પુર્વા રાત્રીના ભોજન બાદ ઘરકામ કરવામાં વ્યસ્ત હતી.કારણ કે,આવતીકાલે રિધમ અને પુર્વાના લગ્નની વર્ષગાંઠ હતી. તેથી આજે ઘરનું બધું જ કામ વહેલી તકે સમેટીને રીધમને સરપ્રાઇઝ આપવાનું પ્લાનિંગ કરવાનું હતું.
આમ તો પૂર્વાની રીધમને સરપ્રાઈઝ આપવાની કાયમની ટેવ હતી પણ છતાંય આ વખતે તે રીધમ માટે કંઈક વિશેષ કરવા ઈચ્છતી હતી. પૂરો દિવસ રીધમ પોતાના ઓફિસના કામમાં વ્યસ્ત હોય, સાંજે ઘરે આવી અને માંડ થોડો સમય તે પોતાના માટે અને પરિવાર માટે કાઢી શકતો. રાત્રે વહેલો કામકાજ પતાવીને સૂઈ જતો. પૂર્વા પણ રીધમને પરેશાની ન થાય તેનું ધ્યાન રાખતી.પણ મનોમન તે રિધમનો થોડો સમય ઈચ્છતી પરંતુ તે તેની માટે એક કલ્પના જ બની રહેતી.
ભોજન બાદ રિધમ સોફા પર બેઠો TVના ચેનલો બદલતો-બદલતો પૂર્વાને નિહાળી રહ્યો હતો અને મનોમન અનેક વિચારો કરી રહ્યો હતો,જેની જાણ પૂર્વાને ન હતી.રિધમ થોડી વારે તેના બેડરૂમમાં ચાલ્યો ગયો.
ઘરકામ માંથી પરવારીને પૂર્વા પણ પોતાના બેડરૂમમાં પ્રવેશી, ત્યારે ઘડિયાળમાં રાત્રિના સાડા દસ ના ટકોરા પડ્યા. રીધમને ઊંઘતો પુર્વાએ એકીટસે નિહાળ્યો. થોળીવારનાં રિધમનાં પ્રેમ પૂર્વકના નિરીક્ષણ પછી પુર્વા વર્ષગાંઠને વિશેષ બનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત બની. રીધમને સરપ્રાઈઝ આપવાની કામગીરીને પૂર્વાએ લગભગ એક કલાક સુધીમાં પૂરી કરી. બધું કામ આટોપીને પુર્વા પણ પોતાની પથારીમાં આળોટી. આળોટતાં- આળોટતાં પૂર્વાની આંખ મિચાતી હતી કે તેવામાંજ તેના કાને રીધમનો અવાજ પડ્યો, “Happy Marriage Anniversary અર્ધાંગિની....”
પૂર્વા ઝબકીને જાગી;જોયું તો સામે રીધમ ઉભો હતો. પૂર્વાના આનંદનો પાર નહોતો. પૂર્વાની આંખોમાંથી પ્રેમની અશ્રુધારા વહેવા લાગી ,રિધમે તેને વહાલથી લૂંછી ને પુર્વા સમક્ષ પોતાની ભૂલ કબુલતા કહ્યું કે, "પુર્વા, તું જ્યારથી મારી જિંદગીમાં પ્રવેશી છે ત્યારથી તારૂં સર્વસ્વ તે મને સોંપ્યું છે. મારા સુખમાં સુખી અને મારા દુખે તું દુઃખી રહી છે. મારાથી માંડી મારા પરિવારની નાની-મોટી બધી જ સંભાળ તે કાયમ રાખી છે. તે પુરાં પરિવારને સાચવ્યો છે. કદીએ કોઈ જ બાબત માટે ક્યારે તે સવાલ કર્યા નથી. તારી આ સમર્પણની ભાવના અને તારા પ્રેમને રીધમના સો-સો સલામ છે.
આજથી મારી પ્રથમ પ્રાયોરીટી પુર્વા જ રહેશે પછી જ બીજું બધું.કારણ કે, સાત ફેરાના સાત વચન માત્ર તેંજ લીધાં હોય એવું નથી. સાત ફેરાના સાત વચન મેં પણ લીધા છે,જેને કદાચ હું ભૂલ્યો હતો પણ આજે મને વાસ્તવિકતા સમજાઈ છે પૂર્વા...♡"