*માણસ જોઈએ છે*
હોય હળવો ફૂલ એવો એક માણસ જોઈએ છે
થઈ શકે જે ધૂળ એવો એક માણસ જોઈએ છે
મત મતાંતર માન્યતા મતભેદ મનભેદ ભૂલીને
જેને સઘળું કબૂલ એવો એક માણસ જોઈએ છે
વાવતો હો જે સદા વૃક્ષો લીલાછમ સંબંધોના
જેના ઊંડા મૂળ એવો એક માણસ જોઈએ છે
વાદ ફરિયાદો વિવાદો , શૂળ ખટરાગો ને યાદો
માફ કરે સહુ ભૂલ એવો એક માણસ જોઈએ છે
પોત જેનું સ્વચ્છ હો સ્વભાવ ધોળા દુધ જેવો
મનમાં હો ગોકુળ એવો એક માણસ જોઈએ છે
ઈસુ નાનક પ્રભુ પયગંબર અને સહુ ધર્મની પર,
જેનું માનવ-કુળ એવો એક માણસ જોઈએ છે
જીતુદાન ગઢવી (રાફુ)