પાંદડાંને ફૂટતી વાણી વિશે કહો,
વાત એવી એક તો શાણી વિશે કહો.
વૃક્ષ પાસે હોય છે કેવળ ઊંચું થવું
મૂળની વાતો ય અણજાણી વિશે કહો.
માત્ર તડકાનો પડે વરસાદ એ સમે
કૈ નહીં તો આગ ને પાણી વિશે કહો.
વસ્ત્ર નામે જે ફકત આકાશ સાચવે --
કોઈ એવા એક બંધાણી વિશે કહો.
એકલાં મૂકી હવા આગળ વધ્યાં કરે --
મુક્ત મનની એય મહારાણી વિશે કહો.
----------ગુણવંત ઉપાધ્યાય