ગઝલ: હશે
લાગણી હદમાં કદી હોતી હશે,
આ મમત કદમાં કદી હોતી હશે.
ગાંઠ બાંધી કચકચાવીને પછી,
છૂટ એ પદમાં કદી હોતી હશે.
છૂટછાટો પણ ગમે થોડી ઘણી,
રીત અનહદમાં કદી હોતી હશે.
હોય મસ્તી આ નિખાલસ મન તણી,
મોજ એ મદમાં કદી હોતી હશે.
ચંદ્ર રોજે ગોળ હો એ શક્ય ના,
ચાંદની વદમાં કદી હોતી હશે.
સાવચેતી રાખ, જો ટપકી જતાં,
'ઊર્મિ' ગદગદમાં કદી હોતી હશે.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'