ગઝલ
જીવતાં સંસારની વાતો થઈ,
મૃત્યુ ને અવતારની વાતો થઈ.
સૂર્યરથના આગમનનો દબદબો,
ઘોડલે અસવારની વાતો થઈ.
ક્ષીણ છે ચળકાટ એથી શું થયું,
ઘંટના રણકારની વાતો થઈ.
ઓલવાયો અલ્પ કાળે દીવડો,
જ્યોતના ઝબકારની વાતો થઈ.
રામનું આ રાજ્ય છે સંભાળજો.
એ ધનુષ ટંકારની વાતો થઈ.
આ દિશા બદલે હવાની પળ મહીં,
મોભ ને પતવારની વાતો થઈ.
સ્વપ્નમાં જે સંચરે સાક્ષાત હો,
'ઊર્મિ' એ અણસારની વાતો થઈ
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'