પંચક એટલે શું? ક્યાં કામ છે વર્જીત, જો પંચકમાં મૃત્યુ થાય તો?
વૈદિક જ્યોતિષમાં પાંચ નક્ષત્રોના વિશેષ મેળથી બનતા યોગને પંચક કહેવામાં આવે છે. કુંભના ચંદ્રથી શરૂ કરીને મીનના ચંદ્ર ઉતરતા સુધીના દિવસોને પંચક કહેવાય છે. ઘનિષ્ઠા નક્ષત્રથી રેવતી સુધીનાં નક્ષત્રોને પંચક કહેવામાં આવે છે. નવું મકાન બાંધવું, અગ્નિદાહદેવો, ઉત્તરક્રિયા કરવી, શૈયાદાન વગેરે તમામ કાર્યો તેમજ દક્ષિણ દિશાની મુસાફરી વગેરે પંચકમાં ન કરવું.
વૈશાખ વદમાં જે દિવસે ચંદ્ર ઘનિષ્ઠા નક્ષત્રમાં આવે છે તે દિવસથી 9 મે દિવસે રોહિણી નક્ષત્રમાં આવે છે. આ નવ દિવસના પંચકને મડાપંચક એટલે કે ઘનિષ્ઠાવક પણ કહે છે. મડાપંચકમાં પણ શુભ કામ કરવા ઈચ્છનીય નથી.
જ્યારે ચંદ્રમાં કુંભ અને મીન રાશિ પર રહે તે સમયને પંચક કહેવામાં આવે છે. ચંદ્રમાં એક રાશિમાં લગભગ અઢી દિવસ રહે છે આ રીતે આ બે રાશિઓમાં ચંદ્રમાં પાંચ દિવસ સુધી ભ્રમણ કરે છે. આ પાંચ દિવસ દરમિયાન ચંદ્રમા પાંચ નક્ષત્રો ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતીમાંથી પસાર થાય છે. માટે આ પાંચ દિવસને પંચક કહેવામાં આવે છે.
દિવસ અનુસાર પંચકનો પ્રભાવ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ પંચકનો પ્રભાવ જુદો જુદો હોય છે. કયુ પંચક કયો પ્રભાવ આપશે એ આ હિસાબથી નક્કી થાય છે કે પંચકની શરૂઆત કયા દિવસે થઈ છે.
રવિવારે શરૂ થનારૂ પંચક રોગ પંચક કહે છે.
સોમવારથી શરૂ થનાર પંચકને રાજપંચક કહે છે.
મંગળવારથી શરૂ થનાર પંચકને અગ્નિ પંચક કહે છે.
બુધ અને ગુરૂવારથી શરૂ થનાર પંચકને અશુભ પંચક કહે છે.
શુક્રવારથી શરૂ થનાર ચોર પંચક અને શનિવારથી શરૂ પંચકને મૃત્યુ પંચક કહે છે.
નવ દિવસના પંચકને મડાપંચક એટલે કે ઘનિષ્ઠાવક પણ કહે છે.
‘પંચક’નું આટલું મહત્વ કેમ?
હિંદુ સંસ્કૃતિમાં પ્રત્યેક કામ મૂહૂર્ત જોઈને કરવાનુ વિધાન છે. આમાં સૌથી મહત્વપૂર્ણ છે પંચક. જ્યારે પણ કોઈ કામનો પ્રારંભ કરવામાં આવે છે તો તેમાં શુભ મુહૂર્ત સાથે પંચકનો પણ વિચાર કરવામાં આવે છે. નક્ષત્ર ચક્રમાં કુલ 27 નક્ષત્ર હોય છે. આમાં અંતિમ પાંચ નક્ષત્ર દૂષિત માનવામાં આવ્યા છે.
આ નક્ષત્ર ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી હોય છે. પ્રત્યેક નક્ષત્ર ચાર તબક્કામાં વિભાજિત રહે છે. પંચક ઘનિષ્ઠા નક્ષત્રના તૃતીય તબક્કાથી પ્રારંભ થઈને રેવતી નક્ષત્રના અંતિમ તબક્કા સુધી રહે છે. રોજ એક નક્ષત્ર હોય છે માટે આ રીતે ઘનિષ્ઠાથી રેવતી સુધી પાંચ દિવસ થયા. આ પાંચ દિવસ પંચક હોય છે.
પચક દરમિયાન જો મૃત્યુ થાય તો
પંચક દરમિયાન કોઈનુ મૃત્યુ થવુ શુભ નથી માનવામાં આવતુ. માન્યતા છે કે આવુ થતા પરિવાર, કુટુંબ કે સંબંધીઓમાં મોટી જાનહાનિ થઈ શકે છે. તેનાથી બચવા માટે મૃતદેહના અંતિમ સંસ્કાર કરતી વખતે કુશાનુ એક પુતળુ બનાવીને તેનુ પણ મૃતદેહ સાથે અંતિમ સંસ્કાર કરવાનુ વિધાન છે.માન્યતા છે કે જો કોઈનું પંચકમાં મૃત્યુ થાય તો બીજા પાંચ મૃત્યુ થવાનો ભય રહે છે.