જ્યાં મળે નહીં દૂધનું નામ એ સ્વર્ગ શું કામનું?
' ચા' વિના દિવસ બદનામ એ સ્વર્ગ શું કામનું?
' ભોજનાન્તે તક્રં ' નો વર્ષો જૂનો નિયમ આપણો,
જમ્યે છાશની રહી જાય હામ એ સ્વર્ગ શું કામનું?
નથી ત્યાં દેવસ્વરુપ માતાપિતાની હાજરી સુદ્ધાંયે,
જાતજાતના ભોગવિલાસ તમામ એ સ્વર્ગ શું કામનું?
નથી ત્યાં દાનપુણ્ય કે હરિભજનની વ્યવસ્થા વળી,
અપ્સરાના નૃત્યની ધૂમધામ એ સ્વર્ગ શું કામનું?
પુણ્ય વટાવાયને મળે મનને ગમતાં સુખ નિરંતર,
કોઈને સાંભરે નહિ ત્યાં રામ એ સ્વર્ગ શું કામનું?
સાતફેરા સપ્તપદીના લીધા જેની સાથે સંસારમાં,
સપત્ની રહેવાનું નથી ઠામ એ સ્વર્ગ શું કામનું?
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.