લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !
શું હજી હું તમને હરિજી અઢાર વર્ષની લાગું ?
જાન લઈને ઝટ આવોને બારણાં ખુલ્લાં રાખું !
મૈયરના ગંગાજળ ને તુલસી છેલ્લે છેલ્લે ચાખું.
દહેજમાં શું જોઈએ, કહેજો...ના કરશો ને ત્રાગું ?
લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !
ચુંદડી ઓઢી દોડી સહુને આવજો આવજો કરવા !
ચાર ખભે ડોલીએ મ્હાલી ચાલી પ્રભુને વરવા !
શમણામાં પણ તક ના ચૂકું તેથી હું તો જાગું !
લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું ! …..
#યામિની_વ્યાસ