ભણેલો નથી પણ ભણાવી શકું છું,
સિતારા ગગનના ગણાવી શકું છું.
તમે શું વિચારો અમારા વિશે એ,
નયનને નિહાળી જણાવી શકું છું.
ગજબ રોફ મારો ભુતોને ગમે જયાં,
વગર ડાકલા એ ધુણાવી શકું છું.
મને કંટકો ભેટમાં આપનારા,
જગતને ફુલોથી વધાવી શકું છું.
તમે સાંભળો જો પ્રણયની કહાણી,
ગઝલ આપના પર લુટાવી શકું છું.
વફાદાર થઈ ને મુહોબત કરો તો,
કયામત સુધી હું નિભાવી શકું છું.