એય ...ચિતડા ...
શું કાંતે છે ઝીણું ઝબાક મન માલીપા
એય ... ચિતડા ...
જીવતરના તારોને શાને વીટયાં છે આલીપા
રામ રખોપા મોટા સમજી ઘર બારે તું જાતો ,
ડગલે - પગલે ઠોકર લાગે અહમ નહિં સમજાતો ,
એય ... ચિતડા ....
સાચા - ખોટા ચકરાવામાં ઘૂમે છે ખાલીપા ....
ગુરુ ચરણમાં જઇને બેઠો શબદ ન એકે જાણ્યો ,
ધુમ મચાવી , રંગ જમાવી - રંગ ન એકે માણ્યો ,
એય ... ચિતડા ...
ચપટી અજવાળાથી ખીલશે ફૂલમાં ઝાકળ ટીપાં .....
રામ - રહીમ કે અલ્લાહ - ઈશ્વર એક તત્વ છે અંદર ,
પળને પળમાં જાણે નહિં તો દેખે નહિં સમંદર
એય ... ચિતડા ....
સત્ય - પ્રેમ - કરુણા સર્જે કણકણમાં
રજીપા .....
--- હર્ષિદા દીપક