"ગુરુ"
આવતી કાલ એટલે કે, અષાઢ મહિનાની પૂર્ણિમા. જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. ગુરુ અને શિષ્યના સંબંધમાં એક અલગ જુદાપણું જોવા મળે છે. આ સંબંધમાં કોઈ સ્વાર્થ નથી હોતો કે કોઈ પક્ષપાત પણ નથી હોતો. ગુરુને મન દરેક શિષ્ય સમાન હોય છે. ગુરુની વ્યાખ્યા કરવી અઘરી છે. કારણ કે, આ નાનકડા શબ્દમાં ઘણા લોકોની આખી દુનિયા સમાયેલી હોય છે. એટલે તેને વ્યાખ્યામાં સમાવી લેવું સરળ નથી. દરેક માણસના જીવનમાં ગુરુનું મહત્વ વિશેષ હોય છે. જીવનમાં ગુરુનું મહત્વ કેટલું છે એ પણ એક સાચો શિષ્ય જ જાણતો હોય છે.
હવે સવાલ એમ થાય કે, ગુરુ એટલે ?? વર્ગમાં ભણાવનાર શિક્ષક કે પછી જીવનના મૂલ્યો સમજાવાનાર કોઈ યોગી?? મારા મતે તો એ દરેક વ્યક્તિને ગુરુ કહી શકાય જે તમને સાચી શીખ આપે છે. ઘરના કામ શીખવનાર માતા પણ ગુરુ છે. જીવનના દરેક દુઃખો સામે લડતા શીખવનાર પિતા પણ ગુરુ છે. ભણતરની પરીક્ષાની સાથે જીવનની પરીક્ષા વિશે સમજ આપનાર શિક્ષક પણ ગુરુ છે. મુશ્કેલીના સમયમાં સાચી સલાહ આપનાર મિત્ર પણ ગુરુ છે. ઘણા લોકોને વાંચવાનો શોખ હોય છે તો તેમના માટે એક પુસ્તકના શબ્દોમાં શીખ છુપાયેલી હોય છે. માટે એક પુસ્તક પણ ગુરુ છે. ઘણી વાર આપણે પોતે પણ આપણા ગુરુ બની જતા હોઈએ છીએ. જ્યારે પરિસ્થિતિ સાથે લડવાનું થાય ત્યારે માણસ પોતાની જાતને જ સલાહ અને શીખ આપતો હોય છે. ગુરુ શિષ્યનો સંબંધ ઉંમરથી પરે હોય છે. આપણાથી ઉંમરમાં નાની હોય એવી વ્યક્તિ પણ ઘણું શીખવી જતી હોય છે. ગુરુ જ એક એવી વ્યક્તિ હોય છે જેની સલાહ પર આપણે આંખ બંધ કરીને પણ વિશ્વાસ કરતા હોઈએ છીએ. એટલે જ તો કહેવાય છે કે, “ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “ અર્થાત,ગુરુની મહત્તા ગોવિંદ કરતાં પણ વધારે છે.
જીવનમાં અમુક વ્યક્તિઓનું ઋણ ચુકવી શકાતું નથી. એવા વ્યક્તિઓમાં ગુરુનું સ્થાન સૌથી મોખરે છે એટલે જ તો એકલવ્ય જેવા શિષ્ય ગુરુદક્ષિણામાં પોતનો અંગુઠો આપતા પણ અચકાતા નથી.
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:
ગુરુ પુજા ,ગુરુ ભક્તિ, ગુરુ બ્રહ્મા ગુરુ ઈશ્વર,
ગુરુ તમસે બડા ના જગ મેં કોઈ દુજા પરમેશ્વર.
ગુરુ માતા, ગુરુ હી પિતા, ગુરુ હી બંધુ, ગુરુ હૈ સખા
મેરા જીવન, મેરી ધડકન યે સાંસે ભી તુમ્હારી હૈ,
તેરે બિન મેં કુછ ભી નહીં મેરે ગુરુવર
- SHILPA PARMAR "SHILU"