*કોઈ કલા સ્વરૂપે, જગતથી જુદા બનો,*
*નકશો બનો, કવિતા બનો, વારતા બનો.*
*અવગણના એક વાત અલગ છે, શરમ જુદી,*
*વિવશતા ત્રીજી વાત છે, બસ ત્યાં જ ના બનો.*
*પગભર તો છો તમે, હવે આગળ તમારું કામ,*
*રસ્તો બનો તમારો તમારી દિશા બનો.*
*છે પ્રેમ એને યાદગીરીની જરૂ૨ છે,*
*કંઈ પણ અગર બની ન શકો, બેવફા બનો.*
*મહેફિલ હો દોસ્તોની કે જાહેરસભાનો મંચ,*
*જ્યાં પણ જવાનું થાય, તમારી જગા બનો.*
*દુનિયાનું આખું ક્ષેત્ર એ સાહિત્ય ક્ષેત્ર છે,*
*એમાં કોઈ કવિતા બનો વારતા બનો.*
*હો ઉપકરણ અનેક, ના એની નથી જરૂર,*
*બે ત્રણ પ્રસંગ ગૂંથી સળંગ વારતા બનો.*
*કિશ્તી અમારી કોઈ રીતે ડૂબતી નથી,*
*એક જ ઇલાજ છે કે તમે નાખુદા બનો.*
*જોવું છે કેટલો છે, તમારા હૃદયમાં પ્રેમ,*
*મારા નહીં તો કોઈ બીજાના જરા બનો.*
*ચૈતન્ય હક છે પ્રેમનો, શોભા છે રૂપની,*
*એ વાજબી નથી કે તમે સ્થિરતા બનો.*
*દુનિયાનાં બંધનોથી જો હો છૂટવું ‘મરીઝ',*
*બસ આજથી તમે જ તમારા ખુદા બનો.*
*- મરીઝ*