કે તે જગતના સાક્ષી સ્વરૃપ ભગવાનને જ પોતાનું બધું અર્પિત કરે.

આ પ્રકારે મેં તમને ભગવાન જનાર્દનના સ્વરૃપને બતાવીને એમના માહાત્મ્ય અને પ્રભાવનું વર્ણન કરી દીધું છે. આ હંમેશાં યાદ રાખવું જોઈએ કે પરમ તત્ત્વ ભગવાન જ હંમેશાં ચિંતનીય છે અને જ્ઞાનના સ્વરૃપ છે અને એમની ભક્તિ વિશુદ્ધ અને વિમલ હૃદયમાં રહે છે.

ભગવાન વિષ્ણુની ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ પાપોને નષ્ટ કરીને આવાગમનથી છુટકારો મેળવવાનો મૂળ આધાર પણ ભગવાન વિષ્ણુની ભક્તિમાં છે. જે મનુષ્ય સંસારમાં સુખની કામના કરે છે અને સંતોષને મેળવવા ઇચ્છે છે એને જોઈએ કે પોતાના સંપૂર્ણ કર્મોને ભગવાનને સમર્પિત કરીને એમનું પૂજન અને અર્ચના કરીને જીવન યાપન કરે.

શુદ્ધ સ્વરૃપ સંપૂર્ણ સંસારની રચના કરવાવાળા વિનાશને કારણે ભગવાન વાસુદેવ સર્વાધાર છે. જીવન-મરણના કાર્ય-કારણ અને મોક્ષના આધાર ભગવાન વિષ્ણુ જ છે.

ભગવાને ગરુડજીના પૂછવા પર કહ્યું કે ધર્મનો સાર અત્યંત મુશ્કેલ છે, પરંતુ આ પાપોને દૂર કરવાવાળો અને મુક્તિદાતા છે. કોઈ તત્ત્વ પ્રત્યે દુઃખનો અનુભવ કરવો- ધર્મ, બળ અને શ્રુતિનો નાશ કરવાવાળો થાય છે. તેથી મનુષ્યએ શોકનો પરિત્યાગ કરવો જોઈએ. મનુષ્યના બંધુ-બાંધવ, પતિ-પત્ની બધું જ કર્મ જ છે. દાન જ રાજ્ય અને સ્વર્ગ છે, તેથી દાન જરૃર કરવું જોઈએ. દાન કરવાથી મનુષ્યના પ્રાણોની રક્ષા થાય છે. જે મનુષ્ય બ્રહ્મચર્યનું પાલન, તપ, યજ્ઞને ત્યાગી દે છે તેઓ નરકના દ્વાર પર જાય છે. અને જે યજ્ઞ કરે છે, દેવોની અર્ચના-વંદન કરે છે અને સત્કર્મોમાં જ પોતાનું મન લગાવે છે-તેઓ સ્વર્ગ જાય છે.

કોઈ પણ વ્યક્તિ કોઈ મનુષ્યને ના સુખ-દુઃખ આપી શકે છે, ના એનો નાશ કરી શકે છે. સુખ-દુઃક આપવાવાળા નાશક ફક્ત કર્મ છે. પ્રત્યેક મનુષ્ય પોતાના કરેલા કર્મો અનુસાર જ સુખ-દુઃખ ભોગવે છે. જે મનુષ્ય ધર્મનું આચરણ કરે છે તે દુઃખોનો નાશ કરી દે છે.

મનુષ્યના જીવનમાં લોભ અને ક્રોધ એને સંકટમાં નાખે છે. લોભથી મોહ માયા ઉત્પન્ન થાય છે. લોભથી જ દ્રોહ જન્મ લે છે. લોભ મનુષ્યનો સૌથી મોટો દોષ છે- એનાથી માયા, મત્સર, અભિમાન પેદા થાય છે. એનાથી દૂર રહેવાવાળા મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે. લોભથી રહિત, કામ-ક્રોધથી હીન વ્યક્તિ પરમ પદને પ્રાપ્ત કરે છે. ધર્મથી પરિપૂર્ણ પુરુષની પૂજા તો દેવ, ગંધર્વ પણ કરે છે.

મનુષ્યનો પરમ શ્રેય ત્રણ સ્થિતિઓમાં રહે છે.

૧. પ્રાણીઓ પર દયા કરવી.

૨. ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી.

૩. બધા પ્રાણીઓમાં અનિત્યતાની ધારણા રાખવી.

જે મનુષ્ય મૃત્યુને જાણીને પણ ધર્મનું આચરણ નથી કરતો એનું હોવું, દૂધહીન બકરીના ગળાના થનની સમાન હોય છે. જે પુરુષ દાની હોય છે, તે ભ્રૂણહત્યા, પરસ્ત્રી ગમન, પિતાનો વિધ, ગૌહત્યા, બ્રાહ્મણ-જેવા પાપોથી પણ છુટકારો મેળવી લે છે.

