અરે એક આખો સમંદર પડ્યો છે;
અને એ ય તારી જ અંદર પડ્યો છે.
તરી જા, તરી જા, તરી જા, તરી જા;
તહીં જો, કબરમાં સિકંદર પડ્યો છે.
હજી માંડ ગોરખ વિખૂટો પડ્યો ને;
હવે ખૂબ પાછળ મછંદર પડ્યો છે.
મને આમ ધારી ન લેશો અટૂલો;
અરે ઈશ જેવો ધુરંધર પડ્યો છે.
ઘણી વાર શબ્દો ઉછીના લઉં છું;
હજી શોખ પેલો તવંગર પડ્યો છે.
#ડૉ_મુકેશ_જોષી