સમયનું વહેણ....!
----------------------
વહી રહ્યો છે
સમય
સરિતા સમો,
જે
ક્યારેય થોભતો નથી,
બસ...
વહી રહયો છે
નિરંતર
આગળ ને આગળ....!
સમયનાં
આ વહેણમાં
વહી રહ્યાં છીએ
આપણે સૌ
એક-બીજાનો હાથ ઝાલીને
પરંતુ
તે છતાંયે
એક-બીજાથી
હાથ તો છૂટી જ રહ્યાં છે
જ્યારે
બની જાય છે
સમયનું વહેણ
અતિ વેગીલું.....!
સમયની
આ સરિતામાં
ખુશી અને વ્યથા બન્ને
એક-બીજાનો હાથ થામીને
વહી રહ્યાં છે
લોકોનો મેળો પોતાની સંગે લઈને,
એ મેળામાં
નવાં જોડાય છે તો
જૂનાં ચાલ્યાં જાય છે
સ્મૃતિઓનું નજરાણું આપીને...!
બસ,
આમ જ
થઈ રહી છે પ્રવાહિત
સરિતા સમયની
એ સાગર ભણી
રચી છે જેણે આ સુંદર દુનિયા
આપણાં સૌની ખુશીઓ માટે,
આપણાં સ્વરૂપનું દર્શન કરાવવા માટે,
સ્વયંને સ્વયંથી મેળવવા માટે....!
-આભા દવે (મુંબઇ)