કંકુના થાપા જડે દીવાલ પર,
યાદ પણ ટોળે વળે દીવાલ પર.
બાળકોના એક, બે, ત્રણના લીટા,
આજ પણ મસ્તી કરે દીવાલ પર.
સ્વપ્ન તૂટી જાય તો જોજે બીજું,
જે રીતે કીડી ચડે દીવાલ પર.
ત્રીસમી તારીખની ફી સ્કૂલની,
લઈને કેલેન્ડર રડે દીવાલ પર.
ત્યાં હજી તસવીર “મા”ની છે મિલન,
કેટલી મમતા મળે દીવાલ પર!
-મિલન