મનના નબળા ભાવો સાથે હું પણ જીવું, તું પણ જીવે,
રોજ નવી અફવાઓ સાથે હું પણ જીવું, તું પણ જીવે.
સાવ અચાનક ભાંગી પડતી, હીબકાં ભરતી રાત લઈને,
તૂટેલા સપનાઓ સાથે હું પણ જીવું, તું પણ જીવે.
કોની સામે, ક્યા કારણથી, કેવી રીતે, ક્યાં જઇ લડીએ?
બુઠ્ઠી આ તલવારો સાથે હું પણ જીવું, તું પણ જીવે.
સામે મળતો એકેક ચહેરો અણજાણીતા ભેદ ઉઘાડે,
પળપળના આઘાતો સાથે હું પણ જીવું, તું પણ જીવે.
કૈંક ઉમેર્યુ, ગુણ્યું-ભાગ્યું, છેવટ સઘળું બાદ કરીને,
શેષ બચેલા શ્વાસો સાથે હું પણ જીવું, તું પણ જીવે.