આથમણી દશ્યના છેડે જાગતો ઉભો,
હિંદનો ચોકીદાર અડીખમ આજ ઉભો ગિરનાર,
જાગ્યો કેટ કેટલી રાત્યુ, સુણી કેટકેટલી વાતું,
જટાળા કૈંક જોગીના તપના ધૂણે આંખડી આંજણ હાર,
અડીખમ આજ ઉભો ગિરનાર,
માથે એને આંભ જળુંબેરે, વાદળિયું મુખડાં ચૂમે,
બાંધી જાણે પાગડી ઉભો ગિરનો સૂબો કોઈ બંકો સરદાર,
અડીખમ આજ ઉભો ગિરનાર,
કોઈ આવી કર પસારે રે, કોઈ આવી કર વધારે,
લેખા એના ચોપડે માંડી, ગાંસડી બાંધી હરને સોપણહાર,
અડીખમ આજ ઉભો ગિરનાર,
ખોળે એક સંત કહેલી ગ્યો, માનવતાના પાઠ મેલી ગ્યો,
દયાની આંગળી ચીંધે, જમણી ટૂંકે જયમલ'શા દાતાર,
અડીખમ આજ ઉભો ગિરનાર,
લંગાણો ના તપના ભારે, ઘસાણો ન કાળની ધારે,
રાણકની ચીસ સુણીને અકદી ઈ તો ખળભળ્યો ખુંખાર,
અડીખમ આજ ઉભો ગિરનાર,
ઉભો ગરવો તપ ધરી રે, એવી એની વાત છે ન્યારી,
'દાદલ' એના શરણે જાતા, ઉગડે ઓલ્યા ભક્તિકેરા દ્વાર,
અડીખમ આજ ઉભો ગિરનાર...
~ કવિ દાદ બાપુ