તું સાવ અલગ છે,
તારામાં બહાર દેખાતી કઠોરતા છે
તો દિલના ખૂણામાં પડેલી કોમળતા પણ,
તારા સ્વભાવમાં ભારોભાર ગુસ્સો છે
તો ગુસ્સા પછી વરસતો અપાર પ્રેમ પણ,
તારા ચહેરા પર સદાય મલકતું સ્મિત છે
તો આંખોમાં છુપાયેલું અપાર દર્દ પણ,
તારી વાતોમાં, તારા શબ્દોમાં, તારા સ્મિતમાં
ઘણું એવું છુપાયેલું છે જે વાંચવા માટે
આ આયખું પણ કદાચ ઓછું પડે.
તારા અંદર રહેલી એકલતાને મેં જોઈ છે,
ઉદાસીમાં તારા ચેહરના ભાવને મેં વાંચ્યા છે,
માનું છું તું એકલી પણ રહી શકે છે,
છતાં તારા દિલના કોઈ ખૂણામાં એ એકલતાજ તને ડંખે છે.
તારી અંદર પણ મારા માટે અખૂટ પ્રેમ ભરેલો છે,
જે તું ક્યારેય મારી આગળ વ્યક્ત નહીં કરે એની મને ખબર છે.
છતાં તારા શબ્દો દ્વારા, શાયરી દ્વારા એ બહાર ડોકાય છે,
અને એ બધું મારા માટે જ હોય છે એ જાણી હું ખુશ થાવ છું,
આપણો સંબંધ એવો છે જ્યાં કોઈ સ્વીકૃતિની મહોર લગાવવાની જરૂર નથી,
કે ના સમાજના રીતિ રિવાજો મુજબ ચાલવાની જરૂર છે,
મારા માટે તો તું અને તારો પ્રેમ મહત્વનો છે,
ભલે એ તું મૌન રહી ને કરે કે સામી છાતીએ આવી.
જીવનની છેલ્લી ક્ષણે પણ હું તારા પ્રેમને સ્વીકારવા તૈયાર રહીશ.
હું ઈચ્છું છું...
જ્યારે તારો હાથ કોઈ સહારો શોધે એ હાથ મારો હોય,
જ્યારે તું રડવા માટે કોઈ ખભો શોધે એ ખભો મારો હોય,
જ્યારે તારી આંખનું આંસુ ગાલ સુધી પહોંચે એને લૂછવા જે આંગળી ઉઠે એ મારી હોય.
મારા જીવનની એકે એક ક્ષણ,
મારો એક એક શ્વાસ,
હું બસ તારા નામે કરવા માગું છું
તારી સાથે મનભરીને જીવવા માંગુ છું
ક્યારેક હસવા તો ક્યારેક રડવા માંગુ છું
મારી ઉદાસીને તારી આંખોમાં જોઈ ભૂલવા માંગુ છું
તારા ખોળામાં માથું મૂકી ચિંતામુક્ત થઈ સુવા માંગુ છું.
કૅપ્ટન હું તારી સાથે ઘરડો થવા માંગુ છું.
વિલ યુ મેરી મી ???