સોનાલીને ઓફિસ જતાં રસ્તામાં એક હોસ્પિટલ આવતી. બધા જ એને નિહાકણી હોસ્પિટલ કહેતા. લોકોની માન્યતા પ્રમાણે ભાગ્યે જ કોઈ અહીંથી સાજુ થઈને ઘરે પાછું જાય છે. સોનાલી તો ઓફિસ જતાં અને આવતાં બંને વખત હોસ્પિટલની સામે મંદિરમાં દર્શન કરે અને ભગવાનને કહે પણ ખરી " ભગવાન કરે ને કોઈને આ હોસ્પિટલમાં આવવાનું ન થાય. " પણ હોસ્પિટલની બાજુ જુએ પણ નહીં. એક દિવસ અચાનક જ ઓફિસમાં સોનાલીની તબિયત બગડી. ઇમરજન્સીમાં ઓફિસના લોકો આ જ હોસ્પિટલમાં સોનાલીને દાખલ કરી ગયા. ડોક્ટરો અને નર્સની અથાગ મહેનતથી પૂરા એકવીસ દિવસની સઘન સારવાર પછી સોનાલી સાજી થઈને ઘરે પાછી ફરી. અત્યારે તો સોનાલીએ ઓફિસ જવાનું પણ ચાલુ કરી દીધું છે. ઓફિસ જતાં અને આવતાં તે મંદિરની સાથે સાથે હોસ્પિટલ પર પણ નજર મારી જ લે છે અને ભગવાનને પ્રાર્થના પણ કરી જ લે છે કે મારી જેમ બધા અહીંયાથી સાજા થઈ ને જ ઘરે જાય.