દાનમાં સર્વશ્રેષ્ઠ દાન કયું છે? આ પૂછવા પર ભગવાને કહ્યું કે ગૌદાન ઉત્તમ દાન છે. જેપુરુષ ન્યાયથી પ્રાપ્ત ગૌ દાન કરે છે, તે પોતાના કુળનો ઉદ્ધાર કરે છે. ગૌદાનના સિવાય અન્નદાનનું મહત્ત્વ પણ વધારે છે. અન્નથી જ સંપૂર્ણ ચરાચર ધારણ કરવામાં આવે છે, અન્નદાન અત્યંત ઉત્તમ દાન છે.

અન્ય મહત્ત્વપૂર્ણ દાનોમાં કેટલાક દાન આ પ્રકારે છે -

૧. કન્યાદાન કરવું.

૨. વૃષનો ઉત્સર્ગ કરવો,

૩. હાથી, ઘોડા, રથનું દાન કરવું.

૪. તીર્થોમાં સંકલ્પથી દાન કરવું.

૫. રક્તદાન.

આ બધા દાન મનુષ્યના જીવનને પરમ તત્ત્વની પ્રાપ્તિમાં સહાયક થાય છે. એની સાથે કેટલાક અન્ય કાર્ય છે જેના ફળ મોક્ષ આપનાર હોય છે.

૧. કૂવો, તળાવ બનાવવા.

૨. બગીચો બનાવવો.

આ બધા કાર્યોથી મનુષ્યની આત્મા સ્વચ્છ થઈ જાય છે. કહેવામાં આવ્યું છે કે તીર્થોનું સેવન તો સમય આવવા પર જ ઉત્તમ ફળ આપે છે, પરંતુ સત્સંગ-સજ્જનોનું સેવન-સમાગમ તરત લાભ આપવાવાળા છે. મનુષ્યએ એ સમજી લેવું જોઈએ કે તપ, દયા, ક્ષમા, સંતોષ, દંભ, સત્ય, જ્ઞાન, શમ, દાન આ બધા મનુષ્યના સનાતન ધર્મ છે. જે મનુષ્ય આ સનાતન ધર્મોનું પાલન કરે છે, એના લોક અને પરલોક સુધરી જાય છે.

ભક્તિભાવથી જે મુનિ સદાચરણનું પાલન કરે છે તે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે. અને એની સાથે સંધ્યા ઉપાસના કરીને જે મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપવાવાળા ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તે પરમ પદને પ્રાપ્ત કરે છે.

ભગવાને કહ્યું કે સતયુગમાં ધર્મના ચાર પાદ હોય છે જેને સત્ય, જ્ઞાન, દયા અને તપ કહેવામાં આવે છે, અને આ યુગના અંતમાં અત્યંત પ્રતાપી રાક્ષસોનો નાશ કરવામાં આવ્યો.

ત્રેતા યુગમા ધર્મના ત્રણ પાદ રહી જાય છે-સત્ય, દાન અને દયા. આ સમયે મનુષ્ય યુદ્ધ કરતાં હતા અને સંપૂર્ણ સંસાર ક્ષત્રિય કર્મોથી પરિપૂર્ણ થતો હતો. આ યુગમાં મનુષ્યની ઉંમર ૧૦૦૦ વર્ષની હતી.

દ્વાપર યુગમાં ધર્મ બે પાદવાળો થઈ ગયો અને કળિયુગમાં ધર્મ એક પાદવાળો રહ્યો. આ યુગમાં ભગવાન વિષ્ણુએ વ્યાસના રૃપમાં શરીર ધારણ કર્યું અને વેદોનું વિભાજન કરીને પોતાના શિષ્યોને ભણાવ્યા.

એમણે ઋગ્વેદ પેલને ભણાવ્યા, જૈમિનીને સામવેદ ભણાવ્યો અને સુમંતુને અથર્વવેદ ભણાવ્યો તથા મહામુનને યજુર્વેદ ભણાવ્યો.

એના પછી એમણે વૈશપાયનની સાથે અઢાર પુરાણોનો અભ્યાસ કરાવ્યો. આ બધા પુરાણોના પાંચ લક્ષણ છે. એમાં સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતરોનું વર્ણન અને અનેક વંશોના ચરિત થાય છે.

દ્વાપર યુગના અંતમાં ભૂમિના ખૂબ જ ભારે ભારને ભગવાન હરિએ દૂર કર્યો હતો, જ્યારે ધર્મનો ફક્ત એક જ પાદ ત્યાં સ્થિર રહ્યો હતો. એ સમયે ભગવાન અચ્યુતે કૃષ્ણાવતાર ધારણ કર્યો. એ સમયે મનુષ્યોના આચાર ખૂબ જ દૂષિત થઈ ગયા. આ યુગમાં દયા નથી રહેતી અને સત, રજ અને તમ એ ગુણ બધા કાળથી સંપ્રેરિત થઈને આસ્થામાં પરિવર્તિત થઈ જાય છે.

