મહેફિલને લાગશે થાક જવા દે હવે.
તારા જ ગુણગાનની વાત જવા દે હવે.
સૌ આગળ નીકળ્યા તો ચિંતા શેની ?
બળીને થઈ જશે રાખ જવા દે હવે.
શિખરે પહોંચ્યો પણ એક અફસોસ રહ્યો,
જો કોઈ નથી આસપાસ જવા દે હવે.
જેની વફાદારીમાં સઘળું લૂંટાવી દીધું,
આજે એ જ નથી સાથ જવા દે હવે.
નીચી બોરડી સૌ કોઈ ઝૂડે એમ માની લે,
તું કેમ થાય નાસીપાસ જવા દે હવે.
કંઈ કામકાજ હોય તો બોલ કહેનારા,
નથી દેખાતા આસપાસ જવા દે હવે.
'સાગર' મતલબી દુનિયા જોઈ જ્યારથી,
ત્યારથી ખુદાની છે આશ જવા દે હવે.
-જાવીદ કરોડિયા 'સાગર'