છટ્ઠા માં ભણતા છોકરાંઓ ની મમ્મીઓ નું સરસ ગ્રુપ બની ગયેલું. અવારનવાર કિટ્ટી થતી. આજે નવી કાર ના માન માં શર્વરી તરફ થી બધા ને રેસ્ટોરન્ટમાં પાર્ટી હતી. ૩-૪ કલાક બધાએ ખાઈ-પી ને મસ્ત મજા કરી. સાડા સાત હાજર નું બીલ ચૂકવી ને શર્વરી ઉભી થઇ ને બધી બહેનપણીઓ એને થેંક યુ કહી ને છૂટી પડી.ગયાં.
ઘરે આવી ત્યાં સોફા પર બેઠેલા એના સસરા એ પૂછ્યું , “ મારા ચશ્મા લઇ આઈ ,બેટા ? અઢી મહિના થી આ તૂટેલા ચશ્મા થી ચલાવું છું. “ “અરે હા, બાપુજી, સવાર –સાંજ માથું ના ખાવ. પહેલાં થી કહ્યું હતું કે સાચવી ને રાખજો. મહેનત કરી ને તમારો દીકરો પૈસા કમાય છે , પણ તમને ક્યાં પડી છે !નવા ચશ્મા કરાવવામાં મારો સમય જાય છે ને તમારા દીકરા ના પૈસા !! મેળ પડે, ત્યારે કરાવશું ! “ કહી ને પગ પછાડતી શર્વરી રૂમ માં જતી રહી.
બાપુજી તૂટેલા ચશ્માં માં થી સોફા સામે ની દીવાલ પર જોઈ રહ્યાં. દીવાલ પર હાર લટકાવેલા ફોટા માં થી બા ની ચશ્મા વાળી આંખો માં આંસુ તગતગ્યા .