"તું તારા વિચારો અને તારી વાતો"
તારી સાથેની મારી જરની જરા હટકે રહી છે. છેલ્લા એક વર્ષ પહેલાં અને એથીય પહેલાં હું તને ઓળખું છું. સંબંધ આપણો એક લેખક અને વાચક તરીકે શરૂ થયો. પણ આજે તું મારી પ્રેરણા બનીને મારી સામે ઉભી છે. ઈશ્વરની ઈચ્છા કહો કે મારું નસીબ પણ આજે તારી સાથે હોવા પર મને ગર્વ છે.
તારા ગુસ્સા પાછળ રહેલો તારો પ્રેમ, તારી લાગણી હું ઓળખી શકું છું, દુનિયા ભલે તારા વિચારોને તારો ઈગો સમજતાં હોય પણ મારા માટે એ સેલ્ફ રિસ્પેક્ટ છે. કોઈ ભલે આપણાં સંબંધ ને માને કે ના માને, મને કોઈ ફર્ક નથી પડતો, ના મારે દુનિયાને બતાવવું છે કે હું તને અને તું મને કેટલો પ્રેમ કરે છે, મારા માટે તો બસ હું તને અને તું મને ઓળખું એજ પૂરતું છે. દુઃખ એકવાતનું છે કે તું મને "હા"નથી કહી શકતી. પણ એ ના કહેવા પાછળનું કારણ પણ હું બહુ જ સારી રીતે સમજી શકું છું. બીજા લોકો કદાચ એ ના સમજી શકે, પણ મને એનાથી કોઈ જ નિસબત નથી. મારે બસ તારું બનીને રહેવું છે. સદાય માટે.
જીવનમાં ઘણી એવી ક્ષણો આવે છે જ્યાં હું તારો સાથ ઝંખતો હોઉં છું, પણ ત્યારે હું એક જ વાતનો વિચાર કરું છું કે તું પણ કોઈ એક એવી ક્ષણે મને ઝંખતી હોઈશ. મારી કમી અનુભવતી હોઈશ. પણ તારા માટે કેટલાક બંધનો તોડીને આગળ નીકળી જવાય એમ નથી. કેટલીક જવાબદારીઓ અને કેટલાક કર્તવ્યોનું પાલન કરવું તારા માટે ખૂબ જ મહત્વનું છે. અને હું એમાં સતત તારો સાથ આપવા માંગુ છું. તારી પાસે પડછાયાની જેમ ઊભો રહેવા માંગુ છું.
જીવનના ઘણાં અનુભવોમાંથી તું પસાર થઈ છે, ઘણાં વ્યક્તિઓની ઓળખ તે મેળવી લીધી છે. પણ હું એ બધા જ વ્યક્તિઓથી એક અલગ વ્યક્તિઓમાં ઉભરી આવવા માંગુ છું. તું દરેક વાત મારી સાથે શૅર કરે, તારા જીવનમાં મારુ હોવું એને તું કોઈ ભાર કે મજબૂરી ના સમજે, બસ હું તારી પાસે ના હોવા છતાં તારા જીવનની એક મહત્વની વ્યક્તિ બની રહેવા માંગુ છું.
ખોટી વ્યક્તિઓના સંગતમાં અને પ્રેમની તલપમાં મેં ઘણાં વર્ષો એમ જ કાઢી નાખ્યા તો શું હવે એક સારા વ્યક્તિની રાહ જોવા માટે હું બીજા ૪-૫ વર્ષ નહિ કાઢી શકું ?? હું તારી રાહ જોઈશ મારા છેલ્લા શ્વાસ સુધી, દરેક ક્ષણે, દરેક જગ્યાએ, દરેક પરિસ્થિતિમાં.
નીરવ પટેલ "શ્યામ"