Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🟩🟪⬛🟥🟧🟫 જટો હલકારો

_ઝવેરચંદ મેઘાણી_.
બાયલા ધણીની ઘરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા.

એવી નમતી સાંજના ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાનાં નાનાં, અરધાં નાગાંપૂગાં છોકરાંની ઠઠ જામી પડી છે. કોઇના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે; ને કોઇ મોટાં નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની અક્કેક ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુળસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અક્કેક અંજળિ વહેંચાશે એની આશાએ આ ભૂલકાં નાચી રહ્યાં છે. બાવાજીએ હજી ઠાકરદ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે.

મોટેરાંઓ પણ ધાવણાં છોકરાંને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠાં છે. કોઇ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે.

"આજે તો સંધ્યા જરાય ખીલી નથી." એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુ:ખ હોય એવે હળવેથી સંભળાવ્યું.

"દૃશ્યું જ જાણે પડી ગઈ છે." બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો.

"કળજુગ! કળજુગ! રત્યું હવે કળજુગમાં કૉળતી નથી, ભાઇ! ક્યાંથી કૉળે!" ત્રીજો બોલ્યો.

"ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવંદ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે! દશ વરસ ઉપર તો શું તેજ કરતું!" ચોથે કહ્યું.

ચોરામાં ધીરે સાદે ને અધમીંચી આંખે બુઢ્ઢાઓ આવી વાતે વળગ્યા છે, તે ટાણે આંબલા બજાર સોંસરવા બે માનવી ચાલ્યાં આવે છે: આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તરવાર અને હાથમાં લાકડી છે, સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો; પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી ન રહી.

રજપૂતે જ્યારે દાયરાને રામરામ ન કર્યા ત્યારે ગામલોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેમાર્ગુ હશે. દાયરે એને ટપાર્યો: "બા, રામરામ!"

"રામ!" તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે.

એકબીજાના મોં સામે જોઇને દાયરાનાં માણસોએ સાદ કર્યો: "અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે?"

"આઘેરાક." જવાબ મળ્યો.

"તો તો, ભાઇ રાત આંહી જ રોકાઇ જાવ ને?"

"કાં? કેમ તાણ કરવી પડે છે, બા?" મુસાફરે કતરાઇને વાંકી જીભ ચલાવી.

"બીજું તો કાંઇ નહિ, પણ અસૂર ઘણું થઈ ગયું છે, ને વળી ભેળાં બાઇ માણસ છે. તો અંધારામાં ઠાલું જોખમ શીદને ખેડવું? વળી, આહીં ભાણે ખપતી વાત છે : સહુ ભાઇયું છીએ. માટે રોકાઈ જાવ, ભા!"

મુસાફરે જવાબ દીધો, "બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું, ઠાકોરો! મરદોને વળી અસૂર કેવાં! હજી તો કોઇ વડિયો દેખ્યો નથી."

તાણ કરનારા ગામલોકોનાં મોં ઝંખવાણા પડી ગયાં. કોઇએ કહ્યું કે "ઠીક! મરવા દ્યો એને!"

રજપૂત ને રજપૂતાણી ચાલી નીકળ્યાં.


વગડા વચ્ચે ચાલ્યાં જાય છે. દિવસ આથમી ગયો છે. આઘે આઘેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાંના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કાંઇક દેખતાં હોય અને વાચા વાપરીને એ દીઠેલાંની વાત સમજાવવા મથતાં હોય તેમ પાદરના કૂતરાં ભસી રહ્યાં છે.

મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા. બાઇ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખંભે ટપાલની થેલી મૂકી, હાથમાં ઘુઘરાળું ભાલું લઈને અડબુથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી, ફાટેલા મ્યાનવાળી તરવાર ટીંગાય છે. દુનિયાના શુભ-અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણિઓની ધણિઆણીઓ મહિને છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહિ, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે.

જોતજોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો. બેય જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું, એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રીજાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતાં કરતાં બેય જણાં સાથે ચાલવા લાગ્યાં.

રજપૂત થોડાં કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા છેટી પડેલી જોઇને એણે પાછળ જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે-ચાર આકરા વેણ કહી ધમકાવી નાખી.

બાઇએ કહ્યું: "મારા પિયરનો હલકારો છે, મારો ભાઇ છે."

"હવે ભાળ્યો તારો ભાઇ! છાનીમાની ચાલી આવ! અને મા'રાજ, તમે પણ જરા માણસ ઓળખતા જાવ!" એમ કહી રજપૂતે જટાને તડકાવ્યો.

"ભલે બાપા!" એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રજપૂતે જોડેલું આઘેરાક નહેરામાં ઊતરે છે, ત્યાં તો એકસામટા બાર જણાએ પડકારો કર્યો કે "ખબરદાર, તરવાર નાખી દેજે!"

રજપૂતના મોંમાંથી બે-ચાર ગાળો નીકળી ગઈ. પણ મ્યાનમાંથી તરવાર નીકળી ન શકી. વાટ જોઇને બેઠેલા આંબલા ગામના કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધ્યો, બાંધીને દૂર ગબડાવી દીધો.

"એ બાઇ, ઘરેણાં ઉતારવા માંડ." લૂંટારાએ બાઇને કહ્યું.

અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડાં પડવાં લાગ્યાં. એની ઘાટીલી, નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી. પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા, ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂંફાડો મારીને રજપૂતાણી ખડી થઈ ગઈ.

"અલ્યા, પછાડો ઇ સતીની પૂંછડીને!" કોળીઓએ અવાજ કર્યો.

અંધારામાં બાઇએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. "એ જટાભાઇ!" બાઇએ ચીસ પાડી: "દોડજે."

"ખબરદાર એલા! કોણ છે ત્યાં?" એવો પડકાર કરતો જટો તરવાર ખેંચી જઈ પહોંચ્યો. બાર કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તરવાર ચલાવી, સાત કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓના મે વરસે છે. પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહિં. બાઇએ બુમરાણ કરી મૂક્યું. બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા, તે પછી જટો તમ્મર ખાઇને પડ્યો.

બાઇએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઊઠીને તરત રજપૂત કહે છે કે "હાલો ત્યારે."

"હાલશે ક્યાં? બાયલા! શરમ નથી થાતી? પાંચ ડગલાં હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયળ માટે મરેલો પડ્યો છે; અને તું-મારા ભવ બધાનો ભેરુ-તને જીવતર મીઠું થઈ પડ્યું! જા ઠાકોર, તારે માર્ગે. હવે આપણા-કાગ ને હંસના-સંગાથ ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોડ્ય તાણીશ."

"તારા જેવી કૈંક મળી રહેશે." કહીને ધણી ચાલી નીકળ્યો.

જટાના શબને ખોળામાં ધરીને રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડાં વીણી લાવીને ચિતા ખડકી, શબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી; દા પ્રગટાવ્યો. બન્ને જણાં બળીને ખાખ થયાં. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરી જ્યોતે ઝબૂકતા હતા.
આંબલા અને રામધરી વચ્ચેના એક નેહરામાં આજ પણ જટાનો પાળિયો ને સતિનો પંજો હયાત છે

-મહેશ ઠાકર

Gujarati Motivational by મહેશ ઠાકર : 111795537
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now