જે સમયે સત્વની અધિકતા રહે છે અને મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ જ પ્રકારની હોય છે, એ સમયે કૃતયુગ જવવું જોઈએ. મનુષ્ય એ સમયે જ્ઞાન તથા તપસ્યામાં રત રહ્યાં કરે છે. જે સમયે દેહ ધારિક રતિ કામ્ય કર્મોમાં ભકિત્ વશમાં થયા કરે છે એ સમય ત્રેતાયુગ હોય છે.

હે શૌનક, આને રજોગુણની ઉત્પત્તિનો વૈભવ જ સમજો. જે સમયે લોકો અસંતોષ, માન, દંભ, મત્સર અને ફક્ત કામનાથી યુક્ત કર્મ થાય છે, એને દ્વાપર યુગ સમજો. એનાથી રજોગુણ અને તમોગુણની જ પ્રબળતા રહે છે. જે સમયે હંમેશાં મિથ્યા, તંદ્રા, નિંદ્રા અને હિંસા વગેરેના સાધન હોય છે તથા શોક,મોહ, ભય, દૈન્ય થયા કરે છે, તે કળિયુગ કહેવામાં આવ્યો છે. જનપદ દસ્યુઓ દ્વારા આક્રાંત થાય છે, અને વેદ પાંખડ દ્વારા દૂષિત થઈ જાય છે, આ બધો કળિયુગનો પ્રભાવ છે.

કળિયુગમાં રાજાગણ પ્રજાજનોમાં શિક્ષાની યાચના કરે છે અને આ બધા શિશ્ન તથા ઉદરની પૂર્તિમાં જ પરાયણ રહેવાવાળા હોય છે. બ્રહ્મચારી વ્રત રહિત શૌચાવિહિન ભિક્ષુ અને કુટુંબી હશે. જે તપસ્વી, નામધારી પુરુષ હશે તે ગામોની અંદર નિવાસ કરવાવાળા થઈ જશે. સંન્યાસ ધારણ કરવાવાળા લોકો મહાન ધનના લાલચી થઈ જશે. સાધુગણ તે કહેવાશે જેના શરીરનો આકાર નાનો હશે, વધારે આહાર કરવાવાળા અને ચોરી કરવાવાળા હશે. ભૃત્ય પોતાના સ્વામિઓનો ત્યાગ આપ્યા કરશે.

તાપસગણ પોતાના વ્રતોને છોડી દીધા કરશે, શૂદ્ર લોકો દાન ગ્રહણ કર્યા કરશે. વૈશ્ય લોકો તપસ્યામાં પરાયણ થશે. બધા મનુષ્ય ઉદ્વેગથી યુક્ત રહેશે અને બધી પ્રજા પિશાચોના તુલ્ય થઈ જશે. અન્યાયના ભોજન દ્વારા લોકો અગ્નિ દેવાતા અને અતિથિઓનું પૂજન કરશે. જ્યારે કળિયુગ પ્રાપ્ત થશે તો પિતૃગણને કોઈ પણ ઉદક ક્રિયા નહીં કરે.

હે શૌનક, કળિયુગમાં બધા મનુષ્ય સ્ત્રીઓમાં જ પરાયણ અને શૂદ્રપ્રાય થઈ જશે. લોકોને સંતાન વધારે હશે, અને તે બધા ભાગ્યહીન થયા કરશે. સ્ત્રીઓ એવી અભાગિની હશે કે પોતાના માથાના ખંજવાળવામાં તત્પર રહેશે અને ભર્ત્સિત થઈને મોટાઓની આજ્ઞાનું ખંડન કર્યા કરશે.

લોકોમાં પાખંડ એટલું વધારે થઈ જશે કે એમાં અપહૃત થઈને તે મનુષ્ય વિષ્ણુનું પૂજન પણ કરશે નહીં. હે વિપ્રગણ, આ બંનેથી દૂષિત કળિયુગમાં એક જ મહાન ગુણ હોય છે અને તે એ ફક્ત ભગવાન શ્રીકૃષ્ણના કીર્તનથી જ આ કળિયાગમાં બંધનને ત્યાગી શકાય છે. સતયુગમાં યજ્ઞાદિ દ્વારા, ત્રેતામાં જપાદિ દ્વારા તથા દ્વાપરમાં પરિચર્યા દ્વારા જે પુણ્ય ફળ થાય છે તે પૂરું ફળ આ કળિયુગમાં ફક્ત ભગવાન શ્રી હરિના નામ સંકીર્તનથી થઈ જાય છે.

હે શૌનક, આથી ભગવાન હરિનું નિત્ય ધ્યાન તેમજ પૂજન કરવું જોઈએ.

***