ભરતીમાં પણ હવે ઓટ વર્તાય છે,
છે કોઈ ખાસ, જેની ખોટ વર્તાય છે
આમ તો છે મનના માળિયે સઘળું સહી સલામત,
પણ પ્રેમ પોટલીમાંથી,જરા અસ્તવ્યસ્ત ડોકાય છે
સંગાથ,સંવાદ,સફર સૌનું સાગમટે થાય સ્મરણ,
શમણાની ગાગરમાં,સ્નેહનો દરિયો છલકાય છે
ભલે કહેવાય સમાપ્ત,પ્રકરણ પ્રણયનું આપણી વચ્ચે
પણ હૈયાને કોણ સમજાવે,ઝાંઝવાનું જળ થાય છે
તું છે..પણ મારી નથી..ને તે છતાંય મારી જ છું
વાત એજ સાબિત કરવા, યાદોનાં પુરાવા ખર્ચાય છે
ન પૂછ પ્રિયે,શું ફાયદો છે?આ વાતો ગણગણીને
જ્યારે કરું બંધ આંખો,મુખ પર સ્મિત રેલાય છે.
- નિર્મિત ઠક્કર