મન મુજબ મહોરી શકો છો, તો તમે આઝાદ છો,
ચોકઠાં તોડી શકો છો, તો તમે આઝાદ છો.
‘જીભ મારી, શબ્દ મારા, હું ગમે તે કહી શકું’-
આ બધું બોલી શકો છો, તો તમે આઝાદ છો.
હોય કાંટાળો ભલે પણ એક પીંછું મોરનું,
તાજમાં રોપી શકો છો, તો તમે આઝાદ છો.
રાજરાણી પદ ભૂલીને કાનજીના નામની,
કામળી ઓઢી શકો છો, તો તમે આઝાદ છો.
હસ્તરેખાને વળોટી મન પડે તે સ્થાન પર,
એકલા પહોંચી શકો છો, તો તમે આઝાદ છો.