સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો
ખોબો માગું ને દઈ દે દરિયો
સાંવરિયો રે મારો સાંવરિયો
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમજીનું નામ મારું નાણું
મારા જીવનું ગુલાલ જેવું ગાણું
જાણું રે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો
સાંવરિયો રે મારો સાંવરિયો
કોઈ પૂછે કે ઘર તારું કેવડું?
ઘર મારું કેવડું? ઓ હો હો હો...
મારા વ્હાલમજી બાથ ભરે એવડું!
મને પૂછે કે ઘર તારું કેવડું?
આંખ ખટકે ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો
ખોબો માગું ને દઈ દે દરિયો
સાંવરિયો રે મારો સાંવરિયો
ખોબો માગું ને દઈ દે દરિયો
સાંવરિયો રે મારો સાંવરિયો
- રમેશ પારેખ
લયના રાજવી કવિ શ્રી રમેશ પારેખની યાદમાં...
આજે એમની પુણ્યતિથિ એ યાદ કરીએ...
#રમેશોત્સવ
-મહેશ ઠાકર