ગ..ણ..પ..ત...!
બાળકોનું પરિણામ આકાર લઇ રહ્યું છે. ભૂલકાંઓના વાર્ષિક લેખા-જોખાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એક પછી એક વિદ્યાર્થીઓની છબિ આંખો સામે તરવરિ રહી છે. કોઈ વિદ્યાર્થી ભોળો તો કોઈ કાબો. કોઈ ફેલફીતુરિયો તો કોઈ સાધો. બહાર મેદાનમાં બોગનવેલ સાથે સાથે બાળકો ઝૂમી રહ્યાં છે.
પ્રત્યેક બાળક પેલા સંજાણ બંદરના પારસીઓની સાકર જેવાં..! એ જ્યાં હોય, ત્યાંનું વાતાવરણ મીઠું બની જાય.
આ સમયે ધોરણ 6 નો વિદ્યાર્થી ગણપત આવ્યો. મને પરિણામભંગ કર્યો. તમે જો ધ્યાનસ્થ સ્થિતિમાં હોવ તો તપોભંગ કરવા માટે અપ્સરાઓ આવે એવું સાંભળેલું.
અહીં પરિણામભંગ કરવા ગણપત આવ્યો...
“સા’બ... ઓલા..આ.. મને રમાડતા નથી..”
મેં બહાર આવીને નાનકડી દાદાગીરી કરતા એ સજ્જન ભૂલકાંઓને સમજાવ્યા... “ભૈ.. આ ગણપતને રમાડો.. જા ગણપત હવે તને રમાડશે..”
રમતનો શુભારંભ થયો. પરિણામ પાટા પર ચડ્યું. હું ધ્યાનસ્થ બન્યો. ત્યાં ફરી ગણપત હાજર. પહેલાં કરતા વધારે તરડાતા અવાજે...
“સા’બ... ઓલા..આ... મને રમાડતા નથી..”
બહાર આવીને ફરી કહ્યું: “ભૈ..ઈ... આ ગણપતને રમાડો.. જા ગણપત હવે તને રમાડશે..”
ગણપતને ન રમાડનારા બાળકો આમતો બીરબલ જેવા સમજદાર હતા. પરંતુ આજે આ ટોળકી “આ ગણપતને રમાડો.. ભૈ..” એવું કહ્યાં પછી પણ રમાડતા નહોતી...???!!!!
આ વખતે તો ગણપત મારી સાથે જ વર્ગખંડમાં આવ્યો... “સા’બ... ઓલા મને...”
મેં વચ્ચેથી અટકાવીને કહ્યું: “ગણપત તારી પાસે બેટ અને બોલ છે, એક કામ કર, તું એકલો ક્રિકેટ રમ..જા..”
હવે, પરિણામે ઉનાળાની લૂ માફક વેગ પકડ્યો. ત્યાં ગણપતનું નામ આવ્યું. વિચાર આવ્યો કે “ગણપત નામક અપ્સરો પરિણામભંગ કરવા કેમ ન આવ્યો???”
બહાર આવીને જોયું તો ખરેખર ગણપત એકલો ક્રિકેટ રમતો હતો.
ગણપત દાદરની સામે બેટ લઈને ઉભો હતો. બોલને ધીરે રહીને ફટકારતો હતો. અને બોલ પણ ગણપતનું માન રાખીને પાછો ફરતો હતો. અને ગણપત ફરી ફટકારતો હતો... સામે છેડે ગણપતને પગથિયાં સાથ આપતા હતા.
ટૂંકમાં કહું તો; આ ગણપતે એકલાં ક્રિકેટ રમી શકાય એ સિધ્ધ કર્યું. ગણપત અત્યારે ન્યુટનના નિયમોનું પ્રેક્ટીકલ કરી રહ્યો હતો. ભલે એ થિયરીથી અજાણ હોય. અને આગળ લખું તો ગણપત મહાદેવ દેસાઈ અનુવાદિત કવિવર રવીન્દ્રનાથની શબ્દ કૃતિને સાર્થક કરતો હતો..
જયારે સૌએ બેસે મો ફેરવી
સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે તું મૌન મૂકી
તારા મનનું ગાણું એક્લો ગાને રે
તારી જો હાક સુણી..
કોઈ ના આવે તો...
એકલો જાને રે..
એકલો જાને રે..!
(બીરબલ જેવા એ બંદાઓને કારણ આપ્યું કે: “સા’બ.. ઈવડા..’ઈ.. ગણપતને રમાડવાનો કોઈ વાંધો નથી. પણ.. ઈવડો..ઈ.. શેય(કોઈપણ રીતે) વાતે આવુટ જ નથી થાતો.”)
લેખન નરેન્દ્ર જોષી.