સાગરના મોજા
સાગરનાં મોજાંમાં કંઈક અજાણ્યો વિશ્વાસ રહે છે,
અધૂરાં સપનાઓમાં જીવવાનો એક શ્વાસ રહે છે…
કિનારે ઊભા રહીને સમજાય છે જીવનનું સત્ય,
જે નથી મળતું કદી, તેમાં જ ક્યાંક ઉજાસ રહે છે…
લહેરો ગમે તેટલી મોટી હોય, કિનારે તુટી જ જાય
સાગર ના મનમાં મિલનની ખારાશ રહે છે
સપનાઓ તૂટે ત્યારે હજાર ટુકડા ભલે થાય
દરેક ટૂકડાં માં પણ ક્યાંક આશાનો જ સહવાસ રહે છે…
દરિયો કહે કે ખોવાઈ જા, તો જ તું ખુદને જાણીશ
અહંકાર છોડે પછી આત્મામાં અજવાસ રહે છે…
સમય બધું લઈ જાય, એ સત્ય તો સ્વીકારવું પડે,
પણ લાગણીઓમાં હંમેશા યાદોનો નિવાસ રહે છે…