મિત્રો! આજે વિશ્વ સાયકલ 🚴 દિવસ છે....
ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારથી લઈને આજ સુધી સાઇકલ 🚴 મારી સાથે જોડાયેલી છે.
અત્યારે પણ હું લગભગ રોજ સાયકલ ચલાવું છું.
નાનપણમાં સાયકલ પરથી પડવાના અને કોઈને પાડી દેવાના અસંખ્ય કિસ્સા બન્યા છે.
એમાં એક કિસ્સો મજેદાર છે જે અહીં વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે લખી રહ્યો છું...
***** **** ***** ***** ***** ***** ****
***** **** ***** ***** ***** ***** ****
એક તો કુતુહલથી ભરેલું બાળપણ હતું એમાં નવો
નવો સાયકલ શીખ્યો હતો, હજુ પગ પેડલ સુધી પહોંચતા નહોતા એટલે પગની આટી મારી એક પેડલથી સાયકલ ચલાવતો. એમાં અમારા ગામનાં મુખ્ય રોડનું નવું ડામરીકરણ કરવામાં આવ્યું હતું.
લગભગ અડધા કિલોમીટર જેટલો રોડ એકદમ ઢોળાવ વાળો હતો. ઢોળાવ પૂરો થયા પર રસ્તા ને કાટખૂણે એક મેદાન છે અને મેદાનમાં જવાનાં ઝાંપાની લગોલગ એક આઇસક્રીમની🍦 🍕દુકાન છે. ત્યાં અમારા ગામ પુરતી "વર્લ્ડ ફેમસ" મટકા કુલ્ફી મળે છે.
મને એક અખતરો કરવાનો વિચાર👼 આવ્યો કે આ ઢોળાવ પરથી ફૂલ સ્પીડમાં સાયકલ ભગાવીને મેદાનમાં લઇ જઇએ તો કેમ? 🤔 જો ઢોળાવ પરથી સાયકલ દોડતી હોય તો પેડલ ના મારવા પડે અને તો સીટ પર બેસી શકાય.
વિચારને તુરંત અમલમાં મૂકવામાં આવ્યો 🐶
તમને ખબર હશે કે બાળપણમાં છોકરાઓ સાયકલ ચલાવતી વખતે એવું સમજતા હોય જાણે કે ટ્રક 🚛 કે કોઈ લક્ઝરી બસ 🚌 ચલાવી રહ્યાં હોય! ઘણાં તો પ્લેન✈️ સમજતા હોય.
ટ્રક, બસ કે પ્લેન જે સમજતા હોય તે પ્રમાણે મોઢામાંથી અવાજ પણ કાઢતાં હોય 😂
બંદા એ દિવસે લકઝરી બસ ચલાવતા હતા અને ગામના રસ્તાને હાઈવે ગણ્યો હતો 😎😎
એકદમ ઢોળાવનાં સ્ટાર્ટીંગ પોઈંટ પરથી નીચે તરફ સાયકલ દોડાવી... હું એ દિવસે પહેલીવાર સીટ પર બેસી ને સાઇકલ ચલાવી રહ્યો હતો, ઉત્સાહ અને ઉશ્કેરાટ ક્યાંય સમાતા નહોતા.... મોઢેથી હોર્ન અને બસનાં અવાજો કાઢતો બાળક જાણે એ રસ્તાનો માલીક હતો.
સાયકલ જેમ જેમ ઢોળાવ ઊતરતી જતી હતી તેમ તેમ સ્પીડ વધતી જતી હતી.
અંતે પેલો કાટખૂણો આવી ગયો.
પરફેક્ટ વળાંક લેવા માટે સાયકલનું હેંડલ વાળ્યું ૯૦ અંશનાં કાટખૂણે વળાંક લેવાની ગણતરીનાં અંદાજમાં ત્રીજા ધોરણનાં બાળ મગજની બે ચાર 😏 અંશની ભૂલ રહી ગઈ અને સાયકલ એના ડ્રાઈવર સમેત આઇસક્રીમની દુકાનમાં ઘૂસી ગઈ 🤕😯😥
દુકાનમાંથી ઘણું બધું અડફેટે ચડી ગયું. પહેલો વારો સૌથી આગળ રહેલા મટકા કુલ્ફીના બે મસમોટા મટકાંનો આવ્યો પછી પાણી ભરેલી બે બાલદી ઉડી છેવટે આડા કાઉંટર કમ આઇસક્રીમનાં સ્ટોરેજ માટે ઉપયોગમાં લેવાતા ડીપ ફ્રિઝર સાથે અથડાઈને અમારા અખતરાનો અંત આવ્યો.
નુકસાનનો સરવાળો: બે મોટા મટકાં તથા બે પ્લાસ્ટિકની બાલદી તૂટી ગયા અડધોઅડધ કુલ્ફી ખાવા લાયક ના રહી અને ડીપ ફ્રિઝરમાં મોટો ગોબો પડી ગયો.
મારી સાયકલની આગળની રીંગ વળી ગઈ તથા નીચે ઉતરવાનાં નિષ્ફળ પ્રયાસમાં બેસવાનાં ભાગે મારું પેંટ પૂરે પૂરૂ ફાટી ગયું. અકસ્માત સમયે મને કોઈ ઈજા ના થઈ પણ સાંજે બાપાનાં હાથનો માર ખાવાનાં લીધે પુરા ત્રણ દિવસ શરીરમાં દુખાવો તથા કળતર રહ્યા.. 🤕😯😜😇😆