Today's Youth Part 1
આજના યુવાનો ને સાદર....
“બે કપ ચા લાવજે અને સાથે એક પ્લેટ ભજીયા. “ ખુરશી પર બેસતા મારા મિત્રએ નાનાં ઢાબા જેવી હોટેલ પર કામ કરતા છોટુ ને ઓર્ડર કર્યો. આજે એક કોલેજ માં પરિક્ષા લેવા જવાનું થયેલું. પરિક્ષા પૂરી થઇ અને કોલેજનાં પ્રોફેસર એવા મારા મિત્ર સાથે, કોલેજની બહાર ચા-નાસ્તો કરાવવા ગયા. નાનુ ટાઉન હતું, એટલે કોઈ મોટી રેસ્ટોરન્ટ કે હોટેલ તો આસપાસ નહોતી. મિત્ર સાથે ચા પીતા-પીતા નોકરીની, તથા શિક્ષણને લગતી વાતો કરવા લાગ્યા. ત્યાં નાસ્તો આપવા પેલો છોટુ આવ્યો.
મારા મિત્રએ છોટુ ને પુછ્યું, “ રાજુ નથી દેખાતો.”
છોટુ બોલ્યો, “સાહેબ, રાજુભાઈ ગામ માં થોડો સમાન લેવા ગયા છે.”
મેં પ્રશ્નભરી નજરે મારા મિત્ર સામે જોયું. મિત્ર બોલ્યો, “ રાજુ એટલે રાજેશ તિવારી, આ લારીનો માલિક.. સરસ છોકરો છે... મળવા જેવો.. આવે એટલે મળાવું તમને. ...”
અમે ચા અને ભજીયા ને ન્યાય આપી રહેલા, ત્યાં, મોટરસાયકલ પર, ૩૧-૩૨ વર્ષનો યુવાન આવ્યો. મોટરસાયકલ પાર્ક કરી સાથે લાવેલો સામાન છોટુને આપી મારા મિત્ર ની સામે જોઈ હસ્યો અને બોલ્યો, “ આવો સાહેબ, આજે બહુ દિવસે દેખાયા..”. મારા મિત્રએ માથું હલાવીને એના અભિવાદન સ્વીકારી કહ્યું, “ રાજુ, આવ તને આ સાહેબ સાથે મળાવું...”
રાજુ અમારી પાસે આવ્યો.. બોલ્યો, “ કેમ છો સાહેબ. પરિક્ષા લેવા આવ્યા લાગો છો. કેમ લાગી અમારી ચા અને નાસ્તો? “ રાજુનો પહેરવેશ શાલીન અને વાત કરવાની છટા પરથી એ કોઈ સારા અને સંસ્કારી ઘરનો લાગ્યો.
મેં મારા મિત્ર ને અંગ્રેજી માં કહ્યું, “ He seems decent person. ( આ વ્યકતી શાલીન લાગે છે.) “ રાજુ મારી સામે જોઈને હસ્યો અને બોલ્યો, “ Thanks for your compliments. ( આપની પ્રસંશા બદલ આભાર.)”. હું તો એકદમ અવાક અને આશ્ચર્યનાં ભાવ સાથે મારા મિત્ર સામે જોઈ રહ્યો. મારો મિત્ર હસ્યો અને મને કહ્યું, “ સાહેબ, આ રાજુએ પોસ્ટ-ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે.”
મારાથી એકદમ પૂછી ગયું, “ તો પછી કેમ આમ આ નાના ટાઉન માં આવી નાની હોટલ ચલાવે છે? કોઈ સારી નોકરી ના કરી? વલસાડ,સુરત અથવા વાપી માં તને નોકરી આરામથી મળી જાત.“ મારો મિત્ર, હસીને રાજુ સામે જોઈને બોલ્યો, “ સાહેબ ને વાત કરો રાજુભાઈ.. જણાવો એમને કેમ તમે નોકરી નાં કરી...”