આખ્ખે આખું અહમ અહીં ગીરવે મૂકવાની વાત છે.
જતું કરીને ઘણુંબધું એકમેકને સમજવાની વાત છે.
એમ કૈં સાવ સરળ નથી દામ્પત્ય નિભાવવાનું અહીં,
સમો પારખી જઈ ખુદ હારીને જીતાડવાની વાત છે.
જીદનું સ્થાન નથી જીવનની એ વહેતી રફતારમાંહે,
ભૂલી જઈ જૂનુંને નવેસરથી ફરી ગણવાની વાત છે.
જીતમાં હાર અને હારમાંય જીતનાં દર્શન થાય છે,
બની શંકર ક્વચિત જગનાં વિષ ગળવાની વાત છે.
શું મળ્યું તેનો સરવાળો ભૂલેચૂકે ના કરશો કદી પણ ,
આપી કુરબાની સમર્પણ જાતનું કરવાની વાત છે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.