ચાલને ફરી પાછા જઇએ,
સાંજ ફરી એ માણી લઇએ!
આથમતા સૂરજની પહેલા,
ને ખીલતી સંધ્યાની સાખે.
એકબીજાના ઝાલી હાથ,
આ વનની સીમા ખેડી લઇએ!
માળે પાછા ફરતા પંખીઓ,
વાડે પાછા ફરતા ગૌધન.
ધીમા ટહુકે કળા કરંતા એ,
સુંદરતા મોરની નીરખી લઇએ!
ખળખળ વહેતા નીર નદીના,
સ્પર્શ પગે એ માછલીઓનાં.
ઝરમર મેઘ માટીની સોડમ,
શ્વાસ થકી હૃદય માં ભરીએ!
પૂર્ણિમાની રાતે એ નભમાં,
ચંદ્ર ખીલ્યો તો પુર્ણ કળાએ.
ખીલ્યા ચાંદની એ ચાંદનીમાં,
મન ભરી ને જીવી લઇએ!
ફરી મળે કે ના મળે એ દિવસો,
ચાલને ફરી એકવાર જઇએ!...
જાગૃતિ રાઠોડ.