લાભ પાંચમ ના દિવસે સવારે નયન અને નીના પોતાના ન્યુઝીલેન્ડ ભણવા ગયેલા દીકરા નિહાર ના મેસેજ ની રાહ જોતા હતા. ત્યાં નિહારનો કોક છોકરી સાથે નો ફોટો આવ્યો. બંને ભડક્યા. વ્હોટસએપ માં પૂછ્યું,” આનો મતલબ અમારે શું સમજવો ?” નિહારે લખ્યું , “જે દેખાઈ રહ્યું છે , તે જ સમજવું !! હું હમણાં કલાક માં ફોન કરું છું. “
નીના એ ધ્રુસકે ને ધ્રુસકે રડવાનું ચાલુ કર્યું. નયન એ એને શાંત રાખતાં કહ્યું કે જો, આજ સુધી આપણે જ એને કહેલું છે કે તને ગમતી છોકરી સાથે લગન કરાવશું. હવે એ જાતે ત્યાં ની લઇ આવે તો આપણે સ્વીકારવું જ રહ્યું. નીના એ કહ્યું , હા મને ખબર જ છે. મારા મનમાંય પુત્રવધૂ ને લાવવા ના કેટકેટલાં કોડ છે. પણ આ તો ત્યાં ની છોકરી.. કલ્ચરને તો હું ભૂલી જાઉં ચલો, પણ મને તો ઈંગ્લીશ સાવ ભાંગ્યું તૂટ્યું આવડે, હું એની સાથે કંઈ જ કોમ્યુનિકેશન પણ નહિ કરી શકું ? કેમ સ્વીકારું ? “ નયન એ કહ્યું , “ પ્રભુ ની આ જ મરજી હશે, તું બસ દિલ થી આશીર્વાદ આપ.”
કલાક માં નિહાર નો ફોન આવ્યો . નીના એ ફોન લઇ ને કહ્યું “ યસ બેટા ? હા ,હેપ્પી હેપ્પી . વોટ નેમ ગર્લ ? વોટ સ્ટડી ? વેન મેરી ? યુ વેન ઇન્ડિયા આઇન્ગ? “
ને સામે છેડેથી લ્યુસી એ કહ્યું ,” નમસ્થે મમ્મી , ખેમ છહો?“
નિહાર એ શાંતિ અનુભવી, ને નયન એ ધન્યતા ! પ્રેમ આગળ ભાષા ના ભેદ ભૂંસાઈ ગયાં ! આકાશ માં ઉપરથી બધું જ જોઈ રહેલાં પ્રભુ એ મંદ મંદ મુસ્કરાઈ ને નવયુગલ પર લાભ પાંચમના દિવસે આશીર્વાદ ની પુષ્પવર્ષા કરી .