ગાંધારીની જેમ આંખો પર પટ્ટી બાંધીને સામે ઊભેલા સત્ય સાથે ઝઝૂમી રહેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને જોઈને દયા મિશ્રિત ધૃણાની લાગણી થાય છે. પશ્ચિમી દેશોના રવાડે ચડીને હોળીનુ નાળિયેર બન્યાની ખબર હોવા છતાં હકીકત નહીં સ્વીકારીને પોતે પોતાનુ કદ રોજેરોજ ઘટાડી રહ્યા છે.
અત્યારે નાટો સામે નથી આવતું કે નથી યુરોપ-અમેરીકા આવતું ઉપરથી નો-ફ્લાય ઝોન જાહેર કરવાનો નનૈયો ભણે છે.
મગજનું મુખ્ય કાર્ય સામે ઊભેલી વાસ્તવિકતાને પારખવી, હકીકતો ખરેખર કેવી છે, ક્યા સંજોગોમાં ક્યા પરિબળો કેવી પ્રતિક્રિયા કરશે એજ તો જોવાનું છે, દુર્ભાગી ગ્રીક હીરોની જેમ રોજેરોજ શુરાતનનુ અફીણ પાયેલી પોસ્ટ કરીને ઝેલેન્સકી અત્યારે તો એવું સમજી રહ્યા કે પોતે પ્રજાને પોરસ ચઢાવે છે પણ જ્યાં સુધી તે આ ભ્રમમાં રહેશે ત્યાં સુધી યુક્રેનના નાગરિકો, સૈનિકો ને જાનમાલની બલી ચડતી રહશે અને લંપટ પશ્ચિમી દેશો મદદનુ ગાજર લટકાવી રાખશે.
અરે! યહૂદીઓ માટે દુનિયામાં કોઈની પણ સામે પંગો લઇ લેતુ ઈઝરાયેલ પણ યહુદી પ્રમુખ માટે થઇને રશિયાને નારાજ કરવા નથી માગતું, પરિસ્થિતિ ખરેખર કાબુ બહાર છે, ધારણાઓ ધૂળમાં મળી ગઈ છે અને એકેય અંદાજા અપેક્ષાઓની આસપાસ પણ ફરકતા નથી ત્યારે કોઠીમાં મોઢુ નાખીને રોવાથી શો ફાયદો?
ઝેલેન્સકીની હાલત કઈક અંશે અભિમન્યુ જેવી થઈ છે, ચક્રવ્યૂહમાં ઘૂસી તો ગયા હવે બહાર નીકળાતુ નથી એટલે મદદ માટે ચારે બાજુ ખોળા પાથરે છે.
આગળ પાછળનુ વિચાર્યા વિના યુદ્ધ વહોરી લેનારા ઝેલેન્સકી પોતે જ આ વિનાશનું કારણ છે પણ ટંગડી હજુ ઉંચી રાખવી છે.
જો અક્કલનો છાંટોય બચ્યો હોય તો હજી વાટાઘાટોના ટેબલ પર આવી પશ્ચિમના સ્વાર્થી દેશોના શતરંજની ખૂની રમતને લીધે પોતાના દેશનાં નિર્દોષ નાગરિકોને મોતના ખપ્પરમાં હોમાતા બચાવી લેવા જોઈએ.