*આનંદ*
ફોઈ એ જ્યારે તૃષ્ણા નામ પાડ્યું ત્યારે જરા પણ નહીં વિચાર્યું હોય કે આ છોકરી ના જીવન માં આનંદ પામવાની ની તૃષ્ણા હંમેશા રહેશે..!!
જન્મ્યા નાં નવ મહિનામાં જ માતા પિતા ની છત્રછાયા ગુમાવી અને કાકા કાકી ના આશરે આવી ગઈ. એમના પ્રેમ માટે હંમેશા તરસતી જ રહી એ દુખીયારી..!!
જ્યારે કોલેજમાં આવી એને એક નવી જ દુનિયાનો પરિચય થયો...અને ત્યાંજ ભેટો થયો "આનંદ" સાથે.જેવા નામ એવા જ ગુણ...હંમેશા આનંદ માં જ હોય...!!! એનો સહાધ્યાયી, જેણે તૃષ્ણા ને સપના જોતા શીખવાડ્યું અને એ સપના પૂરા કરવામાં પૂરતો સાથ પણ આપ્યો. પછી એ વકૃત્વ સ્પર્ધા હોય કે ગીત ગાવાની સ્પર્ધા...આનંદ બધામાં જ બનતી મદદ કરતો. એની લગન અને તૃષ્ણા ની મહેનત રંગ લાવી ને જ રહેતી. આનંદ, તૃષ્ણા ની જિંદગીમાં આનંદ ની લહેર લઈને આવ્યો હતો.
જ્યારે લગન ની વાત આવી ત્યારે કાકી, કંકુ અને કન્યા ની વાત પર માની ગયા. તૃષ્ણા અને આનંદ નું સહજીવન મંગલમય ચાલતું હતું. એવામાં એક દિવસ આનંદ ના ઓફિસ થી પાછા આવવાનો સમય વિતી ગયો તો પણ એ ના આવ્યો. તૃષ્ણા ના મનમાં કંઇ અમંગળ થયાના એંધાણ થવા માંડ્યા.
તૃષ્ણા બહુ બેચેન થઈ આમ તેમ આંટા મારતી હતી. એવામાં જ એક કોલ આવ્યો...તૃષ્ણા એ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો અને સામેથી જે વાત સાંભળવા મળી એ સાંભળીને તૃષ્ણા પહેલા તો ચીસ પાડી ઉઠી અને પછી એકાએક જોર જોર થી હસવા લાગી... કાકા કાકી એ એને પાગલખાના માં ભર્તી કરી દીધી. હજી પણ એના હસવાની ગુંજ ત્યાં પડ્યા કરે છે...
જાણે તૃષ્ણા ની આનંદ માટે ની તૃષ્ણા કાયમ માટે છીપાઈ ગયી..!!