ક્યારેક એવું થાય કે, છળમાં ડૂબી ગયાં !
વિતી ગયેલ વેળનાં વળમાં ડૂબી ગયાં !
જળમાં ડૂબ્યા જો હોત તો કંઈ પ્રશ્ન ક્યાં હતો?
પણ કોણ જાણે કેમ આ સ્થળમાં ડૂબી ગયાં!
પ્રશ્નો તો કંઈ પ્રસાદ પ્રશસ્તિમાં ઓગળ્યા
લાગે છે ક્યાંક ભક્ત કમળમાં ડૂબી ગયાં ?
તરવાનાં આમ જો કે મનોરથ ઘણાં હતાં
પરપોટાનાં વહાણ તો પળમાં ડૂબી ગયાં !
મરજીવા જેમ સાત સમંદર તર્યા પછી
આશ્ચર્ય છે કે કેમ વમળમાં ડૂબી ગયાં?
#ભરત_ભટ્ટ