શીર્ષક *મુક્તિ*
"બેટા, તું તો કોઈ સારા ઘરનો દેખાય છે. કેમ ભીખ માંગે છે?"
"અંકલ, હું સાંજ સુધીમાં નક્કી કરેલી રકમ ભેગી કરીને નહિ આપું તો એ લોકો મને મારશે અને ખાવાનું પણ નહિ આપે."
"કોણ લોકો છે અને એમને શું તકલીફ છે કે તને મારશે? મને તું એમના નામ જણાવ હું કંઈક ઉપાય શોધી કાઢીશ."
"અંકલ, તમે મારી સાથે બહુ વાત ન કરો એમના માણસો આમતેમ જ ફરતાં હશે."
"અચ્છા ચાલ આપણે સામેની હોટલમાં બેસીને કંઈ ખાઈએ અને તું તારી તકલીફ મને જણાવજે."
"અંકલ, મારું નામ હેમંત. હું પહેલાં ધોરણમાં ભણતો હતો ત્યારે એકવાર મેળામાં મમ્મી પપ્પાથી છૂટો પડી ગયો હતો. ત્યારે એક માણસ મને મમ્મી પપ્પા પાસે લઈ જાઉં કરી અહીં લઈ આવ્યો. અહીં લાવીને એણે મને બેત્રણ દિવસ સુધી એક અંધારી ઓરડીમાં પૂરી રાખ્યો. ખાવાનું પણ ન આપ્યું. છેવટે હું ભીખ માંગીને એને રોજ બસો રૂપિયા આપું તો જ મને ખાવાનું મળશે, એમ શરત કરી. હવે તો એના મારના ડરને લીધે મારા જેવાં આઠ દસ બાળકો રોજ ભીખ માંગી એને પૈસા આપીએ છીએ."
"સારું બેટા, કાલે હું ફરી તારી પાસે આવીશ. તું મારી પાસે ભીખ માટે કાલાવાલા કરતો કરતો મારી પાછળ આવ્યા કરજે. આપણે કંઈક વિચારીશું. હમણાં આ લે પચાસ રૂપિયા."
બીજે દિવસે ફરી મહેશભાઈ તે જ જગ્યાએ ગયા. હેમંત એની પાસે પરાણે ભીખ માંગવાનું નાટક કરી પાછળ પાછળ ચાલવા લાગ્યો. થોડે દૂર ગયા એટલે મહેશભાઈએ પોતાની થેલીમાંથી પાણીની બાટલી કાઢી એનું મોઢું ધોવડાવ્યું. પછી નવા કપડાં કાઢી એને પહેરાવ્યા અને પછી એને લઈ નજીકના પોલીસ સ્ટેશન પર ગયાં.
મહેશભાઈએ આગલે દિવસે જ પોતાના પોલીસ મિત્રને બધી વાત કરી હતી. એમણે હેમંતના હાથના અંગૂઠાની મશીન પરની છાપ પરથી એની બધી માહિતી મેળવી લીધી. એના માબાપને જાણ કરી સુરત બોલાવી લીધાં અને હેમંત સાથે જઈ પેલા ગુંડાના અડ્ડા પર છાપો મારી હેમંત જેવાં ઘણાં બાળકોને એ ગુંડાના કબજામાંથી છોડાવી એ બધાંને તકલીફમાંથી મુક્ત કર્યા.
કોણ કહે છે આધુનિકતા ફક્ત નુકસાન જ કરે છે. આધુનિક સાધનોનો યોગ્ય ઉપયોગ કરો તો આવી ઘણી તકલીફમાંથી *મુક્તિ* પણ મળે છે.