હું તો નીકળી ગઈ મારી તલાશમાં ,
સાત પગલાં આકાશમાં
સંજવારી જેમ હું તો પડી હતી ઉંબરે
ને પોતીકા ફળિયાને ઘેરી
વીજળીના ઝબકારે ઓળખે નહીં મને
મારા સરનામાની ડેલી
હું તો નીકળી ગઈ બહારના ઉજાસમાં
સાત પગલાં આકાશમાં
ઉંબરા ને ફળિયા તો ઓગળતા ચાલ્યાને
આકાશને નહીં કોઈ બારી
ને તેડું જો હોય તો ઉતરાવે કોઈ પણ
ઉતરાવે દીપકની બારી
મને અંધારું લાગે ઉજાસમાં
સાત પગલાં આકાશમાં ….
#પગલું