રખડતાં રખડતાં મુલાકાત થઈ ગઈ;
અમસ્તાં અમસ્તાં જરા વાત થઈ ગઈ.
નથી કોઈ લેતું જુબાની પ્રણયમાં;
હરખતાં હરખતાં હવાલાત થઈ ગઈ.
અમે જે ગણી‘તી સવા શ્રી, જફા એ;
સમજતાં સમજતાં સવા સાત થઈ ગઈ.
નથી ફાયદો કંઇ થયો આયનાનો;
મલકતા મલકતા જુદી જાત થઈ ગઈ.
થવું તો હતું સ્હેજ સામે સૂરજની;
પ્રગટતા પ્રગટતા જરા રાત થઈ ગઈ !
હતી વાત ઘરની; અચાનક જુઓને;
સરકતાં સરકતાં એ વૃતાંત થઈ ગઈ !
ડૉ. મુકેશ જોષી