Gujarati Quote in Story by Dev Devdas

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુરુષ એટલે સાત રંગમાં ફેલાયેલું સ્ત્રીનું આકાશ...!!!

એક સ્ત્રી માટે પુરૂષ શું હોય શકે? પતિ-પ્રેમી-પિતા કે દોસ્ત?

એનાં સંતાનનો પિતા? એનાં નામની પાછળ લખાતું દિવાલ જેવું અડીખમ નામ? એક દોસ્ત-જે પ્રેમી બન્યો અને પછી પતિ? હાથમાં દર મહિને આવી જતી ઘર-ખર્ચની રકમ? સોલિટેરની ગિફ્ટ? લાઇફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમનાં પ્રિમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, ઘર-ઓફિસની લોનનાં હપ્તા વચ્ચે ખર્ચાઇ જતો, મ્યુચ્યુઅલ ફંડ કે શેર માર્કેટમાં તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપી શકે એટલે કમાયેલું ઘર-ઓફિસ તમારા નામ પર કરી દેતો એક મર્દ?

પુરૂષ એક મેઘધનુષ છે. એની પાસે સાત રંગ છે અને આ સાત રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલેબંધ રંગો ઠાલવી દે છે.

સલામતી, સ્વીકૃતિ, સહકાર, સંવેદના, સમર્પણ, સંગાથ અને સંવાદ.

પોતે ખરીદેલા ઘરની ચાર દિવાલોમાં ટાઇટ સિક્યોરિટી વચ્ચે પણ સ્ત્રીને સલામતી મહેસૂસ નથી થતી -પણ પુરૂષની પહોળી છાતી વચ્ચે એ પોતાની જાતને સૌથી વધારે સલામત મહેસૂસ કરે છે. સ્ત્રી સલામતી ઝંખે છે અને પુરૂષ લાગણીઓથી શરૂ કરીને લગ્ન સુધીની તમામ સલામતી એને આપી દે છે.

પોતાનું ઘર-ઓફિસ સ્ત્રીનાં નામે ખરીદતા એને ક્યારેય એવો વિચાર નથી આવતો કે એ એને દગો દઇને જતી રહેશે તો? એ સલામત થવામાં નહીં પણ સલામતી આપવામાં માને છે.

સ્ત્રી જેટલી સરળતાથી સ્વીકાર કરી શકે છે એનાં કરતાં પણ પુરૂષો માટે કોઇપણ વાતનો, કોઇપણ પરિસ્થિતિનો સ્વીકાર વધારે સહેલો હોય છે. પતિની નાની-નાની કુટેવોને ગાઇ-વગાડીને કહેવામાં પત્નીઓ માહિર હોય છે પણ પત્નીની નહીં ગમતી વાતોને પતિ છાતીની બહાર ક્યારેય નીકળવા નથી દેતો. બદલી નાંખવાનો આગ્રહ કે એનો વિરોધ કર્યા વિના એ સ્વીકારી લેતો હોય છે.

સહકાર. પુરૂષોનો આ સૌથી મોટો ગુણ છે. બીજી સ્ત્રીને સહકાર આપવાની વાત આવે ત્યારે સ્ત્રી પીછેહઠ કરી લેતી હોય છે-પુરૂષ આવું કરતો નથી. એની પાસે ભૂરપૂર સંવેદના હોય છે-સવાલ એટલો જ છે કે એ રડીને, કકળાટ કરીને, ટોન્ટ મારીને એને વ્યક્ત નથી કરતો. એક દિવાલ પર વેલ વીંટળાયેલી હોય એવી જ રીતે એની પહોળી છાતીને સંવેદનાઓ વીંટળાયેલી હોય છે.

એ પૂરેપૂરો સમર્પિત હોય છે. સ્ત્રી અનેકવાર એવું કહેતી હોય છે-આ બધું છોડીને ક્યાંક ભાગી જવું છે. પુરૂષ ક્યારેય આવું બોલતો નથી. એ વિના બોલ્યે જવાબદારીઓ નિભાવી લે છે.

એ સંગાથ અને સંવાદ બેઉમાં માને છે. સડી ગયેલા લગ્નજીવનમાં શ્રધ્ધા રાખીને છેલ્લે સુધી સંગાથ જાળવી રાખે છે. સ્ત્રી અબોલા લઇ શકે છે-પુરૂષ માટે અબોલા સહેલા નથી હોતા. એનો ગુસ્સો ઓગળી જાય પછી સંવાદ એનાં માટે શ્વાસ જેટલો જરૂરી થઇ જતો હોય છે.

મેઘધનુષ દેખાય એના માટે માપસરનો વરસાદ જોઇએ.

*ઇન્ટરનેશનલ મેન્સ ડે* પર દરેક પુરૂષને એનું મેઘધનુષ દેખાય શકે-એટલો વરસાદ મળી રહે એવી શુભેચ્છા.

Gujarati Story by Dev Devdas : 111050035
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now